ટેટ્રાક્લૉરોઇથેન : ઇથેન અણુમાંના ચાર હાઇડ્રોજનના ક્લોરિન વિસ્થાપનથી મળતા બે સમઘટકોનું સામાન્ય નામ. એક સમઘટક 1, 1, 2, 2, — ટેટ્રાક્લૉરોઇથેન અથવા ઍસિટિલીન ટેટ્રાક્લૉરાઇડ છે. તેનું સૂત્ર Cl2CHCHCl2 છે. તે ખૂબ વિષાળુ, રંગવિહીન, ઘટ્ટ, ક્લૉરોફોર્મ જેવી વાસવાળું જળ-અદ્રાવ્ય પ્રવાહી છે. તેનું ઉ.બિં. 146.5° સે. તથા ગ.બિં. –43° સે. છે. તે આલ્કોહૉલ તથા ઈથરમાં દ્રાવ્ય છે.

આ સંયોજનનું બધું જ ઉત્પાદન ઔદ્યોગિક રીતે ક્લોરિનયુક્ત દ્રાવકો, ખાસ કરીને ટ્રાયક્લૉરોઇથિલીન તથા ટેટ્રક્લૉરોઇથિલીન બનાવવામાં વપરાય છે. ઍસિટિલીન તથા કલોરિનની પ્રક્રિયા દ્વારા તે બનાવવામાં આવે છે.

બીજો સમઘટક 1,1,1,2 – ટેટ્રાક્લૉરોઇથેન Cl3CCH2Cl છે. તેનો કોઈ ઔદ્યોગિક ઉપયોગ નથી.

પ્રથમ સમઘટકને લાઇમ અથવા એમોનિયા સાથે ગરમ કરવાથી તે ટેટ્રક્લૉરોઇથિલીનમાં રૂપાંતર પામે છે અને તે ચરબી, મીણ, રેઝિન તથા રબર માટે સારું દ્રાવક છે.

જ. પો. ત્રિવેદી