ટૈંગ, મોહમ્મદ યૂસુફ

January, 2014

ટૈંગ, મોહમ્મદ યૂસુફ (જ. 1935, શુપિયન, કાશ્મીર) : જમ્મુ-કાશ્મીરના સાહિત્યકાર-વિવેચક અને નિબંધકાર. એમના પરિવારનો ધંધો ફળો વેચવાનો, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શોપિયનમાં લીધું હતું. પછી ઉચ્ચ શિક્ષણ શ્રીનગરમાં. બી.એ. (ઓનર્સ). અભ્યાસ બાદ શ્રીનગરથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક ‘જહાની નાવ’ના તંત્રી થયા. આ એમની કારકિર્દીની શરૂઆત હતી. શમીમ એહમદ શમીમ સાથે કામ કરવાનો પોકો મળ્યો. ‘આફતાબ’, ‘હકીકત’, ‘ઝમીનદાર’ અને ‘ચટ્ટાન’ જેવાં વર્તમાનપત્રોમાં કામ કર્યું.  તેઓ કાશ્મીરી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં લખે છે; ‘તામીર’ નામના ઉર્દૂ સાપ્તાહિકના તંત્રી હતા. જમ્મુ ઍન્ડ કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝ તરફથી પ્રસિદ્ધ થતા ઉર્દૂ દ્વિમાસિક ‘શીરાઝા’ના પણ તેઓ તંત્રી-સંપાદક (1966–72) હતા. 1973માં તેઓ અકાદમીના સચિવ પણ થયેલા. 1988માં જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રીના સાંસ્કૃતિક બાબતોના વિશેષ સલાહકાર અને 1989–93 દરમિયાન જમ્મુ અને કાશ્મીર સરકારમાં સંસ્કૃતિ વિભાગના મહાનિયામક તરીકે રહ્યા. કાશ્મીરી, ઉર્દૂ અને અંગ્રેજીમાં એમણે લખેલા નિબંધો અને વિવેચનના ચાર ગ્રંથો પ્રકાશિત થયા છે. વળી સાહિત્યિક વિષયોના 12 જેટલા ગ્રંથોનું તેમણે સંપાદન પણ કર્યું છે. જમ્મુ ઍન્ડ કાશ્મીર એકૅડેમીના 1994નો સર્વોત્કૃષ્ટ કૃતિ પુરસ્કાર, 1996માં અંગુઆબી ઇસ્લામીના રાષ્ટ્રપતિ દ્વારા ‘રોબ ઑવ્ ઑનર’ અને 1998માં અદ્બી મરકઝ કામરાઝ દ્વારા પણ ‘રોબ ઑવ્ ઑનર’થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમના ‘મહજૂર શિનાસી’ને સાહિત્ય એકૅડેમી, દિલ્હીએ 1998ના આધુનિક જીવન-કવનના શ્રેષ્ઠ કાશ્મીરી પુસ્તક તરીકે ઍવૉર્ડ એનાયત કરેલ છે. આ ગ્રંથમાં આધુનિક કાશ્મીરી કવિતાના સંસ્થાપક ગુલામ અહમદ મહજૂરનાં જીવન અને કવનનું દર્શન-મૂલ્યાંકન ધરાવતા 14 લેખો છે. કાશ્મીરીમાં આ પ્રકારનું આ પ્રથમ વિવેચનનું પુસ્તક છે. રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાયેલા મહજૂરની કવિતાનો સમગ્ર કાશ્મીરી કવિતા પર કેવો પ્રભાવ પડ્યો છે તેનું એમાં બયાન છે. ટૈંગે પાકિસ્તાન, અમેરિકા અને રશિયાનો સાહિત્યિક પ્રતિનિધિ તરીકે પ્રવાસ કર્યો. ભારત સરકારે ‘પદ્મશ્રી’ આપીને એમની પ્રતિભાને પુરસ્કૃત કરી છે.

વિ. પ્ર. ત્રિવેદી