ટિયનજિન (Tianjin) : હોબાઈ પ્રાંતમાં આવેલું ચીનનું ત્રીજા નંબરનું મોટું શહેર અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 39o 08’ ઉ. અ. અને 117o 12’ પૂ. રે. તેનું ચીની ભાષાનું નામ ‘ટીઆનજીન’ છે. તે બેજિંગથી નૈર્ઋત્ય ખૂણે 138 કિમી. દૂર હાઈ હો (Hai Ho) નદીની પાંચ શાખાઓના સંગમસ્થાને ગ્રાન્ડ કૅનાલ ઉપર આવેલું છે. તે પીળા સમુદ્રના પો હાઈ (Po Hai) અખાતથી ઉપરવાસમાં 56 કિમી. દૂર છે.

ઉત્તર ચીનના વિશાળ મેદાનના છેક ઉત્તર છેડે આવેલું આ શહેર સમુદ્રની સપાટીથી માત્ર 5 મી. ઊંચું છે. ટિયનજિન  આસપાસનો પ્રદેશ સપાટ અને ખૂબ ફળદ્રૂપ છે. હાઈ હો નદીમાં વારંવાર પૂર આવે છે ત્યારે તેનાં પાણી કાંઠાના પ્રદેશ ઉપર ફરી વળે છે.

ટિયનજિન સમુદ્રની નજીક હોવા છતાં તેની આબોહવા વિષમ છે. શિયાળાનું જાન્યુઆરી માસનું સરાસરી તાપમાન 4° સે. છે, જ્યારે ઉનાળાનું જુલાઈ માસનું સરાસરી તાપમાન 39° સે. છે. આમ ઉનાળા અને શિયાળાના તાપમાન વચ્ચે ઘણો ફરક છે. શિયાળામાં સાઇબીરિયાનો સૂકો ઠંડો પવન ઉત્તર દિશામાંથી વાય છે અને હિમની વર્ષા થાય છે. ઉનાળામાં પૅસિફિક મહાસાગર ઉપરથી દક્ષિણ તરફથી વાતો ભેજવાળો પવન વાર્ષિક સરેરાશ 500 મિમી. વરસાદ આપે છે. નદીઓ અને બારાને બરફમુક્ત રાખવા ‘આઇસબ્રેકર’નો ઉપયોગ કરવો પડે છે. આસપાસના પ્રદેશમાં ઘઉં, ડાંગર, જવ, સોયાબીન વગેરે મુખ્ય પાક છે.

બેજિંગમાં પરદેશીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને કારણે ટિયનજિન પરદેશ સાથેના તથા ઉત્તર ચીનના આંતરિક વેપારનું કેન્દ્ર બન્યું છે. 1860માં ગ્રેટ બ્રિટનને અને ત્યારબાદ ક્રમશ: ફ્રાન્સ, બેલ્જિયમ, ઇટાલી, જર્મની, રશિયા, ઑસ્ટ્રિયા-હંગેરી વગેરે દેશોની યુરોપીય પ્રજાઓને વેપાર અર્થે ખાસ છૂટછાટો અપાઈ હતી અને તેમનો પોતાની સ્વતંત્ર હકૂમતવાળો રહેઠાણનો વિસ્તાર હતો. ચીનના કુલ વેપારમાં ટિયનજિનનો 10% હિસ્સો છે.

ચુઆન વંશના વખતથી (1274–1368) આ શહેર વેપાર ઉપરાંત ઉદ્યોગો અને વાહનવ્યવહારનું અગ્રગણ્ય કેન્દ્ર છે. 1949માં દેશમાં સામ્યવાદી પક્ષનું શાસન દાખલ થયા બાદ વેપારનું સ્થાન ભારે અને હળવા ઉદ્યોગોએ લીધું છે. ભારે યંત્રો, રસાયણો, પ્લાસ્ટિક, લોખંડ અને પોલાદ, જહાજોનું બાંધકામ અને સમારકામ, ઇલેક્ટ્રૉનિક સાધનો વગેરેના ભારે ઉદ્યોગો છે. કાગળ, ગરમ અને સુતરાઉ કાપડ, ચર્મઉદ્યોગ, રબરની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ વગેરે હળવા ઉદ્યોગો છે. વળી હસ્ત અને લઘુઉદ્યોગો દ્વારા ગાલીચા, ગરમ ધાબળા, માટીની કલાત્મક વસ્તુઓ, છાપકામ માટેનાં બીબાંનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત મત્સ્યઉદ્યોગ અને મીઠું બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે. દરિયાતળમાંથી પેટ્રોલિયમ મળી આવતાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ શરૂ થયો છે.

ટિયનજિનને ચીનના અંદરના ભાગ સાથે જોડતો બધી ઋતુઓમાં ઉપયોગી ધોરી માર્ગ અને 12 કિમી.નો ભૂગર્ભ માર્ગ છે. બેજિંગ-શાંઘાઈ તથા બેજિંગ-શેનયાંગ રેલવે ઉપરનું ટિયનજિન મહત્વનું સ્ટેશન છે. હાઈ હો નદીના મુખ ઉપર ટગ્ગુ ખાતે 1940માં જાપાને બાંધેલું ટિયનજિનનું બંદર છે. કાંપના પુરાણને કારણે પહોળા તળિયાવાળાં, ઓછું ટનેજ ધરાવતાં, 4.3 મી. ડ્રાફ્ટવાળાં જહાજો ધક્કા સુધી આવે છે. બારાનો આગળનો ભાગ 30 કિમી. લાંબો છે.

ભુંડના વાળ, રૂ, ઈંડાંની બનાવટો, ગાયનાં ચામડાં, ઊન, સ્ટ્રો બ્રેઇડ વગેરેની નિકાસ થાય છે; જ્યારે  આયાતોમાં સુતરાઉ અને ગરમ કાપડના ટુકડાઓ, યંત્રો, રેલવે માટેનો સામાન, ધાતુની વિવિધ વસ્તુઓ, ખનિજો, વીજળીનાં સાધનો મુખ્ય છે. મેટ્રોસિટીની વસ્તી 1.11 કરોડ, મ્યુનિસિપલ વિસ્તારની વસ્તી 1.4 કરોડ અને શહેરની વસ્તી 5.10 લાખ (2018) જેટલી છે. તેનો કુલ વિસ્તાર 11,760 ચોકિમી જેટલો છે.

શહેરમાં ઘણાં મંદિરો પૈકી લા હુંગચાનું મંદિર મહત્ત્વનું છે. ટિયનજિન, નાનકાંઈ, હેબેઈ વગેરે યુનિવર્સિટીઓ તથા મેડિકલ, ટૅક્નિકલ, પૉલિટૅક્નિક, શિક્ષણ અને વૈદકીય વિદ્યાશાખાઓ વગેરે મળીને 25 અગ્રગણ્ય ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ છે. લલિતકલાઓનું સંગ્રહસ્થાન, પ્રાચીન રાજવંશના સમયનાં ચિત્રોનું સંગ્રહસ્થાન, વિશાળ ગ્રંથાલય, ઇતિહાસ અંગેનું સંગ્રહસ્થાન, વિજ્ઞાનખંડ, રાષ્ટ્રીય લઘુમતીઓ માટેની સંસ્થા તથા સંગીત, નાટકો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેના સભાખંડો વગેરે નગરમાં આવેલાં છે.

1858માં બીજા અફીણવિગ્રહ બાદ બ્રિટન, ફ્રાન્સ, રશિયા, યુ.એસ. વગેરેએ વેપાર તથા વસવાટ માટેના હકો મેળવ્યા. 1900માં પરદેશીઓની શોષણનીતિ સામે બૉક્સરોએ બળવો કરીને 27 દિવસ સુધી તેમની વસાહતોને ઘેરો ઘાલ્યો હતો પણ ઇંગ્લૅન્ડ, જર્મની જેવી સત્તાઓના સંયુક્ત બળ સામે તેઓ ટકી શક્યા ન હતા અને ટિયનજિન ઉપર આંતરરાષ્ટ્રીય કમિશનનો થોડા વખત સુધી કબજો રહ્યો હતો. 1932માં જાપાન સિવાયની બધી પરદેશી વસાહતોનાં તથા 1945થી જાપાનને અપાયેલી છૂટછાટો અને હકો રદ કરાયાં હતાં. 1931ના નવેમ્બરમાં જાપાને ટિયનજિનમાં બળવો કરાવ્યો હતો અને ટિયનજિનમાં રહેતા હેન્રી પુયીને મંચુરિયાના શહેનશાહ તરીકે જાહેર કર્યો હતો. 1933માં હેબઈ તથા ચાહર પ્રાંતોમાં ચીન-જાપાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ટિયનજિન તેમાં સંડોવાયું હતું. માર્ચ, 1939માં જાપાને ટિયનજિન કબજે કર્યું હતું અને 1945 સુધી તેનો કબજો જાળવી રાખ્યો હતો. 1949ના જાન્યુઆરીમાં માઓ ત્સે તુંગની આગેવાની હેઠળ સામ્યવાદીઓેએ ચાંગ કાઈ-શેકના ક્વોમિંગટાંગ પક્ષ પાસેથી આ નગર કબજે કર્યું હતું. 1958થી 1967 દરમિયાન ટિયનજિન હોબાઈ પ્રાંતની રાજધાની હતું. હાલ ટિયનજિન રાષ્ટ્રીય ચીની સરકારના સીધા વહીવટ નીચે છે. તેની સ્વતંત્ર મ્યુનિસિપાલિટી છે.

શિવપ્રસાદ રાજગોર