ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન, PTFE, TFE) : 1938માં ડૂ પોં કંપનીએ વિકસાવેલા ખૂબ મજબૂત (tough), પારભાસક, બિનઆસંજક (non-adhesive) બહુલકનું વ્યાપારી નામ. ટેટ્રાફ્લૉરોઇથિલીનના જલીય દ્રાવણમાં ઇમલ્શન બહુલીકરણ દ્વારા ટેફલૉન બનાવાય છે :
આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તથા પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા પાણી દ્વારા શોષાઈ જાય છે. ટેફલૉનનું ગ. બિં. 327° સે. છે. યોગશીલ બહુલક માટે તે અસાધારણ ઊંચું કહી શકાય. ટેફલૉન તાપ-ર્દઢ પ્લાસ્ટિક (થરમૉપ્લાસ્ટિક) છે. તેની ઉત્તમ રાસાયણિક પ્રતિકારશક્તિ, નીચો ઘર્ષણાંક તથા વીજરોધક ગુણધર્મોને લીધે તે ઉદ્યોગમાં વિવિધ વ્યાવસાયિક ઉપયોગમાં લેવાય છે. તે બેરિંગ, રસોઈનાં વાસણોમાં અંતરાવરણ (lining) તરીકે તથા કાટજનક રસાયણો સામે પ્રબળ પ્રતિકારક અંતરાવરણ તરીકે વપરાય છે. આ ઉપરાંત ટ્યૂબ, દટ્ટા, ગાસ્કેટ તથા નીચા ઘર્ષણવાળા બેરિંગ તથા રોલર તરીકે અને કરવત ઉપર આવરણ તરીકે પણ વપરાય છે.
આવરણ તથા રેસા તરીકે તે બિન-જ્વલનશીલ, ઉપચયન-પ્રતિરોધક તેમજ પ્રબળ ઍસિડ આલ્કલી સામે પ્રતિકારક છે. આ ગુણધર્મો 230° સે.થી 290° સે. જેટલા ઊંચા તાપમાને પણ બદલાતા નથી.
જ. પો. ત્રિવેદી