ટિમ્બકટુ : પશ્ચિમ આફ્રિકામાં આવેલ માલી દેશનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 16° 46´ ઉ. અ. અને 03° 01´ પ. રે.. સહરાના દક્ષિણ કિનારે નાઇજર નદીથી 13 કિમી. દૂર આવેલા આ શહેરની સ્થાપના અગિયારમી સદીમાં ટ્યૂરેગ નામની વિચરતી જાતિ દ્વારા થઈ હતી. તેના મોકાના ભૌગોલિક સ્થાનને પરિણામે રણની ખેપ કરતા કાફલા માટે તે મહત્વનું વ્યાપારી કેન્દ્ર બન્યું. તેની વસ્તી 54,453 (2009) છે. વિસ્તાર : 4,96,611 ચોકિમી.

ઉત્તર આફ્રિકાના કાફલા મીઠું, કાપડ, તાંબું, કોડી, અંજીર, ખજૂર, ધાતુની ચીજો અને ભૂમધ્ય પ્રદેશોની પેદાશો ઊંટ પર લાદી અહીં લાવતા અને બદલામાં અહીંના વ્યાપારીઓ પાસેથી ગુલામો ઉપરાંત સોનું, હાથીદાંત, કોલાનાં બી યુરોપ તેમજ મધ્યપૂર્વના દેશોમાં મોકલવા માટે લઈ જતા. આ પ્રકારનો વિનિમય હોડકાં દ્વારા નાઇજર નદીમાં થતો. તેથી ટિમ્બકટુ ‘ઊંટ અને હોડીઓના મિલન-સ્થાન’ તરીકે ઓળખાતું. મધ્યયુગમાં અહીંનાં મીઠું અને સોનું  યુરોપના દેશોમાં ખૂબ વખણાતાં હતાં.

ફ્રેન્ચ સમય દરમિયાન પુનરુદ્ધાર પામેલ મકાનો, રસ્તા અને શાળાઓ આજે પણ અહીં મોજૂદ છે. મીઠાનો વ્યાપાર તેની આર્થિક પ્રવૃત્તિઓમાં આજે પણ મહત્વનો ભાગ ભજવે છે.

1200થી 1500ના સમય દરમિયાન ટિમ્બકટુ આફ્રિકાના સમૃદ્ધ વ્યાપારી કેન્દ્ર ઉપરાંત ઇસ્લામના અભ્યાસનું અગત્યનું કેન્દ્ર પણ હતું. 1335થી 1433 સુધી તે માલી સામ્રાજ્યમાં રહ્યું. 1468માં સોઘાઈ રાજા સોની અલી – બીજાએ તે જીત્યું અને 1528 સુધી અહીં સોઘાઈ શાસન  રહ્યું. આ સમય દરમિયાન અહીં 100થી વધુ  શાળાઓ તથા યુનિવર્સિટીની સ્થાપના થઈ તેથી તે ઇસ્લામના અભ્યાસ માટેનું વિદ્યાધામ બની રહ્યું. તેની આ ખ્યાતિને લીધે તેને ‘ઇસ્લામી સંસ્કૃતિની દક્ષિણની દીવાદાંડી’નું બિરુદ મળ્યું. ઇતિહાસમાં તેનો આ ગાળો સુવર્ણયુગ ગણાય છે. સોળમી સદીમાં જુદી જુદી ભટકતી આદિવાસી ટોળકીઓ વચ્ચેની અથડામણને પરિણામે તેની પડતીની શરૂઆત થઈ.

મોરોક્કોના સુલતાન અલ્ મન્સૂરના શાસનના સમય(1529)થી તથા ટ્યૂરેગ અને ફુલાની શાસન દરમિયાન તેની ઉત્તરોત્તર પડતી થતી ગઈ અને યુરોપિયનો માટે તે માત્ર દંતકથાનું નગર બની ગયું.

ઓગણીસમી સદીમાં મેજર ગૉર્ડન (1825), રૅને કેઇલી (1828) અને હાઇનરિક બાર્ટ (1853) જેવા  સંશોધકોએ તેના પુનરુદ્ધારનું કાર્ય હાથ ધર્યું. સેનેગલથી પૂર્વ તરફ સામ્રાજ્ય સ્થાપવામાં  સફળતા મળતાં ફ્રેન્ચ શાસકોએ 1893માં ટિમ્બકટુ કબજે કર્યું અને 1960 સુધી અહીં તેમણે શાસન કર્યું.

આ નગર તેના ભૌગોલિક સ્થાનને લીધે  અનેક આક્રમણકારોનું ભોગ બન્યું હતું. તેણે માલી, સોઘાઈ, ટ્યૂરેગ, મોરોક્કન, ટ્યૂબુલર અને ફ્રેન્ચ – એમ વિવિધ પરદેશી શાસનનાં પરિવર્તનો જોયાં છે.

તાજેતરમાં થયેલા પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મળેલા ઇજિપ્ત-શૈલીના પ્રાગૈતિહાસિક સ્થાપત્ય અવશેષોએ તેના ઇતિહાસને નવો વળાંક આપ્યો છે.

નિયતિ મિસ્ત્રી