ટીપણ : ધાતુને વિવિધ ઘાટ આપવાની યાંત્રિક રીત. ધાતુના સપાટ પતરાને ટીપીને અથવા દબાણ આપીને ઇચ્છિત ઘાટ આપી શકાય છે. સૌપ્રથમ આ માટે હાથેથી ટીપવાની પદ્ધતિ વપરાતી. જરૂર પડ્યે પતરાને વધુ ટિપાઉ (malleable) બનાવવા માટે તેને ગરમ કરવામાં આવતું. 1843માં વરાળ વડે ચાલતા હથોડાનો ઉપયોગ ધાતુને ટીપવા માટે શરૂ થયો. તેમાં વરાળનો ઉપયોગ ફક્ત હથોડાને ઉપર લઈ જવામાં થતો. આ એકતરફી કાર્ય કરતા હથોડા ઉપરથી 1888માં બે-તરફી કાર્ય કરતા હથોડાની શોધ થઈ. તેમાં વરાળના દબાણનો ઉપયોગ નીચે આઘાત આપવા (downward stroke) ઉપરાંત હથોડાને ઉપર લઈ જવા માટે પણ થતો.
ટીપીને ઘડવાની ક્રિયા બે પ્રકારની છે : એકમાં ધાતુને બે છૂટાં બીબાં વચ્ચે રાખી તેના ઉપર ક્રિયા કરવામાં આવે છે. આમાંનું એક સ્થિર હોય છે જ્યારે બીજું આઘાતી એકમમાં રાખવામાં આવેલું હોય છે. બીજા પ્રકારમાં ધાતુને એકબીજાં સાથે જોડાયેલાં બે બીબાં વચ્ચે ઘાટ આપવામાં આવે છે. આ માટે વિભક્ત બીબાંના અનેક સમુચ્ચયોનો ક્રમશ: ઉપયોગ થાય છે, જેથી તૈયાર દાગીનાને યોગ્ય ઘાટ અને માપ મળી શકે. આ પ્રકારના દાગીના ઘડતરના દાગીના કહેવાય છે.
પ્યાલા વગેરે પતરાંને દાબીને, જ્યારે કીટલી તથા તેના હાથા અને નાળચાં (spout) પતરાંને વાળીને તેને રેણ કરીને બનાવી શકાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ત્રિપરિમાણી વળાંક(three dimensional curvature)વાળાં પાત્રો વધતી જતી બહિર્ગોળાઈવાળી એરણ- (anvil)ની શ્રેણી ઉપર હાથ વડે ટીપીને ઉપસાવવાં પડતાં હતાં. આ પ્રવિધિ દરમિયાન વચ્ચે વચ્ચે ચાદરને ગરમ કરવામાં આવતી. બહારના ભાગમાં રહી જતી હથોડાની નિશાનીઓ અને ખરબચડી સપાટીને ખાસ પ્રકારના પૉલિશવાળા હથોડા વડે પ્રમાર્જન કરીને ચમકદાર અને લીસી બનાવવામાં આવતી. છેવટનો ચળકાટ બારીક અપઘર્ષક વાપરીને હાથેથી લાવવામાં આવતો. ઓગણીસમી સદીની શરૂઆતથી આવા ઘાટ હાથ વડે ઉપસાવવાને બદલે એ માટે પ્રચક્રણ(spinning)ની ક્રિયાનો ઉપયોગ થવા માંડ્યો છે. આમાં સપાટ ગોળ પતરાને લેથ ઉપર મૂકી ખાસ ઓજારો વડે ધીરે ધીરે તેની દીવાલનો વળાંક વધારતા જઈને વાસણનો ઘાટ ઉપસાવવામાં આવે છે.
પ્યુટર જેવી કલાઈની મિશ્રધાતુની વસ્તુઓને છેલ્લે હળવા ફટકા આપવાથી સપાટી સુંવાળી બનવા ઉપરાંત પદાર્થ મજબૂત બને છે. ઘરેણાં બનાવવાની ઉત્કીર્ણન(embossing)ની ક્રિયામાં પણ ટીપવાની ક્રિયાનો ઉપયોગ થાય છે.
જ. દા. તલાટી