ટીટો, યોસિપ બ્રોઝ

January, 2014

ટીટો, યોસિપ બ્રોઝ (જ. 25 મે 1892, કુમરોવેક, ક્રોએશિયા; અ. 4 મે 1980, લીયૂબ્લાં) : ‘રાષ્ટ્રીય સામ્યવાદ’ અને બિનજોડાણવાદી નીતિના પુરસ્કર્તા. યુગોસ્લાવિયાના રાજનીતિજ્ઞ પુરુષ. 1943થી તેઓ યુગોસ્લાવિયાના વસ્તુત: વડા અને 1953થી 1980 સુધી તેના ચૂંટાયેલા પ્રમુખ. જન્મ ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. સ્લોવન મા અને ક્રોટ બાપનાં પંદર સંતાનોમાં તેઓ સાતમું સંતાન હતા. પ્રાથમિક શિક્ષણ લીધા પછી ધાતુકારીગર તરીકે ટ્રીએસ્ટ બોહેમિયા અને જર્મનીમાં તેમણે કામ કર્યું અને ત્યાંના ધાતુ-કારખાનાંના કામદાર-સંઘમાં તેમજ ક્રોએશિયાની સોશિયલ ડેમૉક્રૅટિક પાર્ટીમાં જોડાયા.

યોસિપ બ્રોઝ ટીટો

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ટીટો ઑસ્ટ્રિયા–હંગેરીના લશ્કરમાં જોડાયા અને જુદે જુદે મોરચે લડ્યા. યુદ્ધમાં તેઓ ઘાયલ થયા અને રશિયન સૈનિકોના કેદી બન્યા, પરંતુ બૉલ્શેવિક ક્રાંતિ પહેલાં તેઓ કેદમાંથી નાસીને ‘લાલ લશ્કર’માં જોડાયા અને સામ્યવાદી બન્યા. 1920માં યુગોસ્લાવિયા પાછા ફર્યા પછી તેમણે સામ્યવાદી પ્રવૃત્તિ શરૂ કરી, જેને કારણે તેમને વખતોવખત જેલમાં જવું પડ્યું. 1927માં ટીટો ગેરકાયદેસર જાહેર થયેલા સામ્યવાદી પક્ષની ઝગ્રેબની સમિતિના મંત્રી બન્યા અને 1934 સુધીમાં તે યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષની પૉલિટબ્યૂરોના સભ્ય બન્યા. તેમણે મૉસ્કો, પૅરિસ, પ્રાગ અને વિયેનાની મુલાકાત લીધી. તે માટે તેમણે કેટલાંક છદ્મનામ ધારણ કર્યાં, જેમાંનું ‘ટીટો’ ખૂબ પ્રચલિત બન્યું. 1937માં ટીટો યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષના મહામંત્રી બન્યા. આ હોદ્દા પર તેઓ 1966માં પક્ષના પ્રમુખ બન્યા ત્યાં સુધી ચાલુ રહ્યા હતા. તેમણે  આંતરિક વિખવાદને ડામીને પક્ષને રાષ્ટ્રીય કક્ષાએ સંગઠિત બનાવ્યો.

દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે 1941માં જ્યારે નાઝી લશ્કરોએ યુગોસ્લાવિયા પર  કબજો જમાવ્યો અને સોવિયેત સંઘ પર આક્રમણ કર્યું ત્યારે ટીટોએ ગેરીલા (છાપામાર) ટુકડીઓ રચીને જર્મની તથા ઇટાલીનાં લશ્કરો તેમજ દેશ બહાર કામ કરતી યુગોસ્લાવિયાની સરકારના ટેકેદારો સામે પણ યુદ્ધ જારી રાખ્યું. તેમાં તેમને યુગોસ્લાવિયાની આમજનતાનો સારો સહકાર મળ્યો. તેમણે  બ્રિટિશ અને અમેરિકનો સાથે લશ્કરી સહાય મેળવવા માટે સમજૂતી કરી, પરંતુ સોવિયેત સંઘ પાસેથી મદદ મેળવવામાં તેઓ સફળ થયા નહિ. સોવિયેત સંઘે ટીટોની સંગઠિત ગેરીલા ટુકડીઓ દ્વારા ફાસીવાદી લશ્કરો સામે કરવામાં આવતા પ્રતિકારને મહત્વ ન આપ્યું, કારણ કે ટીટોએ સોવિયેત સંઘની ઇચ્છા વિરુદ્ધ મુક્ત કરવામાં આવેલા વિસ્તારોમાં ક્રાંતિકારી તંત્રની સ્થાપના કરી દીધી હતી. સપ્ટેમ્બર, 1943 પછી ટીટોએ પશ્ચિમી સત્તાઓ તેમ જ સોવિયેત સંઘની સંમતિ વગર જ ફાસીતંત્રવિરોધી યુગોસ્લાવિયાની રાષ્ટ્રીય મુક્તિ સમિતિને નામે કામચલાઉ સરકારની રચના કરી. ટીટોને યુગોસ્લાવિયાના માર્શલનો ખિતાબ આપવામાં આવ્યો. 1944માં સોવિયેત લશ્કરોએ બેલગ્રેડને ફાસીવાદી દળોથી મુક્ત કર્યું, પરંતુ ટીટોના દબાણને લીધે સોવિયેત લશ્કરોને તરત જ યુગોસ્લાવિયા છોડી દેવું પડ્યું. 7 મે 1945ને દિવસે ટીટો યુગોસ્લાવિયાની સરકારના વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન બન્યા. તેમની સરકારને યુ.એસ., બ્રિટન તથા સોવિયેત સંઘે સ્વીકૃતિ આપી. 1953માં તેઓ યુગોસ્લાવિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા.

દ્વિતીય વિશ્વયુદ્ધને લીધે યુગોસ્લાવિયાની 11 % વસ્તી નષ્ટ થઈ હતી. તેના અર્થતંત્રને પણ ખૂબ નુકસાન થયું હતું. યુદ્ધ પછી ટીટો પશ્ચિમી સત્તાઓ સાથે ઘર્ષણમાં આવ્યા, કારણ કે તેમણે  ટ્રીએસ્ટ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગ્રીસના આંતરયુદ્ધમાં ગ્રીક સામ્યવાદીઓને ટેકો આપ્યો હતો. ઉપરાંત ખુલ્લી રીતે યુગોસ્લાવિયામાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી. પશ્ચિમી સત્તાઓ સાથે ઘર્ષણમાં આવવા છતાં ટીટોએ સોવિયેત રશિયા પર આધારિત રહેવાને  બદલે સ્વતંત્ર નીતિ અખત્યાર કરી. તેમણે  સોવિયેત સંઘની આર્થિક અને રાજકીય માગણીઓનો અસ્વીકાર કર્યો, પરિણામે  સ્ટાલિન સાથે ઘર્ષણ થયું, પરંતુ ટીટોએ નમતું ન જોખ્યું. તેથી 28 જૂન, 1948ને દિવસે કૉમિન્ફૉર્મ(નવા આંતરરાષ્ટ્રીય સામ્યવાદી સંગઠન)માંથી યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષને દૂર કરવામાં આવ્યો.

સોવિયેત સંઘના સામ્યવાદી તંત્રના વિકલ્પ તરીકે ટીટોએ યુગોસ્લાવિયામાં રાષ્ટ્રીય સામ્યવાદી શાસન હેઠળ સત્તાના વિકેન્દ્રીકરણ અને વ્યક્તિસ્વાતંત્ર્યને મહત્વ આપ્યું. જોકે તેમણે તેમના સાથી મિલોવાન જિલાસને તેમની નીતિની ટીકા બદલ કેદમાં પણ પૂર્યો હતો.

સ્ટાલિનના મૃત્યુ (1953) પછી નિકિતા ખ્રુશ્ચેવના સમય દરમિયાન ટીટોએ સોવિયેત રશિયા સાથે સમાધાનકારી નીતિ અપનાવી હતી તેમ છતાં તેમણે રશિયાના નેતૃત્વ હેઠળ સામ્યવાદી સત્તા જૂથમાં સામેલ થવાનો ઇનકાર કર્યો.

બીજી બાજુ વિદેશનીતિમાં ટીટોએ જવાહરલાલ નહેરુ અને ઇજિપ્તના ગેમલ અબ્દેલ નાસર સાથે બિનજોડાણવાદી આંદોલનને સક્રિય ટેકો આપ્યો. બાંડુંગ ખાતે 1955માં આફ્રો-એશિયન રાષ્ટ્રોની પરિષદમાં તેમણે ભાગ લીધો. બિનજોડાણવાદી નીતિના સંદર્ભમાં 1962થી 1970ના સમય દરમિયાન ટીટોએ આફ્રિકા, એશિયા તેમજ લૅટિન અમેરિકાના દેશોની મુલાકાત લીધી હતી. ઑગસ્ટ, 1968માં સોવિયેટ રશિયાએ ચૅકોસ્લોવાકિયા પર કરેલા આક્રમણને તેમણે વખોડી કાઢ્યું.

1963માં ટીટોને યુગોસ્લાવિયાના આજીવન પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. 70ના દાયકા દરમિયાન ટીટોએ પોતાની હયાતી પછીના શાસન માટે સામૂહિક નેતૃત્વ પર ભાર મૂક્યો અને 1974માં એ પ્રકારનો બંધારણીય સુધારો કરવામાં આવ્યો.

શિવપ્રસાદ રાજગોર