ટી રિસર્ચ ઍસોસિયેશન (TRA : ચા સંશોધન મંડળ)

January, 2014

ટી રિસર્ચ ઍસોસિયેશન (TRA : ચા સંશોધન મંડળ) : ચા ઉદ્યોગના તાંત્રિક પ્રશ્નો અંગેનાં સંશોધનો સાથે સંકળાયેલી ભારતીય સંસ્થા. તેની સ્થાપના 1964માં થઈ. તે વૈજ્ઞાનિક ને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR –Council of Scientific and Industrial Research) સાથે સંલગ્ન છે. તે નાણાં માટે વાણિજ્ય મંત્રાલય અને ટી બોર્ડ પર અવલંબિત છે. 1951માં 23.4 કરોડ કિગ્રા. ચાનું ઉત્પાદન થયું હતું તે વધીને 1993માં 57.7 કરોડ કિગ્રા. થયેલ છે. ચા-ઉદ્યોગના આ વિકાસમાં ટોકલાઈ અખતરા કેન્દ્ર, માગાકાટા પેટાકેન્દ્ર તથા અપર આસામ, નૉર્થ બૅન્ક, ચાચર, ત્રિપુરા, દાર્જિલિંગ તેમજ તરાઈ ખાતેનાં સલાહ-કેન્દ્રોએ ઘણો નોંધપાત્ર ફાળો આપેલ છે.

ચાની ખેતી તથા પ્રક્રમણ(processing)ની સુધારણાનાં વિવિધ પાસાં બાબતે સંશોધન કરતું તથા ચાઉદ્યોગમાં ઉપયોગી યંત્રસામગ્રીનો વિકાસ કરી તેનો પ્રચાર-પ્રસાર કરવો એ આ કેન્દ્ર, પેટાકેન્દ્ર તથા સલાહ કેન્દ્રોનું મુખ્ય ધ્યેય હોવાથી ચાની ઉત્પાદકતા તથા ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થયો છે. વનસ્પતિશાસ્ત્ર ભૂમિ અને જલપ્રબંધ (water management), કૃષિ-અર્થવવસ્થા (Agronomy), પાકસંરક્ષણ, ઇજનેરી તથા ઉત્પાદન પ્રૌદ્યોગવિજ્ઞાન, જીવ-રસાયણશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર તથા ચા–સ્વાદ-ચકાસણી જેવા મુખ્ય આઠ વિભાગોમાં સંશોધન કામગીરી ચાલે છે.

સંશોધન અને વિકાસનાં કાર્યોના પરિણામે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ પણ મળેલ છે. ઉત્તરોત્તર સુધરેલ 30 જાતો અને 11 સંકરજાતો, તેના વાવેતર અને ઉગાડવાની રીતો, એકમ વિસ્તારમાં છોડસંખ્યા, ખાતરોનો વપરાશ, ગૌણ ખાતરોનો ઉપયોગ, છાંટણીની પદ્ધતિ, રાસાયણિક નીંદણનાશકોનો ઉપયોગ, નવા વાવેતરના યોગ્ય ઉછેરની રીતો, જૂનાં વાવેતર નવપલ્લવિત કરવાની રીતો, જમીન અને પાણીનો વ્યવસ્થિત ઉપયોગ, કાપણી તથા ડાળખીનું અલગીકરણ, લીલી પત્તીનો સંગ્રહ આદિ અનેક ક્ષેત્રે ઉપયોગી ભલામણો કરી શકાઈ છે. રસાયણશાસ્ત્રમાં ચાની ગુણવત્તાનાં વિવિધ પાસાં જેવાં કે રંગ, કડકપણું, ક્રીમિંગ પ્રૉપર્ટી, સ્વાદ, દેખાવ વગેરે માટે તેમાં રહેલ વિવિધ ઘટકો જેવા કે થિયૉફ્લેવીન થિયૉરૂબીગીન્સ, ક્લૉરોફિલ અને લીનોલુલ જેવા પદાર્થોના યોગદાન અંગે ઘણી માહિતી ઉપલબ્ધ થયેલ છે. મેક ટીયર રોટોવેઇન વિધરિંગ ટનેલ, કન્ટિન્યૂઅસ ટી ટ્રે ડ્રાયર, કન્ટિન્યૂઅસ ફર્મેન્ટિંગ મશીન, બોરબોરા લીફ કન્ડિશનર, બરૂઆ કન્ટિન્યૂઅસ રોલર, ટોકલાઈ ટી બ્રેકર, લીફ સ્ટોરેજ સિસ્ટમ અને કન્ટિન્યૂઅસ વિધરિંગ મશીન વગેરે યંત્રસામગ્રીનો વિકાસ થયેલ છે અને તેનો ચા–ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાશ થતાં ચા-ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થયેલ છે.

પી.સી. બેઇઝ્ડ મૉનિટરિંગ સિસ્ટમના સહયોગથી ચા-ઉદ્યોગમાં સતત પ્રક્રિયા ચાના ઔષધીય ગુણો, ટિશ્યૂકલ્ચર, જમીનમાં પાણીની ઉપલબ્ધિ – આવી અનેક બાબતો માટે ટોકલાઈ કેન્દ્રે અન્ય વિવિધ સંસ્થાઓના સહકારથી સહયોગી સંશોધન અને વિકાસકાર્યક્રમો ગોઠવેલ છે.

સલાહકેન્દ્રો ચા-બાગવાનની મુલાકાતો, સ્થાનિક સંશોધન સમિતિની બેઠકો, દેખરેખ રાખનાર કાર્યકરોને તાલીમ, અન્ય તાલીમ-કાર્યક્રમો, વ્યાખ્યાનો, ચર્ચાસભાઓ, પ્રકાશનો વગેરે વિવિધ રીતે સંશોધનનાં પરિણામોને વપરાશનાં સ્થળો સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા થયેલ છે. ચાનું વાર્ષિક ઉત્પાદન હાલ જે 57.7 કરોડ કિગ્રા. છે તે વધીને સૈકાને અંતે 100.0 કરોડ કિગ્રા. થાય તે માટે ચા–ઉદ્યોગની ભાવી જરૂરિયાતોને અનુલક્ષીને ભવિષ્યનાં ઘણાં વિવિધ સંશોધન અને વિકાસના કાર્યક્રમોની અગ્રતાક્રમની યાદીઓ તૈયાર કરેલ છે.

સંસ્થાના સૌજન્યથી