ટેલિગ્રાફ, ધ : પશ્ચિમ બંગાળમાં કૉલકાતાથી પ્રગટ થતું અંગ્રેજી દૈનિકપત્ર.  તેનું પ્રકાશન આનંદબજાર પત્રિકા લિમિટેડ દ્વારા થાય છે. 1982માં તે શરૂ થયું ત્યારે તેના તંત્રીપદે એમ. જે. અકબરની પસંદગી કરાઈ હતી. તેમણે પોતાની આગવી ર્દષ્ટિથી આ દૈનિકની એક અલગ તરાહ ઊભી કરી. પરંપરાગત અંગ્રેજી દૈનિકોની ભારેખમ ઢબ કે શૈલીથી ‘ધ ટેલિગ્રાફ’ ભિન્ન બન્યું અને થોડાક વખતમાં તો ખૂબ લોકપ્રિય પણ બની ગયું. સમાચાર ઉપરાંત મહત્વની ઘટનાઓમાં ઊંડા ઊતરી તટસ્થ અને નિર્ભીક વિવેચન સહિત તલસ્પર્શી વૃત્તાંત આપતું થયું. રવિવારે તે સાપ્તાહિક પૂર્તિ તરીકે મૅગેઝિન કદમાં પૂર્તિ આપે છે. હાલ એનું તંત્રીપદ અવિક સરકાર સંભાળે છે.

મહેશ ઠાકર