ટૉરેસની સામુદ્રધુની : ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિનીને જુદાં પાડતી તેમજ કોરલ સમુદ્ર અને આરાકુરા સમુદ્રને જોડતી છીછરી–સાંકડી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 10o 25’ દ. અ. અને 142o 10’ પૂ. રે., સ્પૅનિશ નાવિક લુઈસ ટૉરેસે 1613માં તેની શોધ કરી હતી, તેથી તેને ‘ટૉરેસની સામુદ્રધુની’ એવું નામ આપેલું છે.

150 કિમી. પહોળી આ સામુદ્રધુની 70 જેટલા નાનામોટા જ્વાળામુખીય ટાપુઓ અને પરવાળાના ખરાબાની બનેલી છે. આ ટાપુઓમાં લગભગ 30 જેટલા ટાપુઓ પર વસવાટ નથી.

વહાણવટા માટે આ સામુદ્રધુનીનો ઉપયોગ માત્ર સ્થાનિક જરૂરિયાત પૂરતો જ થાય છે. તે ખૂબ છીછરી હોવાથી અને તેમાં ખરાબા આવેલ હોવાથી વહાણવટા માટે તે ભયજનક ગણાય છે.

નિયતિ મિસ્ત્રી