ટૉડ, સર ઍલેક્ઝાંડર રૉબટર્સ (જ. 2 ઑક્ટોબર 1907, ગ્લાસગો) : જનીનદ્રવ્યોની અગત્ય સમજવા આવશ્યક ન્યૂક્લિયોટાઇડ, ન્યૂક્લિયોસાઇડ તથા ન્યૂક્લિયોટાઇડ સહઉત્સેચકોના બંધારણ તથા સંશ્લેષણ માટે 1957ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર-વિજેતા બ્રિટિશ જીવ-રસાયણશાસ્ત્રી. તેમણે ઍલન ગ્લૅન સ્કૂલ તથા ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1928માં બી.એસસી.ની પદવી મેળવી. 1931માં ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવી; 1933માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પણ ડૉક્ટરેટ મેળવી. 1936માં મેડિસિનના નોબેલ પુરસ્કાર-વિજેતા સર હેન્રી ડેલનાં પુત્રી સારા સાથે લગ્ન કર્યાં. 1934માં સ્કૉટલૅન્ડમાં એડિનબરો યુનિવર્સિટીમાં તથા 1936માં લંડનની લિસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્રિવેન્ટિવ મેડિસિન સંસ્થામાં જોડાયા. 1937માં લંડન યુનિવર્સિટીમાં બાયૉકેમિસ્ટ્રીના રીડર બન્યા. 1938થી 1944 દરમિયાન તે માન્ચેસ્ટરમાં રસાયણશાસ્ત્રના સર સૅમ્યુઅલ હૉલ પ્રોફેસર તથા યુનિવર્સિટીની રસાયણશાસ્ત્રની લૅબોરેટરીના ડિરેક્ટર બન્યા. 1944થી 1971 દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાર્બનિક રસાયણના પ્રોફેસર રહ્યા. 1975માં સ્ટ્રેથક્લાઇડ યુનિવર્સિટીના કુલપતિ બન્યા; 1978માં હેટફિલ્ડ પૉલિટેકનિકના મુલાકાતી પ્રોફેસર પણ રહ્યા.
માન્ચેસ્ટરમાં તેમણે ન્યૂક્લિયોસાઇડ, ન્યૂક્લિઇક ઍસિડના બંધારણીય ઘટકો DNA તથા RNA વિશે કામ શરૂ કર્યું. 1949માં સજીવોમાં ઊર્જાના ઉપયોગ માટે જરૂરી એવા અડેનોસિન ટ્રાઇફૉસ્ફેટ(ATP)નું સંશ્લેષણ કર્યું. આ ઉપરાંત 1949માં તેમણે ફ્લાવિન એડેનિન ડાયન્યૂક્લિયોટાઇડ (FAD) તથા 1954માં યુરિડિન ટ્રાયફૉસ્ફેટનું સંશ્લેષણ કર્યું. 1955માં વિટામિન B12 નું બંધારણ નક્કી કર્યું. આ ઉપરાંત તેમણે વિટામિન B1, વિટામિન E તથા ગાંજા-ચરસમાં રહેલા ઍલ્કલૉઇડનું બંધારણ શોધી તેમનું સંશ્લેષણ કર્યું.
તે રૉયલ સોસાયટીના ફેલો રહ્યા અને અનેક યુનિવર્સિટીની ડૉક્ટરેટની માનાર્હ પદવી મેળવી. 1952થી 1964 દરમિયાન તેઓ બ્રિટિશ સરકારની સાયન્ટિફિક પૉલિસી અંગેની સલાહકાર સમિતિના ચૅરમૅન રહ્યા હતા. 1975માં તેઓ રૉયલ સોસાયટીના પ્રમુખ ચૂંટાયા. નફીલ્ડ ફાઉન્ડેશનના મૅનેજિંગ ટ્રસ્ટી અને ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ ઍપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) તથા બ્રિટિશ નૅશનલ કમિટી ફૉર કેમિસ્ટ્રીના પ્રેસિડેન્ટપદે રહ્યા. 1954માં તેમને ‘સર’નો ખિતાબ મળ્યો. 1977માં રૉયલ ઑર્ડર ઑવ્ મેરિટના સભ્ય બનાવવામાં આવ્યા.
જ. પો. ત્રિવેદી