ટિચનર ઍડવર્ડ બ્રૅડફર્ડ

January, 2014

ટિચનર, ઍડવર્ડ બ્રૅડફર્ડ (જ. 11 જૂન 1867, ચિચિસ્ટર, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 3 ઑગસ્ટ 1927, ઇથાકા, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકામાં રચનાવાદને એક વિચારતંત્ર તરીકે પ્રસ્થાપિત કરનાર અંગ્રેજ મનોવિજ્ઞાની. ટિચનર ઑક્સફર્ડ યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમણે જર્મનીમાં લાઇપઝિગ યુનિવર્સિટીમાં વિલ્હેલ્મ વૂન્ટની વિશ્વવિખ્યાત પ્રયોગશાળામાં 1890થી 1892 સુધી વૂન્ટના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી. તાલીમ પછી તેઓ ઇંગ્લૅન્ડ પાછા આવ્યા હતા; પરંતુ અમેરિકામાં સ્થાયી વસવાટ કરવાનું નક્કી કર્યા પછી તેઓ 1892માં અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. 35 વર્ષની તેજસ્વી કારકિર્દી દરમિયાન તેમણે મનોવિજ્ઞાનના સંશોધનાત્મક પ્રબંધ તૈયાર કરવામાં પચાસેક વિદ્યાર્થીઓને સફળ માર્ગદર્શન આપ્યું હતું.

કૉર્નેલમાં ટિચનર ચેતનાની અવસ્થાઓના વિશ્લેષણની અને મનની રચનાની વિગતોનો પ્રાયોગિક અંતર્નિરીક્ષણાત્મક અભ્યાસ કરતા હતા તે ગાળામાં જ શિકાગો યુનિવર્સિટીમાં જ્હૉન ડ્યૂઈ અને ઍન્જેલ મનોવિજ્ઞાનનો કાર્યવાદી અભિગમ સ્પષ્ટ કરી રહ્યા હતા. આમ તો વિલિયમ જેમ્સ અને જ્હૉન ડ્યૂઈ વ્યવહારવાદી (pragmatist) ચિંતકો હતા. અમેરિકન મનોવિજ્ઞાનનો મુખ્ય પ્રવાહ શુદ્ધ (pure) મનોવિજ્ઞાનની તરફેણમાં હતો જ નહિ. ઍન્જેલે તો સ્પષ્ટ કર્યું હતું કે કાર્યવાદ એ મનોવિજ્ઞાનનો કોઈ અલગ મર્યાદિત સંપ્રદાય (school) નથી પણ તે મનોવિજ્ઞાનના સમગ્ર કાર્યક્ષેત્રને આવરી લે છે. ટિચનરે 1898માં ‘ધ પૉસ્ટ્યુલેટ્સ ઑવ્ સ્ટ્રક્ચરલ સાઇકોલૉજી’નો લેખ પ્રસિદ્ધ કર્યો હતો. તેને લીધે જ કાર્યવાદીઓને રચનાવાદની સમીક્ષા કરીને પોતાના અભિગમને વધુ સ્પષ્ટ રીતે રજૂ કરવાની ફરજ પડી હતી તેવું ઍન્જેલે દર્શાવ્યું છે. ટિચનર વૈયક્તિક તફાવતોનું માપન, માનસિક કસોટીકરણ, પ્રાણીમનોવિજ્ઞાનવિકૃતિનું મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની પ્રયોજિત શાખાને સ્વીકારતા ન હતા અને ચેતનાના કેવળ શુદ્ધ પ્રાયોગિક મનોવિજ્ઞાનના પક્ષકાર હતા. તેથી તેઓ અમેરિકન મનોવિજ્ઞાનના મુખ્ય પ્રવાહમાં ભળી શક્યા નહિ. તેમણે સંવેદન, પ્રત્યક્ષીકરણ, પ્રતિમા, વિચારપ્રક્રિયા, ધ્યાન વગેરેનું પ્રાયોગિક સંશોધન કર્યું હતું. ર્દષ્ટિ, ધ્વનિ, સ્વાદ, સ્પર્શ, ગંધ, સ્નાયુ-સંવેદન વગેરેનું સ્વરૂપ અને ગુણધર્મો પ્રાયોગિક રીતે સમજવાનો તેમનો અભિગમ હતો. તેથી જ ઑલફેક્ટોમીટર, ટ્યૂનિંગ ફૉર્ક, રેઝોનન્સ બૉક્સ, રંગમિશ્રણનું સાધન વગેરે અનેક સાધનોની મદદથી તેમની પ્રયોગશાળામાં વિગતે સંશોધન થતું હતું.

ઍડવર્ડ બ્રૅડફર્ડ ટિચનર

ટિચનરના રચનાવાદના કેટલાક મહત્વના મુદ્દાઓ નીચે પ્રમાણે છે :

(1) મનોવિજ્ઞાનનો  અભ્યાસ-વિષય ચેતના અને મન છે.

(2) અવલોકન અને પ્રયોગો મનોવિજ્ઞાનમાં અનિવાર્ય છે પરંતુ અંતર્નિરીક્ષણ (introspection) મનોવિજ્ઞાનની લાક્ષણિક અનન્ય પદ્ધતિ છે, કારણ કે અનુભવ કરનાર વ્યક્તિને આધારે અનુભવનું વિશ્લેષણ કરવાનું મનોવિજ્ઞાનનું લક્ષ્ય હોય છે.

(3) માનસિક અને શારીરિક ક્રિયાઓ પરસ્પરને સમાન્તર છે. તેમની વચ્ચે કોઈ આંતરક્રિયા નથી. મન-શરીર-સંબંધ વિશે પ્રવર્તતા જુદા જુદા સિદ્ધાંતોમાંથી ટિચનર સમાન્તરવાદ (parallelism) સ્વીકારે છે.

(4) રચનાવાદનું મુખ્ય કાર્ય જટિલ અનુભવનું તેના ઘટકરૂપ સરળ તત્વોમાં વિશ્લેષણ કરવાનું છે. તેથી પ્રત્યક્ષીકરણનું સંવેદનોમાં, આવેગોનું અનુભૂતિમાં અને વિચારક્રિયાનું પ્રતિમા(image)માં વિશ્લેષણ કરવું આવશ્યક છે. સંવેદન, અનુભૂતિ અને પ્રતિમા – એ ત્રણ મૂળભૂત અવિશ્લેષ્ય અને તેથી સરળ તત્વો છે અને તમામ જટિલ અનુભવો તેનાં સંયોજનોથી ઉદભવ્યા હોય છે.

(5) ગુણ (quality), તીવ્રતા, સ્થિતિકાળ અને સ્પષ્ટતા – આ ચાર ગુણધર્મો (attributes) સંવેદન અને પ્રતિમામાં હોય છે, જ્યારે અનુભૂતિમાં માત્ર પ્રથમ ત્રણ ગુણધર્મો હોય છે.

(6) સમીપતા (contiguity) દ્વારા સાહચર્ય એ સંવેદનોને અને પ્રતિમાઓને જોડતો નિયમ છે. કોઈ પણ સંવેદન અને પ્રતિમાનો અર્થ ભૂતકાળના અનુભવોના સંદર્ભમાં જ ઉદભવે છે.

(7) ટિચનરે અનૈચ્છિક ધ્યાન, ઐચ્છિક ધ્યાન અને ટેવરૂપ ધ્યાન – એ રીતે ધ્યાનના પ્રકારો દર્શાવ્યા છે.

(8) વૂન્ટની જેમ ટિચનરે મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન ગણ્યું અને અંતર્નિરીક્ષણપદ્ધતિને પ્રાધાન્ય આપ્યું. વૂન્ટની જેમ તેમણે સમાન્તરવાદ પણ સ્વીકાર્યો. જોકે વૂન્ટે સંવેદન અને અનુભૂતિ – એ બે જ મૂળતત્વો સ્વીકાર્યાં હતાં જ્યારે ટિચનરે ત્રણ મૂળતત્વો સ્વીકાર્યાં છે. તે જ રીતે વૂન્ટે ગુણ અને તીવ્રતા એ બે જ લક્ષણો સ્વીકાર્યાં જ્યારે ટિચનરે સ્થિતિ, કાળ, સ્પષ્ટતા અને વિસ્તાર(extensity)ના ગુણધર્મો સ્વીકાર્યા.

ટિચનરની પ્રાયોગિક પદ્ધતિને આવકારવા છતાં ઘણા મનોવિજ્ઞાનીઓએ ટિચનરના ચેતનાકેન્દ્રિતતાવાદ, અંતર્નિરીક્ષણવાદ અને મનોશારીરિક સમાન્તરવાદનો અસ્વીકાર કર્યો અને શુદ્ધ મનોવિજ્ઞાન વિશે ટિચનરનો અભિગમ સ્વીકાર્ય ન બન્યો.

ટિચનરનાં મહત્વનાં પુસ્તકોમાં ‘ઍન આઉટલાઇન ઑવ્ સાઇકોલૉજી’ (1896), ‘ધ પ્રાઇમર ઑવ્ સાઇકોલૉજી’ (1896), ‘ટેક્સ્ટબુક ઑવ્ સાઇકોલૉજી’ (1910) વગેરેનો સમાવેશ થાય છે. ‘અમેરિકન જર્નલ ઑવ્ સાઇકોલૉજી’ના સંપાદક તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

મધુસૂદન બક્ષી