ટેંજિર : મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 35° 34’ ઉ. અ. અને 6° 00’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે ઍટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ છે. પ્રાંતનું ક્ષેત્રફળ 11,570 ચોકિમી. છે. તેની વસ્તી 7 લાખ (2012) છે.

જિબ્રાલ્ટરની સામુદ્રધુનીના પશ્ચિમ છેડે દેશના ઉત્તર કિનારે આવેલું આ આંતરરાષ્ટ્રીય બંદર છે. તે સ્પેનની મુખ્ય ભૂમિથી દક્ષિણે 30 કિમી. અને કાસાબ્લાંકાથી ઈશાને 354 કિમી. દૂર છે. તે ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશદ્વાર છે અને લશ્કરી ર્દષ્ટિએ તેનું વ્યૂહાત્મક મહત્વ છે. સમુદ્રકિનારાથી દક્ષિણે મેદાન અને રીફ પર્વતમાળાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે.

તે ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા દેશો જેવી આબોહવા ધરાવે છે. ઉનાળો સૂકો અને સમધાત હવામાન ધરાવે છે. શિયાળામાં 610થી 810 મિમી. વરસાદ પડે છે.

માર્ગો તથા રેલવે દ્વારા ટેંજિર અન્ય પ્રવાસધામો તથા રબાત, કાસાબ્લાંકા, ફેઝ, મેકનેસ વગેરે અન્ય શહેરો સાથે અને દરિયાઈ માર્ગ દ્વારા સ્પેન, ફ્રાન્સ, ઇટાલી વગેરે દેશો સાથે જોડાયેલ છે. આંતરરાષ્ટ્રીય વિમાનઘર દ્વારા આફ્રિકા તથા યુરોપનાં  મહત્વનાં શહેરો સાથે તે સંકળાયેલું છે.

અહીં અનાજ, ખાંડ અને પેટ્રોલિયમ પેદાશોની આયાત થાય છે, જ્યારે ગાલીચા, ફૉસ્ફેટ વગેરેની નિકાસ થાય છે.

ટેંજિરના લોકો મુખ્યત્વે આરબ કે બર્બર છે. અરબી ઉપરાંત ત્યાં અંગ્રેજી, સ્પૅનિશ, ફ્રેન્ચ અને બર્બર ભાષાઓ બોલાય છે.

ઇતિહાસ : ટેંજિરની ઈ. સ. પૂ. 1500માં  ફિનિશિયનોએ સ્થાપના કરી હતી. આ શહેર તેમનું વેપારી થાણું હતું. ત્યારબાદ કાર્થેજના લોકો અહીં વસ્યા હતા. રોમનો અહીં ઈ. સ. પૂ. 82થી વસ્યા હતા. રોમનોએ તેને ટિનજિસ નામ આપ્યું હતું અને તે મૉરેટાનિયા ટિન્જિયાનાના રોમન પ્રાંતની રાજધાની હતું. રોમનોએ આશરે ઈ. સ. 500 સુધી અહીં રાજ્ય કર્યું હતું. ત્યારબાદ તે વેન્ડાલ અને બાઇઝેન્ટીન શાસન નીચે હતું. ઈ. સ. 705માં આરબોએ તે કબજે કર્યું હતું અને 1471 સુધી તે મુસ્લિમ શાસકોને કબજે હતું. 1471થી 1580 સુધી તે પોર્ટુગીઝોને અને 1580થી 1656 સુધી પોર્ટુગલ અને સ્પેનને તાબે હતું. 1662માં પોર્ટુગલની રાજકુંવરી કૅથેરાઇનને ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ પહેલા સાથે પરણાવતાં તેને તે દાયજામાં આપવામાં આવ્યું હતું. અંગ્રેજો અહીં 1662થી 1684 સુધી રહ્યા હતા. 1684માં મોરોક્કોના સુલતાને ટેંજિર અને આસપાસનો પ્રદેશ કબજે કર્યો હતો. ઓગણીસમી સદી દરમિયાન ટેંજિર પરદેશી એલચીઓનું નિવાસસ્થાન બન્યું હતું. 1912માં મોરોક્કો ફ્રાન્સનું રક્ષિત રાજ્ય બનતાં અહીં ફ્રેન્ચ અસર વધી હતી. ટેંજિરનું વ્યૂહાત્મક મહત્વ પિછાનીને 1923માં તે અને આસપાસના પ્રદેશ આંતરરાષ્ટ્રીય અંકુશ નીચે મુકાયા હતા. 1940ના જૂનમાં સ્પેને તેનો કબજો  લીધો હતો. 1945માં ફ્રેન્ચ, બ્રિટન, યુ.એસ. તથા રશિયાએ ફરી તેનો કબજો લીધો હતો. 1956માં  મોરોક્કો સ્વતંત્ર થતાં તેણે આ નગરનો કબજો લીધો હતો. 1968માં અમેરિકન યુનિવર્સિટીની અને 1971માં ઉત્તર આફ્રિકન યુનિવર્સિટીની ત્યાં સ્થાપના થઈ હતી.

નગરમાં પંદરમી સદીનો કોટ, સત્તરમી સદીની મસ્જિદ અને જૂનો રાજમહેલ જોવાલાયક છે. ત્યાંના રાજમહેલનો સંગ્રહસ્થાન તરીકે ઉપયોગ થાય છે.

શિવપ્રસાદ રાજગોર