ટેટ્રાઇથાઇલ લેડ : મોટરના ઇંધનમાં યોગક તરીકે ઉમેરવામાં આવતું કાર્બધાત્વીય સંયોજન. તેનું સૂત્ર (C2H5)4Pb છે. તે રંગવિહીન તથા બાષ્પશીલ પ્રવાહી છે, તેનું ઉ.બિં. 200° સે. છે.

સામાન્યત: તે પેટ્રોલમાં ગૅલનદીઠ 3 મિલી. ઉમેરવાથી પેટ્રોલ-ઇંધનની સ્ફોટનક્રિયા ઘણી ઘટી જાય છે. ટેટ્રામિથાઇલ લેડ પણ આના જેવું જ અસરકારક છે. ઔદ્યોગિક રીત પ્રમાણે ઇથાઇલ ક્લોરાઇડ તથા લેડ-સોડિયમ મિશ્રધાતુની સમધાત (moderate) તાપમાને પ્રક્રિયા કરીને તેનું બાષ્પ-નિસ્યંદન કરવાથી ટેટ્રાઇથાઇલ લેડ મળે છે.

4PbNa + 4C2H5Cl → Pb(C2H5)4 + 3Pb + 4NaCl

નવી વિદ્યુતપૃથક્કરણ રીત મુજબ તે ગ્રિન્યાર પ્રક્રિયકમાંથી પણ બનાવી શકાય છે :

વપરાયા વિનાનું લેડ વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે.

લેડ ધરાવતા ગૅસોલીનના દહનથી સિલિન્ડરોની દીવાલો ઉપર લેડ તથા લેડ ઑક્સાઇડનો નિક્ષેપ થાય છે. આથી સ્ફોટક પ્રવાહીઓમાં ઇથિલીન ડાયબ્રોમાઇડ તથા ઇથિલીન ડાયક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી લેડ લેડહેલાઇડ તરીકે નિષ્કાસિત વાયુમાં ભળી જઈ નીકળી જાય.

પર્યાવરણની સભાનતા વધવાની સાથે હવે ગૅસોલીનમાં ટેટ્રાઇથાઇલ લેડ વાપરવાનું બંધ થતું જાય છે તથા લેડ-મુક્ત ગૅસોલીન વપરાવા લાગ્યું છે. ટેટ્રાઇથાઇલ લેડ વિષાળુ તથા અસ્થાયી હોવાને લીધે તેને કાળજીથી વાપરવું આવશ્યક છે.

જ. પો. ત્રિવેદી