ટાસ્માનિયા : ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિ છેડા પર આવેલું તેનું અંતર્ગત રાજ્ય. તેનું ક્ષેત્રફળ જળવિસ્તાર સહિત 90,758 ચોકિમી. છે, જે ઑસ્ટ્રેલિયાનો 1 % કરતાં પણ ઓછો વિસ્તાર રોકે છે. આ રાજ્યનું  જૂનું નામ ‘વાન ડાઇમન્સલૅન્ડ’ હતું. તેની વસ્તી 5,12,100 (2012) છે. હોબાર્ટ તેનું પાટનગર છે જે રાજ્યનાં ચાર મોટાં નગરો પૈકીનું એક છે.

ટાસ્માનિયા

ટાસ્માનિયાનું ભૌગોલિક સ્થાન ઑસ્ટ્રેલિયા ખંડના વિક્ટોરિયા રાજ્યની દક્ષિણ તરફના એક ટાપુ પ્રકારનું છે; જેમાં કિંગ, ફિલન્ડર્સ અને  બ્રુની જેવા ટાપુઓનો પણ સમાવેશ થાય છે. 40°થી 43° દક્ષિણ અક્ષાંશવૃત્તો અને 144°થી 148° પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે તે આવેલું છે. ટાપુ પ્રકારના તેના સ્થાનને કારણે ટાસ્માનિયાની આબોહવા પશ્ચિમ યુરોપની આબોહવા જેવી છે. આ કારણથી અહીં લગભગ બારેમાસ વધતાઓછા પ્રમાણમાં વરસાદ પડે છે. ઑસ્ટ્રેલિયા દેશનું આ ફક્ત એક જ રાજ્ય એવું છે જ્યાં રણવિસ્તાર નથી. બારેમાસ વરસાદ પડતો હોવાથી સિંચાઈની ખાસ જરૂરિયાત ઊભી થતી નથી.

આ રાજ્યમાં લગભગ બારેમાસ હૂંફાળું હવામાન અનુભવાતું જોવા મળે છે. આથી અહીં ઉનાળાની ઋતુમાં 15°થી 20° સે. અને શિયાળામાં 10° સે. જેટલો તાપમાનનો ગાળો રહે છે.  પશ્ચિમિયા પવનો અહીં બારેમાસ વરસાદ આપે છે. રાજ્યના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગમાં વધુ વરસાદ પડે છે. પશ્ચિમના પહાડી પ્રદેશ અને ઉચ્ચપ્રદેશના ઢોળાવમાં 2500 મિમી. કરતાં વધુ વરસાદ નોંધાય છે. મધ્ય ભાગમાં 1000 મિમી.  વરસાદ પડે છે. મૅક્વેરી નદીની ઉપલી ખીણમાં તો ટાસ્માનિયાનો સૌથી ઓછો, ફક્ત 450 મિમી. જેટલો જ વરસાદ થાય છે. રાજ્યનો સૌથી વધુ વરસાદ 3650 મિમી. માર્ગરેટ સરોવર પાસે થાય છે. આ રાજ્યમાં થતો વરસાદ વિવિધ પ્રકારના ખેતીપાક માટે ઉત્તમ પ્રકારનો ગણાય છે.

પ્રાકૃતિક રચનાની રીતે જોઈએ તો તેના મધ્યમાં ઊંચો પહાડી વિસ્તાર આવેલો છે તે 700 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. દક્ષિણ તરફના ભાગમાં આર્થર પર્વતમાળા છે. મધ્યમાં આવેલા પહાડી પ્રદેશમાંથી નદીઓ ચારે તરફ નીકળીને સમુદ્રને મળે છે. કોર્પ અને સસ્ક નદી ઉત્તરમાં જાય છે, ડરવેન્ટ દક્ષિણ તરફ અને ગૉર્ડન નદી પશ્ચિમમાં વહીને જાય છે. ઉપરાંત મર્સી, મૅક્વેરી, ઍસ્ક, તમાર વગેરે નદીઓ છે. ટાસ્માનિયાના મધ્યભાગમાં ગ્રેટ લેક, સેન્ટ ક્લેર અને ઇકો સરોવરો આવેલાં છે. દરિયાકિનારાના વિસ્તારમાં સાંકડાં મેદાનો તૈયાર થયાં છે જે વિવિધ ખેતીપાક માટે ઉપયોગી છે.

ટાસ્માનિયા રાજ્યની ભૂસ્તર રચના, પ્રાકૃતિક રચના, આબોહવા તથા માનવપ્રવૃત્તિઓના આધારે તેને પાંચ વિભાગમાં વહેંચવામાં  આવે છે.

1. વાયવ્ય પ્રદેશ : 1250 મિમી.થી વધુ વાર્ષિક સરેરાશ વરસાદવાળા આ ભાગમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. તેમાં લા ટ્રોબ, અલ્વરસ્ટોન, ડેવેનપૉર્ટ અને બર્ની મુખ્ય ઔદ્યોગિક શહેરો છે. તે દરિયાકિનારે આવેલાં છે તથા એકબીજાં જોડે રેલવેથી સંકળાયેલાં છે.

2. ઈશાન કિનારાનો વિસ્તાર : ઉત્તરમાં ગૉર્ડન નદી, ફ્રેન્કલિન પર્વતમાળા અને છેક દક્ષિણમાં પૂર્વ બાજુએ આર્થર પર્વતમાળાથી બનેલો છે. આ વિસ્તાર ઊંચા પર્વતોવાળો તથા વધુ વરસાદવાળો છે. દરિયાકિનારે મેદાનોનો અભાવ છે. તે ગીચ જંગલોનો વિસ્તાર છે. આર્થિક વિકાસ ખાસ થયો ન હોવાથી વસ્તીનું પ્રમાણ એકદમ ઓછું છે.

3. નૈર્ઋત્ય દિશાનો પ્રદેશ : ટાસ્માનિયા રાજ્યનો આ વિસ્તાર ઓછા વરસાદવાળો છે. અહીં મૅક્વેરી અને ઍસ્ક નદીઓ વહે છે. ખેતી અને પશુપાલન માટે તે ઉપયોગી છે. થોડાક વિસ્તારમાં બાગાયતી ખેતી થાય છે. લોસેસ્ટન, જ્યૉર્જ ટાઉન અને ટ્રેવાલિન મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો છે.

4. અગ્નિ દિશાનાં નીચાણવાળાં મેદાનો : આ વિસ્તાર ફળદ્રૂપ નદીકાંપનાં મેદાનોથી બનેલો છે. અહીં વાર્ષિક સરેરાશ 750 મિમી. વરસાદ પડે છે જે બાગાયતી ખેતીપાક માટે ઉત્તમ પ્રકારનો છે. ડરવેન્ટની ખીણ, ટાસ્માનિયા દ્વીપકલ્પ-વિસ્તાર અને બર્ની ટાપુ આ માટે જાણીતાં છે. ટાસ્માનિયાનો આ પ્રદેશ ખાસ તો સફરજન ઉપરાંત અખરોટ, પીચ, ચેરી વગેરે ફળોની પેદાશ માટે તે જાણીતો છે. ત્યાંથી મોટા પ્રમાણમાં ફળોની નિકાસ થાય છે. હોબાર્ટ, બેલેરીવ અને રીસડોન નગરો તેનાં ઔદ્યોગિક કેન્દ્રો છે.

5. મધ્યનો ઉચ્ચપ્રદેશ : જળવિભાજકનું કામ કરતો આ વિસ્તાર ચારે તરફ ઊંચીનીચી સપાટીવાળો છે. અહીં વેસ્ટર્ન માઉન્ટ નામક ઊંચો પહાડ છે જ્યાં આગળ ગ્રેટ લેક અને ઇકો લેક આવેલાં છે. આ પ્રદેશનું મહત્વ જળવિદ્યુતના ઉત્પાદન માટે છે. ટાસ્માનિયાનાં વીસ જળવિદ્યુત-મથકો અહીં વિકસ્યાં છે જે વિવિધ ખનિજો મેળવવા તથા ઉદ્યોગના વિકાસ માટે જાણીતાં છે.

ઑસ્ટ્રેલિયામાં ટાસ્માનિયા રાજ્ય જળવિદ્યુત-ઉત્પાદનમાં પ્રથમ સ્થાન પર છે. આ રાજ્યમાંથી સફરજન, માંસ, માછલી અને ડેરી-પેદાશોની નિકાસ થાય છે, જ્યારે વાહનવ્યવહારનાં સાધનો અને યાંત્રિક સામગ્રી આયાત થાય છે. રાજ્યનું પાટનગર હોબાર્ટ અગ્નિ ભાગમાં દરિયાકિનારે આવેલું છે. આ ઉપરાંત બ્રુની, લોસેસ્ટન તથા ડેવેનપૉર્ટ તેનાં મહત્વનાં શહેરો છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ