ટૅક્સાસ : છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : 26o ઉ. અ. થી  36o ઉ. અ. અને 94o પ. રે. થી 106o પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં સૌથી મોટાં ક્ષેત્રો આ રાજ્યમાં આવેલાં છે. ક્ષેત્રફળ 6,78,051 ચોકિમી.  તથા વસ્તી 2,58,83,999 (2011).

ટૅક્સાસ

આ રાજ્યની પૂર્વમાં લ્યુઇઝિયાના અને ઈશાન તરફ આરકાન્સાસ રાજ્યો આવેલાં છે. તેની દક્ષિણે મેક્સિકોની આંતરરાષ્ટ્રીય સરહદ અને  મેક્સિકોના અખાતની જળસીમા આવેલી છે, જ્યારે તેની ઉત્તરે ઓક્લોહોમા અને પશ્ચિમે ન્યૂ મેક્સિકો રાજ્યો આવેલાં છે. નદીઓના મેદાની પ્રદેશમાં આવેલા આ રાજ્યની જમીન કાંપની બનેલી છે. રિઓ-ગ્રાન્ડ નદી ટેક્સાસ રાજ્ય અને મેક્સિકો દેશની જળસીમા બનાવે છે, જ્યારે ઉત્તરે રેડ નદી ઓક્લોહોમા અને લ્યુઇઝિયાના રાજ્યને ટેક્સાસથી જુદાં પાડે છે.

રાજ્યમાં આવેલા સાન ઍન્ટોનિયો, કૉર્પસ ક્રિસ્ટી, હ્યૂસ્ટન, ડલાસ, બિગ સ્પ્રિંગ, એલ્પાસો શહેરો અગત્યનાં ઔદ્યોગિક કેન્દ્રો છે. નિગ્રો લોકોની સવિશેષ વસ્તી ધરાવતું આ રાજ્ય ગુનાઇત પ્રવૃત્તિઓ માટે સમગ્ર યુ.એસ.માં જાણીતું છે. કપાસ, મકાઈ અને ઘઉંનાં ખેતરોથી લીલુંછમ આ રાજ્ય આર્થિક સમૃદ્ધિમાં યુ.એસ.માં અગ્રસ્થાન ધરાવે છે. કૃષિઆવકમાં રાજ્યના પશુધનનો ફાળો અડધોઅડધ હોય છે.

રાજ્યમાં યંત્રો, વાહનવ્યવહારનાં ઉપકરણો, વીજળીનાં સાધનો, રસાયણો, ખાદ્ય પ્રક્રમણ તથા ખનિજતેલની પેદાશોના ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. ખનિજોમાં (ખનિજ)તેલ તથા કુદરતી વાયુનો જથ્થો સારા પ્રમાણમાં  મળે છે.

રિયો-ગ્રાન્ડ એ રાજ્યની સૌથી મોટી નદી છે, જે ઉત્તર અમેરિકાની મોટી નદીઓમાંની એક છે. રાજ્યમાં ઘણાં કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલાં સરોવરો છે. પશ્ચિમ તરફના પ્રદેશમાં ઘણાં સરોવરો એવાં છે જેમાં માત્ર તોફાની વરસાદને લીધે જ પાણી હોય છે. કૃત્રિમ સરોવરના પાણીનો ઉપયોગ સિંચાઈ તથા જળવિદ્યુતશક્તિના સર્જન માટે થાય છે.

લગભગ દસ વર્ષ સુધી (1835–45) સ્વતંત્ર પ્રજાસત્તાક ઘટક તરીકે રહ્યા બાદ 1845માં તેને  અમેરિકાના સંલગ્ન રાજ્ય તરીકે સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

માર્ચ, 1861માં આ રાજ્ય અમેરિકાના સંઘમાંથી અલગ થઈ ‘કૉન્ફેડરેટ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા’માં સંલગ્ન રાજ્ય તરીકે ફરી સંઘમાં જોડાઈ ગયું.

અમેરિકાના અંતરિક્ષ કાર્યક્રમમાં આ રાજ્યનો ફાળો મહત્વનો રહ્યો છે. 1969માં અંતરિક્ષ યાન ‘ઍપોલો 11’ રાજ્યના હ્યૂસ્ટન નગરની પડખે આવેલા ‘નાસા’ના મુખ્ય મથકથી છોડવામાં આવ્યું હતું તેના દ્વારા માનવે ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.

મહેશ મ. ત્રિવેદી