ટેલિપથી : ઇન્દ્રિયના સ્વીકૃત માધ્યમ વગર સ્વતંત્ર રીતે કોઈ પણ પ્રકારના વિચાર અથવા મનની છાપને એક મનથી બીજા મન સુધી સંક્રાન્ત કરવાનો વ્યવહાર. ફ્રેડરિક માયર્સે ‘ટેલિપથી’ શબ્દ પ્રયોજી તેને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. તેના દર્શાવ્યા પ્રમાણે ટેલિપથી એટલે બે માનવી વચ્ચેના લાગણી અને આવેગનો તત્કાળ ઇન્દ્રિયાતીત વિનિમય. દૂરના પ્રદેશમાં અકસ્માતનો ભોગ બનતો પુત્ર માતાને યાદ કરતો હોય તે વખતે માતાને ઘેરા વિષાદનો અનુભવ થાય, પતિ ગંભીર આફતમાં ઘેરાયો હોય ત્યારે દૂરના સ્થળે એકાએક પત્નીને ગભરાટની લાગણી થાય, આવા બનાવો ભાવાત્મક ટેલિપથીના ગણાય છે.

‘ટેલિપથી’નો અભ્યાસ સામાન્ય (general) મનોવિજ્ઞાનમાં થતો નથી પણ પરામનોવિજ્ઞાન(parapsychology)માં થાય છે. ભવિષ્યનું પૂર્વજ્ઞાન (precognition), કેવળ વિચારશક્તિથી જ ભૌતિક વસ્તુઓમાં હલનચલન ઉત્પન્ન કરવું (telekinesis), અતીન્દ્રિય પ્રત્યક્ષ અને ટેલિપથી જેવી અસામાન્ય ઘટનાઓનો અભ્યાસ પરામનોવિજ્ઞાનમાં થાય છે. પરામનોવિજ્ઞાનની વૈજ્ઞાનિક સ્વીકૃતિ હવે પ્રમાણમાં વધી છે. તેમ છતાં, પરામનોવિજ્ઞાનમાં નિર્દેશેલી  ટેલિપથી જેવી ઘટનાઓ બને છે તેવું સ્વીકારવામાં આવે તોપણ, તેનો પર્યાપ્ત સૈદ્ધાંતિક ખુલાસો હજી પ્રાપ્ત થઈ શકે તેમ નથી તેમ ઘણાં માને છે.

પરામનોવિજ્ઞાની શ્રીમતી રોસેલિન્ડ હેવડના મંતવ્ય પ્રમાણે ભાવાત્મક ટેલિપથીને આકસ્મિક ગણીને ઓછું મહત્ત્વ અપાવું જોઈએ નહિ. માનવજીવનમાં આવા બનાવો સેંકડો વર્ષથી અનુભવાતા અને નોંધાતા આવ્યા છે. કદાચ, તેથી પરામનોવિજ્ઞાનીઓ (para-psychologists) ટેલિપથીનો પ્રાયોગિક અભ્યાસ કરવા પ્રેરાયા હશે.

જે. બી. રહાઇને (1895-1980) અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટીમાં અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ(extrasensory perception,  ESP)ના સંશોધન માટે સ્થાપેલી પૅરાસાઇકોલૉજી લૅબોરેટરી વિખ્યાત ગણાય છે. પિસ્તાલીસ વર્ષ સુધી થયેલાં સંશોધનોમાં  ર્હાઇનને તેમનાં પત્ની ડૉ. લુઇસા રહાઇનનો નોંધપાત્ર સહકાર પ્રાપ્ત થયો હતો. રહાઇને તેમના સાથીદાર ડૉ. ઝેનર પાસે તૈયાર કરાવેલાં પત્તાંનો ઉપયોગ કરી સંખ્યાબંધ પ્રયોગો કર્યા હતા. વિવિધ પ્રકારના પ્રયોગોના પરિણામના તારતમ્ય માટે ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ થાય છે. ડૉ. એસ. જી. સોલ, સર વિલિયમ બેરેટ, ફ્રેડરિક માયર્સ વગેરે સંશોધકોએ ટેલિપથી તથા અન્ય ઇન્દ્રિયાતીત અનુભવોનો પ્રાયોગિક અભ્યાસ કર્યો છે. સંમોહન (hypnosis) તથા સ્વપ્ન-અવસ્થા દરમિયાન પણ ટેલિપથીનો અભ્યાસ થયો છે. ન્યૂયૉર્કની ‘ડ્રીમ લૅબોરેટરી ઑવ્ મૈમોનાઇડ્સ હૉસ્પિટલ’ના સંશોધનવિભાગના વડા મોન્ટેજ ઉલમાને સ્વપ્ન દરમિયાન જણાતી ટેલિપથીનો વિસ્તૃત પ્રાયોગિક અભ્યાસ કર્યો છે.

ટેલિપથીના પ્રયોગોની રચનાના સ્વરૂપ તથા તેનાં પરિણામોના મૂલ્યાંકન અંગે પરામનોવિજ્ઞાનના ટીકાકારો તરફથી સંશયો વ્યક્ત થયા છે; છતાં જીવનના વિવિધ બનાવો તથા પ્રાયોગિક અભ્યાસો ટેલિપથીનો એકંદરે સ્વીકાર કરે છે; પરંતુ ટેલિપથી શાથી અને કેવી રીતે શક્ય બને છે તેનું ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તેમ જ બે સ્થળ વચ્ચેના અંતરની વધઘટ સાથે ટેલિપથીમાં ફેરફાર નોંધાતો નથી ! આવાં તારતમ્યો સંશોધકોને મૂંઝવે છે.

વિખ્યાત રશિયન શરીરવિજ્ઞાની વસિલિયેએવ(1891–1966)ના દર્શાવ્યા પ્રમાણે ટેલિપથીના કેટલાક પ્રયોગો ‘વિદ્યુત-ચુંબકીય’ (electromagnetic) સ્પંદનોનું પ્રસરણ થઈ ના શકે તેવી કૅબિનમાં થયા હતા. તેથી ટેલિપથીમાં ઘટાડો જણાયો ન હતો. ટેલિપથીમાં ‘વિદ્યુત-ચુંબકીય’ સિવાયની કોઈ અજ્ઞાત શક્તિનાં સ્પંદનો કે કિરણો જવાબદાર હોવાની શક્યતા છે. ટેલિપથીમાં કાર્યરત શક્તિ લોખંડ કે સીસાની કૅબિનને ભેદી શકે છે. વસિલિયેવ દર્શાવે છે કે ‘ન્યુટ્રીનોસ’  નામથી ઓળખાતા અણુના કણ પૃથ્વીના ઘટ્ટ વાતાવરણને ભેદવા છતાં લગભગ કોઈ શક્તિ ગુમાવતા નથી. ટેલિપથીમાં મગજ અને શરીરની કોઈ અજ્ઞાત ગ્રહણશક્તિનો ફાળો હોવાનું મંતવ્ય પણ છે.

ટેલિપથી બે કે તેથી વધારે માનવી વચ્ચે સંભવિત બને છે. મનુષ્ય અને પ્રાણી કે પ્રાણી-પ્રાણી વચ્ચેના સંબંધોમાં ટેલિપથી હોવાનું મનાય છે. આથી ટેલિપથીનો અભ્યાસ જડ સાધનો દ્વારા કરવાને બદલે જીવંત સંબંધોના સંદર્ભમાં  કરવો જોઈએ. ટેલિપથીનાં સર્વગ્રાહી સંશોધનમાં પ્રયોગો અને જીવંત સંબંધોના અભ્યાસનો સુમેળ સધાય તે વધારે ઇચ્છનીય છે. આવા સુમેળના પરિણામે પ્રાપ્ત થયેલા  જ્ઞાનના આધારે ટેલિપથીનો ઉપયોગ ને અભ્યાસ કદાચ વધશે.

રજનીકાન્ત પટેલ