ટેક્નીશિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII A) સમૂહમાં આવેલ દ્વિતીય સંક્રમણ શ્રેણીનું ધાતુતત્વ. સંજ્ઞા Tc; પરમાણુક્રમાંક 43; ઇલેક્ટ્રૉનીય સંરચના 1s22s22p63s23p63d104s24p64d65s1; પરમાણુભાર 98.906; યુરેનિયમના સ્વયંભૂ વિખંડન(fission)ને કારણે તે અતિઅલ્પ પ્રમાણમાં મળી આવે છે. અગાઉ તેને માસુરિયમ નામ અપાયેલું પરંતુ તે કૃત્રિમ રીતે બનાવાયેલું પ્રથમ તત્વ હોવાથી હવે તેને ટેક્નીશિયમ (ગ્રીક કૃત્રિમ) કહે છે. 1937માં ઇટાલિયન ખનિજ વૈજ્ઞાનિક કાર્લો પેરિયર અને ઇટાલીમાં જન્મેલાં અમેરિકન ભૌતિકશાસ્ત્રી એમેલિયો સેગ્રેએ બર્કલી (કૅલિફૉર્નિયા) સાયક્લોટ્રોનમાં ડ્યુટેરિયમનો મારો ચલાવેલા મોલિબ્ડેનમના એક નમૂનામાંથી ટેક્નીશિયમના સમસ્થાનિક 95Tc અને 97Tc શોધી કાઢ્યો હતો. Tc ના 92થી 107 ભારાંક ધરાવતા સમસ્થાનિકોમાં તે સૌથી વધુ અર્ધઆયુષ્ય (2.6 x 106 વર્ષ) ધરાવે છે. તેના અન્ય સ્થાયી સમસ્થાનિકો, 98Tc (અર્ધઆયુષ્ય  = 1.5 x 106 વર્ષ) અને 99Tc (અર્ધઆયુષ્ય = 2.12 x 105 વર્ષ) પૈકી 99Tc અગત્યનો છે, કારણ કે તે કેન્દ્રીય ભઠ્ઠીઓ(nuclear reactors)માં  કિલોગ્રામ જથ્થામાં  (વિખંડન નીપજના 6.2 % તરીકે) મળી આવે છે. 1952માં બૉઇડે યુરેનિયમની વિખંડન નીપજમાંથી 0.6 ગ્રા. ટેક્નીશિયમ મેળવ્યું હતું. 98Mo ઉપર ન્યુટ્રૉનનો મારો ચલાવવાથી પણ તે મળી શકે છે.

ટેક્નીશિયમનું રસાયણ રીનિયમ(પરમાણુક્રમાંક 75)ને  મળતું આવે છે. ધાતુના સલ્ફાઇડનું 1000°થી 1100° સે. તાપમાને હાઇડ્રોજન વડે અપચયન કરવાથી ટેક્નીશિયમ પ્રાપ્ત થાય છે. ટેક્નીશિયમ ધાતુ આમ પ્લૅટિનમ જેવી દેખાય છે. પણ સામાન્ય રીતે તે ભૂખરા ચૂર્ણ તરીકે મળે છે. તેની સ્ફટિક રચના ષટ્કોણીય, સુસંકલિત (close-packed) રિનિયમ, ઑસ્મિયમ અને રૂથેનિયમને સમરૂપ છે.

ટેક્નીશિયમનું ગ.બિં. 2172° સે.; ઉ.બિં. 4877° સે. વિ. ઘનતા (25° સે.), 11.5 ગ્રા./ઘસેમી. અને સંયોજકતા 4, 6 અને 7 છે. જોકે ઘણુંખરું તેની સંયોજકતા 6 હોય છે. 11.2° K તાપમાનથી નીચે તે અતિવાહક (superconductor) હોય છે. ઊંચા તાપમાને ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી બાષ્પશીલ ઑક્સાઇડ Tc2 O7 બનાવે છે. જે Re2O7 જેવો છે. શૂન્યાવકાશમાં ઊંચા તાપમાને એમોનિયમ ટેક્નેટેટને ગરમ કરવાથી એક અન્ય ઑકસાઇડ TcO2 મળે છે.

રિનિયમનાં લવણોની માફક જ AgTcO4, KTcO4, NH4TcO4, K2TcCl6, TcS2 વગેરે બનાવી શકાય છે.

ટેક્નીશિયમના ઍસિડમય દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફાઇડ (H2S) પસાર કરવાથી મળતા ટેક્નીશિયમ સલ્ફાઇડના અવક્ષેપને એમોનિયામય H2O2 દ્રાવણમાં ઓગાળતાં એમોનિયમ પરટેક્નેટેટ મળે છે, જેને 600° થી 700° સે. તાપમાને હાઇડ્રોજનના પ્રવાહમાં ગરમ કરવાથી શુદ્ધ Tc મળે છે. 1M H2SO4માં ઓગાળેલા NH4TcO4ના વિદ્યુત વિભાજનથી પણ Tc મેળવી શકાય છે. આ માટે દ્રાવણમાં સતત H2O2 ઉમેરતા જવું પડે છે. પરટેક્નેટેટ દ્રાવણમાંથી Zn, Fe, Ni, Sn દ્વારા પણ તે નિક્ષેપિત કરી શકાય છે. Mo તથા Re થી Tc અલગ પાડવા આલ્કલીય દ્રાવણમાંથી વિદ્યુતનિક્ષેપન પદ્ધતિ વધુ સારી છે. રાસાયણિક ગુણધર્મોની ર્દષ્ટિએ Tc મૅંગેનીઝ કરતાં Re સાથે વધુ સામ્ય ધરાવે છે. HCl સાથે ગરમ કરવાથી તેના બાષ્પશીલ ક્લોરાઇડ મળે છે. Tc નાઇટ્રિક ઍસિડ તથા અમ્લરાજમાં દ્રાવ્ય છે. ઑક્સિજન સાથે બાળતાં તેના ભેજગ્રાહી ઑક્સાઇડ બને છે. તેમને પાણીમાં ઓગાળતાં પ્રબળ મૉનોબેઝિક ઍસિડ, પરટેક્નેટિક ઍસિડ HTcO4 મળે છે. TcO4 આયન પોલાદ માટે ઉત્તમ ક્ષારણ-નિરોધક (corrosion inhibitor) છે.

ઔષધશાસ્ત્રમાં તે મગજ, થાયરૉઇડ ગ્રંથિ અને અન્ય અંગોના ક્રમવીક્ષણ(scanning)માં વપરાય છે. 1952માં અમેરિકન ખગોળશાસ્ત્રી પૉલ મેરિલે S પ્રકારના તારાઓમાં 99Tcની શોધ કરી, જે તારકીય ઉત્ક્રાંતિ (stellar evolution) અને નાભિક–સંશ્લેષણ (nucleosynthesis)નો કીમતી પુરાવો છે.

જ. પો. ત્રિવેદી

પ્રવીણસાગર સત્યપંથી