ટોબિન, જેમ્સ (જ. 5 માર્ચ 1918, શામ્પેન, ઇલિનૉઇસ, યુ.એસ.) : અર્થશાસ્ત્રના 1981ના નોબેલ પુરસ્કારના વિજેતા. 1939માં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી તથા 1947માં તે જ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1950–61 દરમિયાન અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ઍસોસિયેટ પ્રોફેસર અને સાથોસાથ અમેરિકાની વિખ્યાત સંશોધનસંસ્થા કાઉત્સ ફાઉન્ડેશન ફૉર ઇકૉનૉમિક રિસર્ચના નિયામક (1955–61) તરીકે કામ કર્યું. 1961–62 દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના આર્થિક સલાહકાર મંડળના સભ્ય રહ્યા. 1962માં યેલ યુનિવર્સિટીમાં પાછા ફર્યા અને ત્યારથી અત્યાર સુધી ‘સ્ટર્લિંગ પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક્સ’નું પદ શોભાવ્યું છે. 1964–65 દરમિયાન ફરીથી કાઉત્સ ફાઉન્ડેશન ફૉર ઇકૉનૉમિક રિસર્ચના નિયામકપદે હતા.

જેમ્સ ટોબિન

1958માં ‘રિવ્યૂ ઑવ્ ઇકૉનૉમિક સ્ટડીઝ’માં પ્રકાશિત ‘લિક્વિડિટી પ્રિફરન્સ ઍઝ બિહેવિયર ટૉવર્ડ્ઝ રિસ્ક’ નામક તેમનો સંશોધનલેખ નાણાંના રોકાણ અંગેની રોકાણ કરનારની પસંદગી અંગેના નવા અભિગમ માટે નાણાકીય અર્થશાસ્ત્રીઓમાં ચર્ચાનો વિષય બન્યો. તરલ રોકડતા(liquidity)ની પસંદગી અંગેની તેમની પરિકલ્પના મુજબ અસ્કામત ધરાવતી દરેક વ્યક્તિને તેની અસ્કામત રોકડ નાણાંના સ્વરૂપે રાખવી કે જામીનગીરીઓમાં તેનું રોકાણ કરવું આ બે મુખ્ય વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની હોય છે. રોકડ નાણાંના સ્વરૂપે અસ્કામત ધરાવવાથી કોઈ આર્થિક જોખમ વહોરવાનું હોતું નથી, પરંતુ તેની સામે તેને કોઈ આવક કે વળતર પણ પ્રાપ્ત થતાં નથી, પરંતુ જો તે જામીનગીરીઓના સ્વરૂપે અસ્કામત ધરાવવાનું પસંદ કરે તો તેને વ્યાજરૂપી આવક પ્રાપ્ત થાય પણ સાથોસાથ જામીનગીરીઓના ભાવોમાં થતી ઊથલપાથલનું જોખમ પણ તેને ખેડવું પડે. તેથી બંને વચ્ચેના લાભ-ગેરલાભનો તુલનાત્મક વિચાર  કરી નાણાંનું રોકાણ કઈ રીતે કરવું તેનો નિર્ણય વ્યક્તિએ કરવાનો હોય છે. તેમને નોબેલ પારિતોષિક એનાયત થયું તે માટેના પ્રશસ્તિપત્રમાં તે માટેની પસંદગી સમિતિએ નાણાબજાર અને ખર્ચ અંગેના નિર્ણયો તથા રોજગારી, ઉત્પાદન અને કિંમતો સાથેના તેના સંબંધોના ટોબિને કરેલા તલસ્પર્શી વિશ્લેષણની ખાસ નોંધ લીધી હતી.

કેઇન્સવાદી અર્થશાસ્ત્રના તેઓ પુરસ્કર્તા જ નહિ પરંતુ પ્રવક્તા ગણાય છે. અમેરિકા તથા વિદેશની ઘણી યુનિવર્સિટીઓએ તેમને ડૉક્ટરેટની માનદ પદવી એનાયત કરીને સન્માન્યા છે.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘અમેરિકન બિઝનેસ ગ્રિડ’ (1956), ‘નૅશનલ ઇકૉનૉમિક પૉલિસી’ (1966), ‘ફાઇનાન્શિયલ માર્કેટ્સ ઍન્ડ   ઇકૉનૉમિક ઍક્ટિવિટી’ (1967), ‘એસેઝ ઇન ઇકૉનૉમિક્સ’ (ખંડ I, 1971; ખંડ II, 1975; ખંડ III, 1982), ‘ઍસેટ એક્યૂમ્યુલેશન ઍન્ડ ઇકૉનૉમિક ઍક્ટિવિટી’ (1980) તથા ‘રિફ્લેક્શન્સ ઑન કૉન્ટેમ્પરરી મૅક્રોઇકૉનૉમિક થિયરી’ (1980)  નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે