ટૅક્નૉલૉજી : કુદરતી ખનિજ અને વનસ્પતિજન્ય પદાર્થોમાંથી મુખ્યત્વે વિજ્ઞાનની મદદથી માનવસુખાકારી માટે તથા પરિસ્થિતિની જરૂરિયાત મુજબ સંરક્ષણ અને અન્ય સેવાઓ સારુ ઉપયોગી સાધનસામગ્રીના નિર્માણ માટેની પ્રક્રિયા.

વિજ્ઞાન કુદરતની ભૌતિક ક્રિયાની સમજ આપે છે અને ટૅક્નૉલૉજી આ સમજનો આધાર લઈ વસ્તુનિર્માણની પ્રક્રિયાઓ વિકસાવે છે. વિજ્ઞાનનો વિકાસ ટૅક્નૉલૉજીના વિકાસમાં મદદરૂપ થાય છે. તેવી જ રીતે ટૅક્નૉલૉજીનો વિકાસ પણ વિજ્ઞાનના વિકાસમાં ઘણો સહાયભૂત બને છે.

ઔદ્યોગિક વિકાસનો આધાર ટૅક્નૉલૉજી પર રહ્યો છે. ઔદ્યોગિક ટૅક્નૉલૉજીને લીધે પહેલાં કરતાં આજે માનવીનું જીવન વધુ સુરક્ષિત અને આરામદાયી બની શક્યું છે. અલબત્ત, આ ટૅક્નૉલૉજીનો પૂરેપૂરો લાભ આજે પણ પ્રમાણમાં બહુ ઓછા માણસોને મળી શકે છે. ઔદ્યોગિક વિકાસ પામેલા દેશો કે જ્યાં ટૅક્નૉલૉજીનો પ્રસાર વિશેષ પ્રમાણમાં થઈ રહ્યો છે ત્યાં આજે વિકાસ સાથે સંકળાયેલ આડ-અસર રૂપે હવાના અને પાણીના પ્રદૂષણના પ્રશ્નો ઊભા થયા છે. માનવજાતિને ટૅક્નૉલૉજીના વિકાસ સાથે ઉદભવેલ સૌથી મોટા પ્રશ્નનો સામનો કરવાનો આવ્યો છે તે છે ભયંકર વિનાશકારી યુદ્ધ-શસ્ત્રો, જેવાં કે અણુબૉમ્બો, પ્રક્ષેપકો વગેરે. આ પ્રશ્નનો ઉકેલ પણ છેવટે ટૅક્નૉલૉજી દ્વારા જ આવે તેવી અપેક્ષા છે; જેમ કે, પ્રદૂષણના પ્રશ્નો છેવટે ઉચ્ચ ટૅક્નૉલૉજીની મદદથી ઉકેલવાની આશા છે. ટૅક્નૉલૉજીનું આ મહત્વનું જમા પાસું છે.

ટૅક્નૉલૉજીનો વિકાસ અને તેનાથી થયેલ ફાયદા : ટૅક્નૉલૉજી દ્વારા મનુષ્યે કુદરત પર કાબૂ મેળવી પોતાનું જીવન વધુ સુખાકારીવાળું અને સમૃદ્ધ બનાવ્યું છે. આદિમાનવને ભોજન માટે પ્રાણીઓનો શિકાર કરવો પડતો. વસ્ત્ર તરીકે પ્રાણીઓની ચામડીનો ઉપયોગ થતો. રહેવા માટે ગુફાઓનો આશ્રય લેવો પડતો. પ્રકાશ કે ગરમી માટે માત્ર સૂર્ય પર જ આધાર હતો. ક્રમશ: વિકાસમાં પ્રથમ અગ્નિ મળ્યો, પ્રાણીઓ અને અનાજના છોડ ઉછેરવાનું શરૂ થયું, કૃષિવ્યવસ્થા મળી, સ્થાયી રહેણાકો શરૂ થયાં, ખોરાક મેળવવાના કામ ઉપરાંત અન્ય કામ માટે સમય મળતો થયો. ધાર્મિક કાર્ય, રક્ષણકાર્ય, હુન્નરઉદ્યોગો, વાણિજ્ય-વિનિમય વગેરે જુદાં જુદાં કાર્યવિભાજનો થયાં તેમ સંસ્કૃતિ પાંગરતી ગઈ.

ટૅક્નૉલૉજીના વિકાસના તબક્કા ગણીએ તો પાષાણયુગ પછી હજારો વર્ષ પછી અઢારમી સદીના ઉત્તરાર્ધમાં પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ. વરાળયંત્રો, રેલગાડીઓ, રૂ પીંજવાનાં અને કાંતવાનાં તથા કાપડ વણવાનાં મશીનો, અંતર્દહન એન્જિનો, મોટરગાડીઓ, ટ્રકો, લેથ-મશીનો, ડ્રિલમશીનો એમ અનેક પ્રકારનાં મશીનો શોધાયાં.

યંત્રયુગ સાથે વિદ્યુત અને લોહચુંબકની શોધ થઈ. વિદ્યુતશક્તિનો સૌથી વધુ લાભકારી ઉપયોગ પ્રકાશ મેળવવામાં થયો. ઇલેકિટ્રક મોટરોથી યાંત્રિક શક્તિ વધુ સરળતાથી મળતી થઈ.

વીસમી સદીના મધ્યભાગમાં વીજાણુ ઉપકરણોએ ઔદ્યોગિક ક્ષેત્રે અને સંદેશાવ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ સર્જી. ટેલિફોન, ટેલિગ્રાફ, રેડિયો અને ટેલિવિઝન જેવી દૂરગામી પદ્ધતિઓ ઉપલબ્ધ થઈ. ઇલેક્ટ્રૉનિક કમ્પ્યૂટર દ્વારા તર્કબદ્ધ ગણતરી ઘણી ઝડપે તેમજ ચોકસાઈ સાથે શક્ય બની. વીસમી સદીનો ઉત્તરાર્ધ એ ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટર-યુગ બની ગયો. કમ્પ્યૂટરે ટૅક્નૉલૉજીનાં તેમજ જીવનવ્યવહારનાં બધાં ક્ષેત્રો સર કરી લીધાં છે.

ઈ. સ. 1957માં પ્રથમ ઉપગ્રહ અવકાશમાં તરતો મુકાયો ત્યારપછી અનેક ઉપગ્રહો અવકાશમાં છોડાયા છે. ઉપગ્રહો દ્વારા સંદેશાવ્યવહાર માટે જ નહિ પરંતુ પૃથ્વી પરનાં જળાશયો, સરોવરો, જંગલો, રણપ્રદેશો, ખારા પ્રદેશો, ભૂગર્ભમાંના પાણીના જથ્થા, એમ અનેક પ્રકારની વિશ્વસનીય માહિતી મેળવવા માટે ઉપગ્રહનો ઉપયોગ થઈ રહ્યો. છે. જુદા જુદા દેશો-પ્રદેશોની કુદરતી સંપત્તિનું મૂલ્યાંકન સહેલું અને ઝડપી બની શક્યું છે. આ ઉપરાંત પૃથ્વીની આસપાસના વાતાવરણમાં રહેલી ગરમી, ભેજ, પવનની ગતિ વગેરે માહિતી પણ ઉપગ્રહો દ્વારા ક્રમશ: મળે છે અને તેને લીધે વરસાદ કે વાવાઝોડાની આગાહી કરી શકાય છે.

સદીઓથી ટૅક્નૉલૉજીના વિકાસે માનવજાતને મુખ્યત્વે ચાર બાબતોમાં ફાયદો કર્યો છે : પ્રથમ ફાયદો વસ્તુઓ અને સેવાકાર્યોમાં વૃદ્ધિ, બીજો ફાયદો વસ્તુઓના ઉત્પાદનમાં માનવીય શ્રમમાં ઘટાડો, ત્રીજો ફાયદો કાર્યઝડપ અને તેના કારણે જુદાં જુદાં કાર્યો માટે માનવીય સમયશક્તિની બચત અને ચોથો ફાયદો જીવનધોરણ ઊંચું થયું.

(1) ઉત્પાદનવૃદ્ધિ : ટૅક્નૉલૉજી દ્વારા માનવીએ વસ્તુઓની સંખ્યા તેમજ વસ્તુઓના વૈવિધ્યમાં અસાધારણ વૃદ્ધિ મેળવી છે. આ વૃદ્ધિ ચાલુ જ છે. વસ્તુઓના ઉત્પાદનના કામમાં પહેલાં ઘોડા, ખચ્ચર, બળદ વગેરે પશુઓની શક્તિ તેમજ માનવીની પોતાની શારીરિક શક્તિનો ઉપયોગ થતો હતો. ટેક્નોલૉજીનો વિકાસ થતાં યંત્રસામગ્રીનો વિકાસ થયો અને ઉત્પાદનકાર્યમાં પશુઓ અને માનવીની શક્તિને બદલે યંત્રોનો ઉપયોગ વધ્યો. આ ફેરફાર હજુ પણ ચાલુ જ છે. આજથી બસો વર્ષ પહેલાં ખેતરોમાં ખેડૂત રાતદિવસ મજૂરી કરે તોપણ એક ખેડૂત માંડ છ માણસોને જોઈએ તેટલું અનાજ ઉત્પાદન કરી શકતો. આજે હળ, પમ્પ, ટ્રૅક્ટર, ખાતર, સારું બિયારણ વગેરેનો ઉપયોગ કરી એક ખેડૂત સોથી સવાસો માણસોને જોઈતું અનાજ ઉત્પન્ન કરી શકે છે. આજનો મજૂર કારીગર સો વર્ષ પહેલાંના મજૂર કરતાં અનેકગણું વધુ ઉત્પાદન કરી શકે છે. આકૃતિ 1માં કાર્ય માટે પશુ, માનવી અને યંત્રના ઉપયોગમાં થયેલ ફેરફાર દર્શાવ્યો છે.

આકૃતિ 1 : ભારતમાં ખેતીવાડી અને ઉદ્યોગમાં પશુ, માનવ અને યંત્રોના ઉપયોગમાં થયેલ ફેરફાર

(2) માનવીય શ્રમમાં તેમજ શ્રમની તીવ્રતામાં ઘટાડો : ટૅક્નૉલૉજી દ્વારા યાંત્રિકીકરણ વધ્યું તેને લીધે ઉત્પાદનદર વધ્યો તેમજ ઉત્પાદકતા પણ વધી. પહેલાં માનવી યંત્રોનો નહિવત્ ઉપયોગ કરતો. ત્યારબાદ પોતે ચલાવી શકે અને જેને ચલાવતાં શ્રમ કરવો પડે તેવાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો. આધુનિક ટૅક્નૉલૉજીએ અર્ધ કે સંપૂર્ણ સ્વયંચાલિત યંત્રો આપ્યાં, જેમાં માનવીએ મશીન માત્ર ચાલુ અને બંધ જ કરવાનું રહે છે, તેણે પોતે તેના પર સતત કાર્ય કરવું પડતું નથી. ઉત્પાદન દર વધવાને કારણે કામના કલાકો ઘટ્યા. પહેલાં મજૂરોને અઠવાડિયાના છ દિવસ અને દરરોજ 12થી 16 કલાક કામ કરવું પડતું. હવે ઘણા દેશોમાં અઠવાડિયામાં પાંચ દિવસ અને દિવસના આઠ કલાક કાર્ય કરવાનું થાય છે. ટૅક્નૉલૉજીએ શ્રમની તીવ્રતા ઘટાડી તેમજ શ્રમના કલાકો પણ ઘટાડ્યા.

(3) ઉચ્ચ જીવનધોરણ : ટૅક્નૉલૉજીને લીધે ઉત્પાદન વધ્યું, ઉત્પાદકતા વધી, શ્રમના કલાકો ઘટ્યા, શ્રમની તીવ્રતા ઘટી. આ બધાંની સીધી અસર મનુષ્યના જીવનધોરણ પર પડી. માનવીને મૂળભૂત જરૂરિયાત રોટી, કપડાં અને મકાન ઉપરાંત સુવિધાનાં અનેક સાધનો જેવાં કે સાઇકલ, રેલગાડી, મોટર, વિમાન, રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, પંખા, રેફ્રિજરેટર, વૉટરકૂલર, ઍરકૂલર, પ્રેશરકૂકર વગેરે ઉપલબ્ધ થયાં, અલબત્ત, આ પ્રકારની સુવિધા બધા દેશોને અને દેશની સમગ્ર પ્રજાને હજુ ઉપલબ્ધ થઈ નથી. જે દેશોએ ઔદ્યોગિક વિકાસ સાધ્યો છે ત્યાં આવી સુવિધાનું પ્રમાણ વિશેષ છે.

ઔદ્યોગિક રીતે વિકસિત દેશોની પ્રજાને આજે સારો ખોરાક, સારાં વસ્ત્રો અને સારાં રહેઠાણ મળી શક્યાં છે. તે પ્રજાનું જીવનધોરણ ઊંચું થયું. સાથોસાથ સરેરાશ આયુષ્ય પણ વધ્યું. જે દેશો ઔદ્યોગિક વિકાસ  સાધી શક્યા નથી ત્યાંની પ્રજાનું જીવનધોરણ ભૌતિક સુવિધાઓના સંદર્ભમાં નીચું રહ્યું છે.

ટૅક્નૉલૉજીની માઠી અસરો : ટૅક્નૉલૉજીના કારણે માનવજાતને અનેક લાભ થયા, પરંતુ સિક્કાની બીજી બાજુની જેમ, તેના ગેરલાભો પણ છે. ટૅક્નૉલૉજીએ માનવી માટે મોટી સમસ્યાઓ પણ ઊભી કરી છે. આ સમસ્યાઓ ઊભી થવાનું કારણ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરતી વખતે તેનાથી થતી આડ-અસરો તરફ દુર્લક્ષ સેવાયું તે છે; દા. ત., પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકા, જ્યાં ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં મોટરકારના ઉપયોગને આવકાર આપવામાં આવ્યો ત્યારે સામાન્ય માન્યતા એવી હતી કે ઘોડાને બદલે કાર ઓછો અવાજ અને ઓછી ગંધ આપશે. પરંતુ જેમ મોટરોની સંખ્યા સતત વધતી ગઈ તેમ તેને કારણે મોટરોના હૉર્નનો અવાજ અને તેના ધુમાડાની ગંધ ઘોડાઓના હણહણાટ અને તેના દાણની ગંધ કરતાં વધુ તીવ્ર પુરવાર થઈ. આજે ટ્રાફિકજામ, મોટરગૅસના ધુમાડામાં રહેલ કાર્બન-ડાયૉક્સાઇડ, મોટરના અકસ્માતો વગેરેને લીધે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.

ટૅક્નૉલૉજીની માઠી અસરો આ બાબતો દ્વારા રજૂ કરી શકાય : (1) પર્યાવરણનું પ્રદૂષણ, (2) કુદરતી સંપત્તિનું ધોવાણ, (3) ટૅક્નૉલૉજીને લીધે બેકારી, (4) અસંતોષ ઊભો કરતી નોકરીઓ, (5) ઉપભોગતાવાદી વલણ.

(1) પર્યાવરણનું પ્રદૂષણ : ટૅક્નૉલૉજીની આ સૌથી મોટી માઠી અસર છે. ઔદ્યોગિક ટૅક્નૉલૉજીનો જે દેશમાં વિશેષ વિકાસ થયો છે તેવા દેશોમાં હવા, પાણી, જમીન અને અવાજના પ્રદૂષણનો પ્રશ્ન ઊભો થયો છે. મોટરકાર અને ટ્રકોને લીધે હવા અને અવાજનું પ્રદૂષણ, જંતુનાશક દવાના ઉપયોગને લીધે તેમજ અન્ય ઝેરી રસાયણોના ઉત્પાદનમાં કચરા તરીકે બહાર આવતા વાયુઓ અને હાનિકારક દ્રવ્યોને લીધે જમીન અને પાણીના પ્રદૂષણનો પ્રશ્ન ઊભો થયો છે. આ પ્રદૂષણની પ્રાણીઓ અને વનસ્પતિ પર માઠી અસર થાય છે. દિવસના હજારો ટન કોલસો બાળતાં મોટાં વીજળીઘરોથી હવાના પ્રદૂષણ તેમજ પરમાણુ-વીજળીઘરોમાંથી ‘ઍટોમિક રેડિયેશન’ની શક્યતાઓ આજે અનેક દેશો માટે ચિંતાનો વિષય બની ગયેલ છે.

(2) કુદરતી સંપત્તિનું ધોવાણ : ઔદ્યોગિક ટૅક્નૉલૉજીએ યાંત્રિકીકરણ આવ્યું. યંત્રો ચલાવવા વીજળી જરૂરી બને છે. વીજળીઘરો પાણી, તેલ અને કોલસાનો ઉપયોગ કરે છે. તેલ અને કોલસાનો જથ્થો મર્યાદિત છે. આ કુદરતી સંપત્તિનો જથ્થો પૂરો થવામાં છે. તેલ અને કોલસો ફરીથી ઉત્પન્ન થઈ શકતાં નથી. એટલે નવા ઊર્જાસ્રોતો વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ છે.

મોટાં કારખાનાંઓ માટે જમીન પણ પૂરતા પ્રમાણમાં જોઈએ છે. અમુક ઉદ્યોગો માટે જમીન જરૂરી છે; એટલું જ નહિ, પરંતુ તે બીજી વધારાની જમીનને તેના બહાર આવતા બગાડથી પ્રદૂષિત પણ કરે છે અને તેને લીધે ખેતી, ગોચર અને રહેણાક માટે જમીનની ઉપલભ્યતા ઘટે છે. જે ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસ થતો હોય ત્યાં જમીનના ભાવ બહુ ઊંચા જવાથી સામાન્ય માનવી માટે રહેણાકની જમીનની તંગી ઊભી થાય છે. ઉદ્યોગીકરણની જેવી અસર જમીન પર થાય છે તેવી જ અસર પાણી પર પણ થાય છે. પાણી પ્રદૂષિત થાય છે અને તેની ઉપલભ્યતા ઘટતી જાય છે.

(3) ટૅક્નૉલૉજી પ્રેરિત બેકારી : ઔદ્યોગિક વિકાસ ટૅક્નૉલૉજી-આધારિત છે. તેમાં માનવને કરવાનું કામ યંત્ર દ્વારા થાય છે. તે એટલી હદે કે અમુક જગ્યાએ બધાં યંત્રો પૂર્ણ રીતે સ્વયંસંચાલિત હોય છે. આવી સ્થિતિમાં યંત્ર ચલાવનાર વ્યક્તિઓની જરૂરિયાત રહેતી નથી અને તેને લીધે બેકારી ઊભી થાય છે. કારખાનાંઓમાં મજૂરદીઠ ઉત્પાદન વધતું જાય છે. જેટલા ઉત્પાદન માટે 1950માં મજૂરોની જરૂર પડતી તે પછી 1995માં ત્રીજા ભાગની થઈ છે. હવે તો મનુષ્યનું સર્વ પ્રકારનું કામ ‘રૉબોટ’ કરી શકશે. કારખાનાંમાં વેલ્ડિંગનું, પેઇન્ટિંગનું, ‘ઍસેમ્બ્લી’નું કામ હોય, કે ઑપરેશન થિયેટરમાં અટપટા ઑપરેશનનું કામ હોય, ‘રૉબોટ’ બધાં કામ માટે આવી રહ્યા છે. પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિમાં યંત્રોએ માનવીના હાથ-પગનું કામ ઉપાડી લીધું. હવે ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટરે માનવીના મગજનું કામ ઉપાડી લીધું છે અને રૉબોટે હાથ-પગ અને મગજ એમ બંનેનું કામ શરૂ કર્યું છે. માનવી એ રીતે પણ બેકાર અને બેકામ બનતો જાય છે. ટૅક્નૉલૉજીની આ મોટી માઠી અસર છે.

પ્રથમ ર્દષ્ટિએ એવું લાગે કે સ્વયંસંચાલનને લીધે બેકારી વધે પરંતુ હકીકતે લાંબા ગાળાએ આ અસર નહિવત્ હોય છે, કારણ કે સ્વયંસંચાલન અને કમ્પ્યૂટરાઇઝેશનને લીધે બીજાં નવા પ્રકારનાં કામો જેવાં કે ‘ડેટા પ્રોસેસિંગ’, ‘ડેટા એન્ટ્રી’, ‘પ્રોગ્રામિંગ’, ‘સિસ્ટમ ઍનાલિસિસ’ જેવી અનેક નવા પ્રકારની કામગીરીઓ ઊભી થઈ છે.

(4) અસંતોષ ઊભો કરતી નોકરીઓ : મોટાં કારખાનાંઓ જ્યાં એકધારું સતત ઉત્પાદન થતું હોય ત્યાં કારીગરને ઉત્પન્ન થતા દાગીનાની બધી પ્રક્રિયાઓમાં ભાગીદાર થવાનું હોતું નથી પરંતુ તેને તો માત્ર એક જ પ્રક્રિયામાં કામ કરવાનું હોય છે અને સતત તે ક્રિયા જ કરવાની થાય છે. વળી તેને પોતાને સ્વયં વિચાર કરીને કામ નક્કી કરવાનું હોતું નથી. સોંપાયેલું બહુ મર્યાદિત કામ સતત કર્યે જવાનું હોય છે. આ કારણસર કામ બહુ કંટાળાજનક બની રહે છે. તેની સર્જક-શક્તિનો ઉપયોગ થતો નથી. કારીગરને તેના કામ અંગે સંતોષની લાગણી થતી નથી, થાક અને અસંતોષને લીધે તે માનસિક તણાવ પણ અનુભવે છે.

(5) ઉપભોક્તાવાદી વલણ : ટૅક્નૉલૉજીની આ મોટી વિપરીત અસર છે. ટૅક્નૉલૉજી વડે મોજશોખની વસ્તુઓ સહેલાઈથી ઉપલબ્ધ બની. માનવીનો મોજશોખની ચીજવસ્તુઓનો મોહ વધતો જાય છે. અસંતોષ વધતો જાય છે, દેખાદેખી વધતી જાય છે. પોસાઈ શકે તેમ ન હોય તોપણ (ખેંચાઈને પણ) તે મોજશોખ માટેનું ખર્ચ કરવા લલચાય છે. ઓછી મહેનતે વધુ મેળવવા ટૂંકા માર્ગો લેવાનું વલણ વધતું જાય છે.

ટૅક્નૉલૉજીના પડકારો : ટૅક્નૉલૉજીના ફાયદા તેમજ ગેરફાયદા એમ બંને બાબતો છે, તેનાં જમા અને ઉધાર પાસાં છે. તેનું જમા પાસું વધુ મજબૂત (અસરકારક) બનાવવું અને ઉધાર પાસું ઓછું કરવું તે તેના માટેના પડકારો છે. આ પડકારો ત્રણ પ્રકારના છે :

(1) આડઅસરોનો સામનો કરવો : ટૅક્નૉલૉજીના ઉપયોગને લીધે જે મજૂરો બેકાર કે અર્ધબેકાર બને તેમને નવાં જુદા પ્રકારનાં કામો માટે તાલીમ આપી નવાં કામો માટે તૈયાર કરવાથી બેકારીની આડ-અસર હળવી કરી શકાય. તેવી જ રીતે પ્રદૂષણ માટે જવાબદાર ઉદ્યોગો હોય તેવા ઉદ્યોગોને વિશેષ જવાબદારી સોંપી (જેમાં પ્રદૂષણ ઓછું થાય તેવી નવી ટેક્નોલૉજી શોધી તેનો અમલ કરવો) પ્રદૂષણની આડ-અસર ઓછી કરી શકાય. જે  વસ્તુઓનો ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવાતી હોય તેવી વસ્તુઓ, જેવી કે કાગળની પસ્તી, પ્લાસ્ટિકની શીશીઓ વગેરેનો પુન:ક્રિયા (recycling) દ્વારા ફરી ઉપયોગ કરવો.

ટૅક્નૉલૉજીમાં સતત ફેરફાર કે વિકાસ કરી તેની આડઅસર ઓછી કરવી તે પડકાર સારા પ્રમાણમાં ઝિલાઈ રહ્યો છે; કારણ કે પર્યાવરણની જાળવણી માટે તે અનિવાર્ય છે. વિકસિત દેશોની ટૅક્નૉલૉજી માટે હવે ‘પર્યાવરણ સાથે સંતુલન રાખતી ટૅક્નૉલૉજી’ની બાબત પર ધ્યાન કેન્દ્રિત થતું જાય છે.

આકૃતિ 2 : CNC મશીન (પૂર્ણ રીતે સ્વયંસંચાલિત, રૉબોટ સાથે)

(2) આડઅસરો રોકવી : ‘પાણી પહેલાં પાળ બાંધવી’ એ ઉક્તિ પ્રમાણે નવી ટૅક્નૉલૉજી ઊભી થાય અને તેનો વ્યવહારમાં ઉપયોગ થાય તે પહેલાં તેની કોઈ આડઅસર થતી નથી તે બાબત ચકાસી લેવી જોઈએ. નવી ટૅક્નૉલૉજીનું આ સંદર્ભમાં મૂલ્યાંકન કરવું પડે. બધી જ નવી ટૅક્નૉલૉજીનું આ રીતે સંપૂર્ણ મૂલ્યાંકન શક્ય નથી. પરંતુ મહત્વની વાત આડ-અસર પરત્વે તેની ચકાસણી અંગેની જાગ્રતતા કેળવવી તે છે.

(3) ટૅક્નૉલૉજીના ફાયદાનો ફેલાવો : ટૅક્નૉલૉજીના ઘણા ફાયદા છે; પરંતુ આ ફાયદા હજુ ઔદ્યોગિક રીતે વિકસિત દેશો પૂરતા જ મર્યાદિત છે. દુનિયાની વસ્તીના મોટા ભાગ સુધી હજુ આ ફાયદાઓ પૂરતા પ્રમાણમાં પહોંચ્યા નથી. અર્ધવિકસિત કે વિકાસ પામી રહેલા દેશોમાં સફળ નીવડેલ ટૅક્નૉલૉજીનું સહેલાઈથી અને ઓછા ખર્ચે સ્થળાંતર કરવું એ પણ એક પડકાર છે. વિકસતા દેશોમાં ટૅક્નૉલૉજીના સ્થળાંતરને લીધે પર્યાવરણ, બેકારી, સામાજિક ફેરફાર વગેરેને લીધે વિપરીત અસર ન થાય તે પણ જોવાનું રહે છે.

ટૅક્નૉલૉજીનાં સ્વરૂપો અને વિભાગો : યંત્રો, સાધનો અને ઉપભોગની વસ્તુઓનાં વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે થતાં આલેખન (design), ઉત્પાદન, ઉપયોગ અને માવજતની પદ્ધતિને ટૅક્નૉલૉજી કહેવાય. આ રીતે જોઈએ તો વસ્તુઓ(યંત્રો, સાધનસામગ્રી કે ઉપભોગની વસ્તુઓ)નું આલેખન, વસ્તુઓનું નિર્માણ/ઉત્પાદન અને યંત્રો તેમજ સાધન-સામગ્રીની માવજત એ ટૅક્નૉલોજીનાં મહત્વનાં અંગો ગણાય છે. તે કારણે તેના આલેખન અને નિર્માણ ટૅક્નૉલૉજી, ઉત્પાદન ટૅક્નૉલૉજી, માવજત અને સમારકામ ટૅક્નૉલૉજી વગેરે પ્રકારો પડે છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં આ બધી ટૅક્નૉલૉજીની જરૂર પડે છે. મોટો પુલ બાંધવાનો હોય, મોટરગાડીનું ઉત્પાદન કરવાનું હોય, વીજળી ઉત્પાદન કરતું પાવર હાઉસ હોય કે મોટા પાયા પર બૂટ-ચંપલનું ઉત્પાદન કરતું કારખાનું હોય : આ બધી જગ્યાએ ડિઝાઇન, ઉત્પાદન અને માવજત તથા સમારકામની એટલે ટૅક્નૉલૉજીના ત્રણેય વિભાગોની જરૂર પડે છે.

ઉત્પન્ન થતી વસ્તુઓ સંતોષકારક રીતે કામ આપે, તેમાં વપરાતા કાચા માલનો બગાડ ઓછો થાય, ઉત્પાદન કરકસરયુક્ત થાય એમ ત્રણેય બાબતોની ટૅક્નૉલૉજીમાં કાળજી રાખવાની થાય છે. ટૅક્નૉલૉજીમાં  હવે જે બીજી મહત્વની બાબતો ઉમેરાઈ છે તે : (1) વસ્તુના ઉત્પાદનમાં અને ઉત્પાદિત વસ્તુના ઉપયોગથી પર્યાવરણને નુકસાન ન થાય તેની તકેદારી, (2) ઉત્પન્ન થતી વસ્તુની ગુણવત્તા.

આધુનિક ટૅક્નૉલૉજીમાં આ નવાં બે પરિમાણો ઉમેરાતાં તેનું સામાજિક ઉત્તરદાયિત્વ વધી રહ્યું છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ