ટીલીયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 62 પ્રજાતિઓ અને 800 જાતિઓનો સમાવેશ થયેલો છે. તે ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે અગ્નિ એશિયા અને બ્રાઝિલમાં વિતરણ પામેલી છે. ભારતમાં 14 પ્રજાતિઓ અને 110થી વધારે જાતિઓ નોંધાયેલી છે. Corchorus capsularis, L (શણ); C. olitorius, L. (બોરછુંછ) Grewia subinequalis, DC. (ફાલસા); Elaeocarpus ganitrus, Roxb (રુદ્રાક્ષ); Triumfetta rhomboidea, Jacq (જીપટી) વગેરે વનસ્પતિઓ ભારતમાં જાણીતી છે.

મોટેભાગે વૃક્ષ અથવા ક્ષુપ. કેટલીક વખત શાકીય; ભાગ્યે જ કાષ્ઠમય આરોહી; પ્રકાંડ ઘણેભાગે મજબૂત, અન્નવાહિની તંતુયુક્ત, તારાકાર પ્રકાંડ રોમ વડે આવરિત, શ્લેષ્મયુક્ત; પર્ણો સાદાં, મુખ્યત્વે એકાંતરિત દ્વિપંક્તિક, ભાગ્યે જ સમ્મુખ, અખંડિત કે ખંડિત; પર્ણકિનારી દંતૂરવત્, શીઘ્રપાતી; મુક્ત પાર્શ્વસ્થ ઉપપર્ણો; પુષ્પવિન્યાસ અગ્રસ્થ કે કક્ષસ્થ, પરિમિત; નિયમિત, સામાન્યત: દ્વિલિંગી, અધોજાઈ પુષ્પ; વજ્રપત્રો 5, કોઈક વાર 3 કે 4; મુક્ત અથવા તલસ્થ ભાગેથી સંલગ્ન; કોરસ્પર્શી (valvate), દલપત્રો 5, ભાગ્યે જ અભાવ, મુક્તદલપત્રી, કોચ્છાદી (imbricate), કેટલીક વખત વજ્રસર્દશ; પુંકેસરો 10 કે અસંખ્ય, ડિસ્ક પરથી ઉત્પન્ન થાય, મુક્ત કે તલસ્થ ભાગેથી સંલગ્ન પામી બહુગુચ્છી (polyadelphous) બને, પ્રત્યેક ગુચ્છમાં 5થી 10 પુંકેસરો, પરાગાશય દ્વિખંડી, સ્ફોટન આયામ અથવા અગ્રસ્થ છિદ્રો દ્વારા; 2થી 10 અથવા અસંખ્ય સ્ત્રીકેસર, સ્ત્રીકેસરચક્ર, અક્ષવર્તી જરાયુવિન્યાસ, કોટરો સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં, પ્રત્યેક કોટરમાં એક અથવા અધિક  અધોમુખી અંડકો, કેટલીક વાર પડદાઓનું વિઘટન થતાં બીજાશય એકકોટરીય બને, પરાગવાહિની એક, પરાગાસનો સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં; ફળ પ્રાવર; અનષ્ઠીલ કે અષ્ઠીલ; બીજ નાનાં, ભ્રૂણપોષી, ભ્રૂણ સીધો.

ટીલીયેસી

Corchorus capsularis, L.ના અન્નવાહિની તંતુઓ શણ તરીકે, Grewia subinequalis, DC. (ફાલસા)ના આહાર તરીકે ફળો; Elaeocarpus ganitrs, Roxb. (રુદ્રાક્ષ), Grewia અને Tiliaની કેટલીક જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે અને ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે.

બળદેવભાઈ પટેલ