ટાસ્માન સમુદ્ર : ઑસ્ટ્રેલિયા ખંડની અગ્નિ દિશામાં આવેલો સમુદ્ર. પૅસિફિક મહાસાગરમાં તેનો સમાવેશ થાય છે. 25°થી 45° દક્ષિણ અક્ષાંશવૃત્તો વચ્ચે અને 140°થી 175° પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે તેનું ભૌગોલિક સ્થાન છે. આ સમુદ્રના ઉત્તર તરફના ભાગમાં ન્યૂકૅલિડોનિયા અને અન્ય ટાપુઓ, પશ્ચિમ તરફના ભાગમાં ઑસ્ટ્રેલિયા ખંડનાં ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા અને ટાસ્માનિયા રાજ્યો તથા પૂર્વ બાજુએ ન્યૂઝીલૅન્ડ દેશ છે. દક્ષિણ તરફનો તેનો ભાગ ખુલ્લો છે. તેનો કુલ વિસ્તાર આશરે 23,00,000 ચોકિમી. છે.

આ સમુદ્ર વધુ ઊંડાઈવાળો છે, તેમાં કોઈ ખાસ મોટી નદીઓ આવીને મળતી નથી. આ સમુદ્રના પશ્ચિમ ભાગમાં એટલે કે ઑસ્ટ્રેલિયાના પૂર્વ ભાગમાં ઑસ્ટ્રેલિયન આલ્પ્સ પર્વત છે તેથી નદીઓનાં વહેણ પશ્ચિમ તરફ છે. વળી ટાસ્માનિયા રાજ્ય અને ન્યૂઝીલૅન્ડની નદીઓ ઓછી લંબાઈ ધરાવતી હોવાથી તેનો દરિયાકિનારો ખાસ કાદવકીચડવાળો બનતો નથી. સમુદ્રનું પાણી સ્વચ્છ હોવાથી ઓછી ઊંડાઈવાળી ખંડીય છાજલી અને ટાપુઓ પર ઉત્તરના વિસ્તારમાં પરવાળાના ખરાબા તૈયાર થયા છે. બાજુમાં ફર, સ્ટુઅર્ટ અને કિંગ નામના મહત્વના ટાપુઓ છે.

આ સમુદ્ર અગ્નિ ઑસ્ટ્રેલિયામાં વરસાદ લાવવામાં ઉપયોગી છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે આવેલા આ સમુદ્રનું મહત્વ બંને દેશો માટે વિશેષ પ્રકારનું છે. આ બે દેશો વચ્ચે જળમાર્ગના વિકાસમાં તે ઉપયોગી બન્યો છે. મત્સ્યપ્રવૃત્તિ માટે પણ તે મહત્વનો ગણાય છે. ઑસ્ટ્રેલિયાનું સૌથી મોટું બંદર તથા શહેર સિડની અને હોબાર્ટ બંદર તથા ન્યૂઝીલૅન્ડના આ સમુદ્રના પશ્ચિમ કિનારે ઑકલૅન્ડ, હેમિલ્ટન, ન્યૂ પ્લિમથ, વેસ્ટપૉર્ટ વગેરે બંદરો વિકસ્યાં છે. ઑસ્ટ્રેલિયાની સૌથી  વધુ વસ્તી આ સમુદ્રકિનારે આવેલા ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યમાં છે. દરિયાની સપાટી હેઠળનું તારનું જલવર્તી દોરડું ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સંદેશાવ્યવહાર પૂરો પાડે છે. આબેલ જાનઝૂન ટાસ્માન નામક ડચ નૌચાલક સત્તરમી સદીના મધ્યમાં આ સમુદ્ર સુધી પહોંચ્યો હતો.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ