ટેટમ, એડવર્ડ લૉરી (જ. 14 ડિસેમ્બર 1909, બોલ્ડર, કૉલોરાડો, યુ.એસ.; અ. 5 નવેમ્બર 1975, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.) : 1958ના
નોબેલ પુરસ્કારના જ્યૉર્જ બિડલ વેલ્સ તથા જોશુઆ લેડરબર્ગ સાથેના સહવિજેતા. તેમને જીવાણુ(bacteria)ના જનીનદ્રવ્ય(genetic material)ના બંધારણ તથા જનીનીય પુન:સંયોજન સંબંધિત સંશોધન માટે તે મળ્યું હતું. ટેટમ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે જ્યૉર્જ બિડલ સાથે જોડાયા અને તેમણે વારસાગત વિકૃતિઓમાંના રાસાયણિક વિકારોને શોધવાનું અતિશય મહેનત માગતું કામ કર્યું. તેમણે ફૂગના સાદા જનીનીય બંધારણમાં એક્સ-રે વડે વિકૃતિ (mutation) સર્જાવીને તેનો અભ્યાસ કર્યો. તેમણે વિટામિન–બી6ના ઉત્પાદક જનીનમાં આવી વિકૃતિ સર્જીને તે જનીનના કાર્યને દર્શાવ્યું. તેમણે જનીનીય વિકૃતિને કારણે ફૂગ અને માણસમાં કેવા વિકારો અને રોગો થાય છે તે પણ દર્શાવ્યું. વળી તેનો વારસાગત ફેલાવો પણ તેમણે દર્શાવ્યો.
શિલીન નં. શુક્લ