ટેંટુ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Oroxylum indicum (L.) Veut (સં. श्योनाक; હિં. सोनपाठा, सोनपता; મ. टेटु;  ગુ. ટેંટુ) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું વૃક્ષ છે અને 12 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ આછી ભૂખરી-બદામી હોય છે. તે પોચી વાદળી જેવી હોય છે. પર્ણો સંયુક્ત મોટાં 1.5 મી. લાંબાં, પીંછાકાર, દ્વિપીંછાકાર કે ત્રિપીંછાકાર હોય છે. પુષ્પો કલગી સ્વરૂપે જોવા મળે છે. પુષ્પો જાંબલી રંગનાં હોય છે. તેનું ફળ પ્રાવર (capsule) પ્રકારનું, મોટું, ચપટું, તલવાર આકારનું હોય છે. બીજ ચપટાં અને સપક્ષ હોય છે.

ટેંટુ કડવું, કફ તથા પિત્તનાશક, ત્રિદોષહર, ગરમ, દીપન, પાચન, હૃદ્ય, રુચિકર, હળવું, ખાટું-ખારું, સંનિપાતનો નાશ કરનાર તથા ગ્રાહી છે. તે બસ્તિ(પેઢુ)ના રોગ, આમવાત, ઝાડા, ખાંસી,  ગુલ્મ, હરસ અને કૃમિ મટાડે છે. તેનું પાકું ફળ પચવામાં ભારે અને વાયુનો પ્રકોપ કરનારું છે.

બળદેવપ્રસાદ પનારા