ટૅક્નૉલૉજી (અર્થશાસ્ત્ર) : વસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધિ માટે ઉપયોગમાં લેવાતાં સાધન અને પદ્ધતિનું સર્વસ્પર્શી જ્ઞાન. માનવજીવનને સ્પર્શતા કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિનાં સ્તર અને ગુણવત્તાને સુધારવા માટે ઉપયોગી નીવડતાં જ્ઞાનકૌશલ્ય તથા પ્રક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. માનવજાત દ્વારા પોતાની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સિદ્ધ કરવા માટે આજદિન સુધી ઉપયોગમાં લેવાયેલી શોધખોળોનો સમાવેશ તેમાં થાય છે. પ્રાગૈતિહાસિક કાળથી ઔદ્યોગિક ક્રાંતિ સુધીના ગાળામાં જરૂરિયાતો સંતોષવા માટેનાં સાધનો તથા પ્રક્રિયાઓમાં સતત ફેરફારો થતા રહ્યા છે, તેમ છતાં એકંદરે વિચારીએ તો એ સમયગાળા દરમિયાન તેમનું સ્વરૂપ મહદંશે પ્રાથમિક કક્ષાનું જ રહ્યું હતું તેથી તેના ઉપયોગમાં તંત્રવિદ્યા(technology)ના ફાળા કરતાં માનવશ્રમનો ફાળો જ નિર્ણાયક રહ્યો છે; પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના સમયગાળામાં પ્રાકૃતિક અને પ્રયુક્ત વિજ્ઞાનક્ષેત્રે માનવજાતિએ જે વિસ્મયકારક પ્રગતિ હાંસલ કરી છે તેને લીધે આધુનિક સમયમાં ટૅક્નૉલૉજીના ઉપયોગના વ્યાપમાં અને તેની વિવિધતામાં ધરખમ વધારો થયો છે. પરિણામે આજે માનવજીવનનું ભાગ્યે જ એવું કોઈ પાસું છે, જેમાં ઓછાવત્તા પ્રમાણમાં તેનો ઉપયોગ થતો ન હોય. ટૅક્નૉલૉજીના ક્ષેત્રે સધાતી પ્રગતિ અને જુદાં જુદાં ક્ષેત્રોમાં તેના ઝડપી અમલને લીધે માનવજાતિને પ્રકૃતિ પર વિજય મેળવવામાં ઘણે અંશે સફળતા સાંપડી છે એમ કહી શકાય.
ટૅક્નૉલૉજીની પ્રગતિને પરિણામે માનવજીવનના દરેક પાસામાં ક્રાંતિકારી ગણી શકાય તેવા ફેરફારો થઈ રહ્યા છે, પરંતુ તેની સહુથી ઊંડી અને વ્યાપક અસર માનવીના આર્થિક જીવન પર થઈ છે. ઉત્પાદનનાં વિવિધ ક્ષેત્રોમાં આધુનિક ટૅક્નૉલૉજીના વ્યાપક ઉપયોગને લીધે ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. આમાં અગત્યની બાબત એ છે કે ટૅક્નૉલૉજીની પ્રગતિને કારણે ઉત્પાદનના ક્ષેત્રે મૂડી અને શ્રમની ઉત્પાદનશક્તિમાં ઘણો મોટો વધારો થયો છે; દા.ત., અમેરિકામાં ખેતીના ક્ષેત્રે ટૅક્નૉલૉજીની પ્રગતિને કારણે શ્રમિકોની ઉત્પાદકતામાં થયેલા વધારાની કેટલીક વિગતો નોંધીએ. 1880માં ઘઉંના વાવેતર નીચેની એક એકર જમીનને ખેડવા માટે ખેડૂતને 20 કલાક ખર્ચવા પડતા હતા જેની સામે 1970માં માત્ર 2 કલાક જ ખર્ચવા પડતા હતા. તેવી જ રીતે 1910માં 100 બુશલ ધાન્ય પેદા કરવા માટે 147 માનવ-કલાકો(manhours)ની જરૂર પડતી હતી જેની સામે 1970માં તેટલું જ ધાન્ય પેદા કરવા માટે માત્ર 4થી 5 માનવ-કલાક ખર્ચવાની જરૂર પડતી હતી. ખેતીના ક્ષેત્રે જ્યારે પરંપરાગત ઉત્પાદનપદ્ધતિ અમલમાં હતી ત્યારે એક ખેડૂત પાંચ માણસો પૂરતું અનાજ પેદા કરી શકતો હતો, ટૅક્નૉલૉજીની પ્રગતિ પછી આજે હવે એક ખેડૂત પચાસ માણસો માટેનું અનાજ પેદા કરી શકે છે. આમ, ખેડૂતની ઉત્પાદનશક્તિ લગભગ દસગણી થઈ છે.
અમેરિકામાં 1950–66ના માત્ર દોઢ દસકાના સમયગાળામાં વિવિધ ક્ષેત્રોમાં શ્રમની ઉત્પાદકતામાં થયેલા વધારાની કેટલીક વિગતો નોંધીએ. કોલસાની ખાણોમાં કામ કરતા શ્રમિકોની ઉત્પાદકતામાં 162 %નો વધારો થયો, રેલવે દ્વારા માલની હેરફેરમાં શ્રમિકદીઠ 131 %નો વધારો નોંધાયો, પોલાદના ઉત્પાદનમાં કામદાર- દીઠ ઉત્પાદનમાં 40 %નો વધારો થયો, કાગળ તથા તેના માવાના શ્રમિકદીઠ ઉત્પાદનમાં 80 %નો વધારો થયો. અહીં અમેરિકાના આ આંકડાઓ એક ઉદાહરણ રૂપે નોંધ્યા છે. અમેરિકાની જેમ યુરોપના મોટાભાગના વિકસિત દેશોમાં પણ અર્થતંત્રનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ટૅક્નૉલૉજીની પ્રગતિને કારણે શ્રમિકોની ઉત્પાદકતામાં મોટો વધારો થયો છે અને તેને પરિણામે એ દેશોની કુલ રાષ્ટ્રીય આવકમાં તેમજ માથા દીઠ આવકમાં સતત વધારો થતો રહ્યો છે.
ટૅક્નૉલૉજીના વિકાસથી શ્રમ અને મૂડી જેવાં ઉત્પાદનનાં સાધનોની ઉત્પાદકતામાં વધારો થાય છે તેને પરિણામે ઉત્પાદનના સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. તેનો લાભ ગ્રાહકોને વસ્તુઓની નીચી કિંમતોના રૂપમાં મળે છે. આમાં નોંધપાત્ર બાબત એ છે કે વસ્તુઓની કિંમતો સાપેક્ષ રીતે ઘટવા છતાં ઉત્પાદકોને મળતા નફામાં ઘટાડો થતો નથી, કારણ કે કિંમતનો ઘટાડો ઉત્પાદનખર્ચમાં થતા ઘટાડાનું પરિણામ હોય છે. વસ્તુઓની કિંમતો સાપેક્ષ રીતે ઘટવાથી વસ્તુઓ માટેનું બજાર વિસ્તરે છે, જે નિયોજકો માટે પ્રોત્સાહક નીવડે છે. આ પ્રક્રિયામાં ઉત્પાદન તથા રોજગારી વિસ્તરતાં જાય છે.
ટૅક્નૉલૉજીની કેટલીક સારી આડપેદાશો છે. શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો થતાં તેમના કામના કલાકોમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે. કામના કલાકો ઘટે તેની શ્રમિકોના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે, વિકાસ વેગીલો બનતાં શ્રમ માટેની માગ વધે છે અને શ્રમની અછત સર્જાય છે. તેને પરિણામે કામદારોની નોકરીની શરતો સુધરે છે, એટલે કે કામના કલાકો ઘટવાની સાથે કામદારોને મળતા અન્ય લાભોમાં વધારો થાય છે; કામના કલાકો ઘટતાં લોકોને જીવનને માણવા માટે વધુ ફુરસદ મળે છે; વસ્તુઓની ગુણવત્તામાં સુધારો થતો રહે છે.
ટૅક્નૉલૉજીની પ્રગતિમાં ત્રણ પાસાં અભિપ્રેત છે : (1) ઉત્પાદન-પદ્ધતિમાં નવપ્રવર્તન (innovation), (2) ઉત્પાદનનાં સાધનોનું નવીનીકરણ (rationalisation) તથા કાળગ્રસ્ત સાધનોની જગ્યાએ નવાં સાધનોનો ઉપયોગ અને (3) વ્યવસ્થાપન તથા સંચાલનના ક્ષેત્રે વધુ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રવેશ.
ટૅક્નૉલૉજીની સફળતા મુખ્યત્વે ત્રણ બાબતો પર આધાર રાખે છે : (1) શિક્ષણ તથા તાલીમથી સજ્જ શ્રમિકો, (2) વિવિધ ક્ષેત્રોમાં નવપ્રવર્તનો સ્વીકારવાની લોકોની તૈયારી. આ માટે ગતિશીલ માનસ તથા ઢ મનોબળ ધરાવતા વર્ગોનું સમાજ પર વર્ચસ હોવું જોઈએ. (3) કુશળ વ્યવસ્થાપકો તથા કાર્યક્ષમ વહીવટકર્તાઓ. પશ્ચિમના દેશોમાં આ ત્રણે પરિબળો અસ્તિત્વમાં હોવાથી ત્યાં ટૅક્નૉલૉજીની પ્રગતિ ઝડપથી થઈ રહી છે.
ટૅક્નૉલૉજીની પ્રગતિ અર્થતંત્રને વધુ ગતિશીલ અને ઊર્ધ્વગામી બનાવે છે. તેની સાથે તે કેટલાક ટૂંકા ગાળાના તો કેટલાક લાંબા ગાળાના પ્રશ્નો પણ ઊભા કરે છે. ટૅક્નૉલૉજીની પ્રગતિથી માનવશ્રમની અવેજીમાં યંત્રશક્તિના ઉપયોગમાં ક્રમશ: વધારો થતો જાય છે. આમ, ઉત્પાદન-પદ્ધતિઓ મૂડીપ્રધાન થતી જવાથી બેકારીનું પ્રમાણ વધે છે. આજે હવે વિકસિત દેશોના સંદર્ભમાં ‘જૉબલેસ ગ્રોથ’ (રોજગારી સર્જ્યા વિના થતી ઉત્પાદનવૃદ્ધિ) ચર્ચાનો વિષય બન્યો છે. દુનિયાના જે દેશોમાં બેકારી વ્યાપક છે તેમાં આધુનિક અને અદ્યતન ટૅક્નૉલૉજીનો ઉપયોગ બેકારીની સમસ્યાને વધુ તીવ્ર બનાવે છે. અલબત્ત, કેટલાક અર્થશાસ્ત્રી આ પ્રકારની બેકારીને ટૂંકા ગાળાની ઘટના માને છે. તેમના મત પ્રમાણે ટૅક્નૉલૉજીને લીધે લાંબે ગાળે ચાલુ ઉત્પાદન-એકમોનું વિસ્તરણ થવાની સંભાવના ઊભી થાય છે અને તેમ થતાં ટૅક્નૉલૉજીને કારણે બેકાર બનેલા શ્રમિકોને ફરીથી રોજગારી મળી શકે છે. વળી ટૅક્નૉલૉજીના વિકાસથી અર્થતંત્રમાં નવું મૂડીરોકાણ કરવાની તકો ઉજ્જ્વળ બને છે. તેને પરિણામે પણ અર્થતંત્રમાં રોજગારીની નવી તકો સર્જાય છે.
ટૅક્નૉલૉજીનો વિકાસ અને વિસ્તાર મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત થયેલો હોય છે. તેને પરિણામે શહેરીકરણની પ્રક્રિયાને પ્રોત્સાહન મળ્યા કરે છે. કેટલાક વિચારકોની ષ્ટિએ ટૅક્નૉલૉજી અને શહેરીકરણ અભિન્ન છે અને પરસ્પરને પોષક છે. ટૅક્નૉલૉજીને કારણે વિસ્તરતું શહેરીકરણ અનેક નવી સમસ્યાઓ સર્જે છે અને કેટલીક ચાલી આવતી સમસ્યાઓને વધુ તીવ્ર બનાવે છે; દા.ત., સ્વચ્છ અને સારાં રહેઠાણોની, પરિવહનની અને ગુનાખોરી તથા માનસિક તણાવ વગેરેની સમસ્યાઓ.
અદ્યતન ઔદ્યોગિક ટૅક્નૉલૉજીએ પ્રદૂષણમાં અનહદ વધારો કર્યો છે. મોટાં કારખાનાંઓમાંથી બહાર નીકળતા ધુમાડા, યંત્રોનો ઘોંઘાટ, રસાયણ-ઉદ્યોગોમાંથી બહાર નીકળતા વાતાવરણને પ્રદૂષિત કરતા નકામા પ્રવાહી અને ઘન પદાર્થો : આ બધાંની પ્રતિકૂળ અસર લોકોનાં સ્વાસ્થ્ય પર પડે છે. આમાંની કેટલીક અસરોએ વર્તમાન અને ભવિષ્યના સમગ્ર પ્રાણીજીવન માટે જોખમો ઊભાં કર્યાં છે.
ટૅક્નૉલૉજીના વિકાસ અને વિસ્તરણથી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય છે, પરંતુ તેની સાથે ઉત્પાદનનાં કુદરતી સાધનોના જથ્થામાં ઝડપથી ઘટાડો થતો જાય છે. કાગળ અને તેની અન્ય પેદાશો બનાવવા માટે મોટા પાયા પર જંગલો કપાઈ રહ્યાં છે. લોકોની તેમજ ખેતીની પાણીની જરૂરિયાત સંતોષવા માટે પાતાળકૂવાઓ દ્વારા ભૂગર્ભમાં રહેલા પાણીના જથ્થાને ઝડપથી બહાર ખેંચી લેવામાં આવી રહ્યો છે. ખાણોમાંથી ખનિજ પદાર્થો મોટા પ્રમાણમાં ખોદી કઢાવાને કારણે ખનિજોના જથ્થામાં ભયજનક ઘટાડો થઈ રહ્યો છે.
આધુનિક ટૅક્નૉલૉજીના ઉપયોગથી વસ્તુઓનું ઉત્પાદનખર્ચ ઘટે છે અને વસ્તુઓ વધુ ટકાઉ તથા આકર્ષક બને છે; પરંતુ તેમના ઉત્પાદનમાં માનવશ્રમ અને કૌશલ્ય કરતાં યંત્રશક્તિનો ફાળો વધુ હોવાથી કામદાર માટે પોતીકાપણાની ભાવના જગાડવામાં તે સદંતર નિષ્ફળ નીવડે છે; એટલું જ નહિ, શ્રમિકને કામનો આનંદ મળતો નથી અને તે કાર્યસંતોષ(job-satisfaction)ની લાગણી અનુભવી શકતો નથી.
ટૅક્નૉલૉજીના વિકાસથી મોટા પાયા પર ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો અસ્તિત્વમાં આવ્યા છે. તેમાંથી ઇજારાશાહી, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, આર્થિક અસમાનતા વગેરે દૂષણોને પ્રોત્સાહન સાંપડ્યું છે. પરંપરાગત ટૅક્નૉલૉજીના યુગમાં નિયોજકો માટે કોઈ ખાસ જોખમો કે અનિશ્ચિતતાઓ ન હતાં, પરંતુ અદ્યતન ટૅક્નૉલૉજીના આજના યુગમાં નિયોજકો માટે જોખમો અને અનિશ્ચિતતાઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે તેમાંથી આર્થિક અસ્થિરતા ઉદભવે છે.
અદ્યતન ટૅક્નૉલૉજીએ માનવજાત સમક્ષ બે પડકારો ઊભા કર્યા છે : (1) અદ્યતન ટૅક્નૉલૉજીનો લાભ વિશ્વના બધા જ વિસ્તારોને તથા પ્રત્યેક દેશની પ્રજાના બધા વર્ગોને ન્યાયી ધોરણે ઉપલબ્ધ કરી આપવો, જેથી પ્રાદેશિક વિષમતાઓ અને આર્થિક અસમાનતાઓ ઘટાડી શકાય અને (2) અદ્યતન ટૅક્નૉલૉજીમાંથી સર્જાતાં અનિચ્છનીય પ્રદૂષણ અને શહેરીકરણ જેવી વિપરીત આડપેદાશોને નિયંત્રિત કરવી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે