ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન

January, 2014

ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન (જ. 19 નવેમ્બર 1899, વિન્ચેસ્ટર, કેન્ટકી; અ. 1979) : અમેરિકન કવિ અને વિવેચક. 1923માં વૅન્ડર્બિલ્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યાં કવિ અને વિવેચક જ્હૉન ક્રાઉ રૅન્સમ એમના શિક્ષક હતા. તેમની સાથે આજીવન મૈત્રીસંબંધ બંધાયો. યુનિવર્સિટીમાં ટેટનાં પ્રથમ પત્ની તે નવલકથાકાર કૅરોલાઇન ગૉર્ડન. ટૂંકા લગ્નજીવન બાદ 1924માં છૂટાછેડા લીધા. બીજાં પત્ની ઇઝાબેલા સ્ટ્યૂઅર્ટ ગાર્ડનર કવયિત્રી હતાં.

વિદ્યાર્થીકાળ દરમિયાન ‘ફ્યૂજિટિવ્ઝ’ નામના તત્વજ્ઞાનપ્રેમી અને કાવ્યરસિક જૂથમાં જોડાવાનું એમને આમંત્રણ મળ્યું. રૅન્સમ આ જૂથના નેતા હતા. અન્ય સભ્યોમાં રૉબર્ટ પેન વૉરન અને ડૉનલ્ડ ડેવિડસન હતા. 1922થી 1925 ટેટે જૂથના સામયિક ‘ધ ફ્યૂજિટિવ’નું તંત્રીપદ સંભાળ્યું. તેમાં છપાયેલાં તેમનાં ચાલીસેક કાવ્યો પછી ‘પોએમ્સ’ (1960)માં પ્રગટ થયાં. એમના બીજા કાવ્યસંગ્રહો છે : ‘મિ. પોપ ઍન્ડ અધર પોએમ્સ’ (1928), ‘થ્રી પોએમ્સ’ (1930) (જેમાંનું ‘ઓડ ટુ ધ કન્ફેડરેટ ડેડ’ નોંધપાત્ર છે), ‘પોએમ્સ : 1928–1931’ (1932), ‘ધ મેડિટરેનિયન ઍન્ડ અધર પોએમ્સ’ (1936), ‘વિન્ટર સી’ (1944) અને ‘પોએમ્સ : 1922–1947 (1948). ટેટે એક નવલકથા ‘ધ ફાધર્સ’ (1938) તથા ‘સ્ટોનવૉલ જૅક્સન : ધ ગુડ સોલ્જર’ (1928) અને ‘જૅફર્સન ડેવિસ : હિઝ રાઇઝ ઍન્ડ ફૉલ’ (1929) – એ બે જીવનચરિત્રો પણ લખ્યાં હતાં. જાણીતા સામયિક ‘ધ સૅવાની રિવ્યૂ’ના એ 1944થી 1946 સુધી તંત્રી પણ હતા. 1956માં એમને અમેરિકાનું કવિતા માટેનું બહુ પ્રતિષ્ઠિત પારિતોષિક બૉલિન્જન પ્રાઇઝ મળ્યું હતું. વર્ષો સુધી એમણે મિનસોટ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.

ટેટની વિવેચનશૈલી અને વિચારસરણીમાં નૈતિક મૂલ્યો અને પરંપરાનું સ્થાન અગત્યનું છે. રૅન્સમ અને અન્ય ‘ફ્યૂજિટિવ્ઝ’ની જેમ એ પણ ઉદ્યોગીકરણની આંધળી દોટની વિરુદ્ધ અને કૃષિલક્ષી જીવનપદ્ધતિ અને આર્થિક વ્યવસ્થાની તરફેણમાં હતા. એમના વિવેચનગ્રંથોમાં ‘રિઍક્શનરી એસેઝ ઑન પોએટ્રી ઍન્ડ આઇડીઆઝ’ (1936), ‘રીઝન ઇન મૅડનેસ : ‘ક્રિટિકલ એસેઝ’ (1941), ‘ધ હૉવરિંગ ફ્લાય’ (1948), ‘ઑન ધ લિમિટ્સ ઑવ્ પોએટ્રી’ (1948), ‘ધ મૅન ઑવ્ લેટર્સ ઇન ધ મૉડર્ન વર્લ્ડ’ (1955) અને ‘કલેક્ટેડ એસેઝ’ (1959) અગત્યના છે.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા