ટૉમસ, ડિલન માર્લે (જ. 1914, સ્વાન્સી, દક્ષિણ વેલ્સ, ગ્રેટ બ્રિટન; અ. 1953, ન્યૂયૉર્ક) : અંગ્રેજી કવિ. નાની વયે કવિતાની રચના કરવા માંડી. શરૂઆતમાં પત્રકાર તરીકે કાર્ય કરેલું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘18 પોએમ્સ’ 1934માં પ્રસિદ્ધ થયો. ‘ટ્વેન્ટી-ફાઇવ પોએમ્સ’-(1936)ની એડિથ સિટવેલ અને અન્ય કવિઓ–વિવેચકોએ પણ નોંધ લીધી. પત્રકારત્વની સાથે સાથે રેડિયો વાર્તાલાપ આપતા અને ચલચિત્ર-નિર્માણનું કાર્ય કરતા કવિ તરીકે તે વિશેષ જાણીતા થયા. ઘણીબધી રઝળપાટ પછી 1949માં સ્વગૃહે આવીને રહ્યા. ટૉમસની કવિતા તેની રંગદર્શિતા, વિધાયક અભિગમ અને વાગાડંબરી શૈલીને લીધે બહોળા વાચકવૃંદમાં પ્રિય થઈ પડી અને સમકાલીન કવિઓ તેનાથી પ્રભાવિત થયા. ‘ડેથ્સ ઍન્ડ એન્ટ્રન્સીસ’(1946)માંનાં ‘ફર્ન હિલ’ અને ‘એ રિફ્યૂઝલ ટુ મૉર્ન ધ ડેથ બાય ફાયર ઑવ્ એ ચાઇલ્ડ ઇન લંડન’ જેવાં કેટલાંક સુપ્રસિદ્ધ કાવ્યોએ  તેમને સારી ખ્યાતિ અપાવી. તેમના ‘કલેક્ટેડ પોએમ્સ’(1934–1952)ની અનેક નકલો જોતજોતાંમાં ખપી ગઈ. તેમની કાવ્યકલામાં સભાનતા અને ઝીણવટભર્યું સાતત્ય જોવા મળે છે.

ડિલન માર્લે ટૉમસ

‘ધ મૅપ ઑવ્ લવ’ (1939) ગદ્ય અને પદ્યનો સંગ્રહ છે. ‘પૉર્ટ્રેટ ઑવ્ ધ આર્ટિસ્ટ ઍઝ ઍ યંગ ડૉગ’ (1940) ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘ઍડવેન્ચર્સ ઇન ધ સ્કિન ટ્રેડ’ (1955) ટૂંકી વાર્તાઓનો અને ‘એ પ્રૉસ્પેક્ટ ઑવ્ ધ સી’ (1955) ટૂંકી વાર્તાઓ અને નિબંધોનો સંગ્રહ છે. વિદ્યાર્થીઓ અને રેડિયોના શ્રોતાવર્ગમાં તેઓ અત્યંત લોકપ્રિય હતા. 1950માં યુ.એસ.ની મુલાકાત લીધી અને વ્યાખ્યાનો આપ્યાં તથા ન્યૂયૉર્કમાં પોતાની પ્રિય કૃતિ ‘અંડર મિલ્ક વૂડ’ રેડિયો નાટકનું વાચન કરેલું. તેમની ‘નોટબુક્સ’ (સંપા. આર. એન. મૉડ) 1968માં પ્રસિદ્ધ કરવામાં આવી. ‘ધ પોયમ્સ ઑવ્ ડિલન ટૉમસ’(1971)માં અર્થઘટનની નોંધ ઉપરાંત તેમના મિત્ર ડેનિયલ જૉન્સનાં વ્યક્તિગત સૂચનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

વિ. પ્ર. ત્રિવેદી