ટોંગા : દક્ષિણ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની પશ્ચિમે આવેલો 170 ટાપુઓનો બનેલો દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 175° પ. રે. આ ટાપુઓ 15° દ. અ. થી 23o 30’ દ. અ. અને 173o થી 177° પ. રે. વચ્ચે આવેલો છે. તે ફિજીથી પૂર્વમાં 640 કિમી. અને ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી ઈશાન ખૂણે 3000 કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ 748 ચોકિમી. છે. પશ્ચિમ તરફના ટાપુઓ જ્વાળામુખીને કારણે ઉદભવ્યા છે, જ્યારે પૂર્વ તરફના ટાપુઓ ચૂનાના ખડકોવાળા છે. દક્ષિણમાં ટોંગા ટાપુ, ઉત્તરમાં વાવઉ જૂથ અને મધ્યમાં હાપાઈ જૂથના ટાપુઓ છે. ટોંગા સૌથી મોટો ટાપુ છે.
મૃત જ્વાળામુખી કાઓ 1033 મી. ઊંચો છે. કેટલાક જ્વાળામુખી પર્વતો સમુદ્રમાં ડૂબેલા છે. ટોકુઆ ટાપુ ઉપરનો જ્વાળામુખી તથા અન્ય જ્વાળામુખી પર્વતો અવારનવાર ભભૂકી ઊઠે છે. ચૂનાના ખડકો તથા લાવામિશ્રિત જમીન ફળદ્રૂપ છે, જ્યારે પરવાળાના ટાપુઓની જમીન પ્રમાણમાં ઓછી ફળદ્રૂપ છે.
ઉત્તરના ટાપુઓનું સરેરાશ તાપમાન 23° સે. અને દક્ષિણના ટાપુઓનું સરેરાશ તાપમાન 27° સે. રહે છે. સમુદ્રની અસરને કારણે ઠંડી ઓછી પડે છે. વાવઉ ટાપુમાં સૌથી વધારે વરસાદ 2286 મિમી. અને ટોંગા ટાપુ ખાતે 1702 મિમી. વરસાદ પડે છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આ ટાપુઓ ‘હરિકેન’ તરીકે ઓળખાતા વાવાઝોડાનો ભોગ બને છે.
નારિયેળ અને તાડનાં વૃક્ષો દરિયાકિનારાના મેદાનમાં જોવા મળે છે. તરબૂચ, બ્રેડફ્રૂટ, વનિલાની શિંગો અને કેળાં અન્ય પાક છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ઉપરાંત લોકો ડુક્કર, મરઘાં અને ઢોર ઉછેરે છે.
તેલની મિલો અને હસ્તકારીગરીની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. દર વરસે અહીં પ્રવાસીઓ આવે છે.
2021માં ટોંગોની વસ્તી 1,00,209 લાખ હતી. દર ચોકિમી.દીઠ વસ્તીની ઘનતા 131 છે. કુલ વસ્તીના 79% લોકો ગ્રામવિસ્તારમાં અને 21% લોકો શહેરોમાં વસતા હતા. નુકુ અલાફો તેનું પાટનગર છે અને કુલ વસ્તીના બે-તૃતીયાંશ લોકો અહીં વસે છે. 36 ટાપુઓમાં કાયમી વસ્તી છે. ટોંગાના લોકો પોલીનેશિયન જાતિના છે. મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેમની ટોંગન ભાષા સામોઅન ભાષા ઉપરથી ઊતરી આવી છે. લોકોનું સરેરાશ આયુષ્ય 37 વરસ છે. 90%થી 95% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.
આ ટાપુના લોકોનો વેપાર મુખ્યત્વે નેધરલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સાથે છે. સ્થાનિક પેદાશ અને હસ્તકારીગરીની વસ્તુઓની નિકાસ થાય છે. દેશનું ચલણ ‘પાંગા’ છે.
1900–1970 દરમિયાન આ ટાપુ ઇંગ્લૅન્ડનું રક્ષિત રાજ્ય હતું.
ટુપૌ વંશનું શાસન (રાજાશાહી) 1000 વર્ષ જેટલું જૂનું છે. રાજા અને પ્રિવી કાઉન્સિલ દેશનો વહીવટ ચલાવે છે. અહીં બંધારણીય રાજાશાહી છે. 4–6–1970થી આ દેશ સ્વતંત્ર થયો છે.
આ ટાપુની પ્રથમ મુલાકાત લેનાર ડચ વહાણવટી જેકબ લે મૈર હતો (1616). 1643માં એબલ ટાસ્માને અને 1773માં અંગ્રેજ વહાણવટી કૅપ્ટન કૂકે આ ટાપુઓની મુલાકાત લીધી હતી. આ ટાપુ રાજ્ય રાષ્ટ્રકુટુંબ(Commonwealth of Nations)માં જોડાયેલ છે.
શિવપ્રસાદ રાજગોર