ટૉબે, હેન્રી (જ. 30 નવેમ્બર 1915, ન્યૂડૉર્ફ, કૅનેડા; અ. 16, નવેમ્બર 2005, સ્ટેનફોર્ડ, કૅલિફૉર્નિયા) : જન્મે કૅનેડિયન એવા અમેરિકન અકાર્બનિક (inorganic) રસાયણવિદ અને 1983ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા.
ટૉબેએ સસ્કટૂન (Saskatoon) ખાતે આપેલી સાસ્કેચવાન (Saskatchwan) યુનિવર્સિટીમાંથી 1935માં બી.એસ. અને 1937માં એમ.એસ.ની પદવી મેળવી હતી. 1937માં તેઓ અમેરિકા ગયા અને બર્કલેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં પીએચ.ડી. પદવી માટેના સંશોધનકાર્ય માટે ડૉ. ડબલ્યૂ. સી. બ્રે સાથે જોડાયા અને 1940માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1942માં તેમણે અમેરિકન નાગરિકત્વ સ્વીકાર્યું.
1941–46 દરમિયાન ટૉબેએ કૉર્નેલ યુનિવર્સિટી(ઇથાકા)માં, 1946–61 સુધી યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં તથા 1961–86 દરમિયાન સ્ટેનફૉર્ડ યુનિવર્સિટી (કૅલિફૉર્નિયા)માં અધ્યાપનકાર્ય કર્યું હતું.
વીસમી સદીની ચાલીસીના ઉત્તરાર્ધમાં સમસ્થાનિકોનો ઉપયોગ કરી તેમણે દર્શાવ્યું કે જલીય દ્રાવણમાંનાં ધાતુ-આયનો પાણીના અનેક અણુઓ સાથે રાસાયણિક બંધ બનાવે છે. એ રીતે ઉદભવતા સંકીર્ણો અથવા જલયોજિત સંયોજનો(hydrates)ની સ્થિરતા અને ભૌમિતીય સંરચના આયનના પ્રકાર અને તેની ઑક્સિડેશન અવસ્થા પ્રમાણે જુદી જુદી હોય છે. એમોનિયા અને અન્ય લિગેન્ડ પણ આવા જ સંકીર્ણ પદાર્થો ઉત્પન્ન કરે છે; તેમના ગુણધર્મો અંગે તેમની ઇલેક્ટ્રૉન સંબંધી સંરચના વડે અર્થઘટન કરી શકાય છે.
લિગેન્ડના વાતાવરણથી ઘેરાયેલાં આવાં બે ધાતુ-આયનો એકબીજાથી દૂર રહેતાં હોવાથી તેમની વચ્ચે ઇલેક્ટ્રૉન વિનિમય થઈ શકે નહિ પણ આવા કિસ્સામાં ખરેખર પ્રક્રિયા થાય છે. ટૉબેએ પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે બે ધાતુ-આયનો વચ્ચે સીધી ઑક્સિડેશન પ્રક્રિયા થતાં પહેલાં એક મધ્યવર્તી તબક્કો એવો આવે છે કે જેમાં એક આયન A અને બીજા આયન B સાથે જોડાયેલ લિગેન્ડ વચ્ચે પ્રથમ રાસાયણિક બંધ ઉત્પન્ન થાય છે. અહીં લિગેન્ડ બે આયનોને જોડતા એક પુલ તરીકે વર્તે છે. ત્યારબાદ લિગેન્ડ બીજા આયનથી અલગ થઈ જાય છે અને એ રીતે ઇલેક્ટ્રૉન વિનિમય પ્રકારની પ્રક્રિયા થાય છે.
દ્રાવણમાં રહેલા અકાર્બનિક પદાર્થોના ગુણધર્મો અને તેમની પ્રક્રિયાઓ અંગેના ખાસ કરીને ધાતુ-સંકીર્ણોમાંના ધાત્વીય આયનો સાથે સંકળાયેલી ઉપચયન-અપચયન (રેડૉક્સ, redox) અથવા ઇલેક્ટ્રૉન-વિનિમય(transfer)ની ક્રિયાવિધિની સમજૂતી આપવા બદલ ટૉબેને 1983ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1977માં તેઓને નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ પ્રાપ્ત થયો હતો. તેઓ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના પણ સભ્ય હતા.
ઉદ્દીપકો, વર્ણકો અને અતિવાહકોમાં વપરાતાં ધાતુ-સંયોજનોની પસંદગીમાં તેમજ કેટલાક ઉત્સેચકોમાં ઘટક તરીકે રહેલાં ધાતુ-આયનોના કાર્યની સમજ મેળવવા તેમનું સંશોધન ઉપયોગી નીવડ્યું છે.
જ. દા. તલાટી