ટોપકાપી સંગ્રહાલય, ઇસ્તંબૂલ

January, 2014

ટોપકાપી સંગ્રહાલય, ઇસ્તંબૂલ : તુર્કીનું જાણીતું સંગ્રહાલય. સ્થા. 1892. ગોલ્ડન હૉર્ન અને મારમારાના સમુદ્રની વચ્ચે બંધાયેલા સેરાગ્લિયો મહેલમાં ટોપકાપીનું આયોજન થયેલું છે. આ મહેલની શરૂઆત ઈ. સ. 1475 દરમિયાન થઈ અને સત્તરમી સદી સુધી તેના વિસ્તરણનું કાર્ય ચાલુ રહ્યું. રાજમહેલના લગભગ 11 જુદા જુદા ભાગો છે, જેમાં વિશાળ પટાંગણનો પણ સમાવેશ થાય છે. તુર્કોના સ્થાપત્યમાં ભૌમિતિક આયોજનને એક ખાસ સ્થાન હતું, જેનો અમલ બાહ્ય તેમજ આંતરિક આયોજનોમાં જોવા મળે છે અને તેના પ્રમાણે ઇમારતનું માળખું  પણ ઘડવામાં આવે છે. તુર્કી સ્થાપત્યમાં રોમન કળાનો પણ સમન્વય બંને દેશોના આપસના જોડમેળને લીધે જોવા મળે છે અને તેની અસર અરસપરસના સ્થાપત્યમાં ઘણી મળે છે છતાં પણ ઇજનેરી કળાની શૈલીઓની વિશિષ્ટતા પણ ખૂબ જ ઊપસી આવે છે, જે બંને શૈલીઓમાંની તકનીકી (technological) પ્રગતિનો ખ્યાલ આપે છે. ગ્રંથાલય વિભાગમાં 18,000 હસ્તપ્રતો અને 23,000થી વધારે પ્રાચીન પત્રાદિનો સંગ્રહ છે.

રવીન્દ્ર વસાવડા