ટાલ : મોટી ઉંમરે માથા પરના વાળ ઓછા થવાથી થતી સ્થિતિ. તે મુખ્યત્વે પુરુષોમાં જોવા મળે છે અને ઉંમર વધવાની સાથે ધીમે ધીમે ઉદભવે છે. સામાન્ય રીતે માથા પરના બધા જ વાળ જતા રહેતા નથી. ટાલ પડવાની પ્રક્રિયા એટલી બધી જોવા મળે છે કે તેને ઉંમર વધવાની સાથે થતા કુદરતી ફેરફારોમાંની એક સ્થિતિ ગણવામાં આવે છે. 20થી 30 વર્ષની વ્યક્તિના માથા પરની દર ચોરસ સેન્ટિમીટર ચામડીમાં સરેરાશ 615 વાળ હોય છે, જે 50 વર્ષની ઉંમરે ઘટીને 485 જેટલા થઈ જાય છે. સામાન્ય રીતે અશ્વેત લોકોમાં ટાલ ઓછી પડે છે અને મૉંગેલોઇડ પ્રજામાં તો તે ખૂબ જ ઓછી જોવા મળે છે. વિસ્તારલક્ષી અકેશિતા (alopecia areata) નામના રોગમાં માથા પર અને ક્યારેક શરીરના અન્ય ભાગોમાં વાળ જતા રહેવાના વિસ્તારો ઉદભવે છે તેની અને ટાલ પડવાની પ્રક્રિયા બંને અલગ અલગ છે.

પુરુષોમાં મોટી ઉંમરે પડતી ટાલની એક ચોક્કસ પદ્ધતિ હોય છે. સૌપ્રથમ કપાળ મોટું થતું જાય છે અને લમણાંના વાળ ઘટે છે. તેની સાથે સાથે માથાના મધ્યભાગમાં ધીરે ધીરે વાળ ઓછા થાય છે. આવો ઘટાડો માથાના પાછલા ભાગમાં પણ દેખાય છે. સ્ત્રીઓમાં ઋતુસ્રાવ આવતો બંધ થાય ત્યારપછી ક્યારેક પુરુષો જેવી ટાલ પડે છે. 80 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં ઘણી વખત પુરુષોની માફક ટાલ પડે તથા ચહેરા પર વાળ પણ ઊગે છે. ટાલ પડવાની પ્રક્રિયાની તીવ્રતા જુદાં જુદાં કુટુંબોમાં જુદી જુદી જોવાય છે. ટાલ પડવાની સ્થિતિ સાદી સીધી રીતે નહિ પરંતુ સંકુલ રૂપે (complex) વારસાગત હોય એમ મનાય છે.

ટાલ પડવાની પ્રક્રિયા અને પુરુષોના જાતીય અંત:સ્રાવ (hormone) ટેસ્ટોસ્ટીરોન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ નથી. યૌવનારંભ (puberty) પહેલાં શુક્રપિંડ કાઢી નાખવામાં આવેલો હોય તેવી વ્યક્તિને ટાલ પડતી નથી. છતાં મોટી ઉંમરે ટેસ્ટોસ્ટીરોન આપવાથી ટાલ પડવાની પ્રક્રિયા વધુ તીવ્ર બનતી નથી. ટાલ પડી હોય તેવા પુરુષો મોટી ઉંમરે જાતીય રીતે વધુ સક્રિય હોય છે એવું પણ હોતું નથી. તેથી ટેસ્ટોસ્ટીરોનના સ્વીકારક પ્રોટીનનું પ્રમાણ ઘટવાથી ટાલ પડે છે તેવું મનાય છે. ટાલ પડે તે સ્થળે ધીમે ધીમે કેશમૂળ (hair follicle) ક્ષીણ થાય છે તેથી બિલિયર્ડના દડા જેવો દેખાવ સર્જાય છે.

ટાલ પડવાની પ્રક્રિયામાં પુરુષોના અંત:સ્રાવ (ઍન્ડ્રોજન) અને ઉંમર એમ બે ઘટકો કાર્યરત હોય છે. તેથી બાળકોમાં ઍન્ડ્રોજનનું પ્રમાણ વધુ હોય તો ટાલ પડતી નથી. વાળ ખરવાનો દર અનિયમિત રહે છે પરંતુ સમય જતાં તે કાયમી બને છે અને વધતો રહે છે. જે કેશમૂળ ગુમાવ્યાં હોય છે તે ફરીથી પાછાં આવતાં નથી.

સ્ત્રીઓમાં ક્યારેક તાવ કે પ્રસૂતિ પછી લાંબી મોટી માંદગી, કૅન્સર, મૂત્રપિંડ કે યકૃતની નિષ્ફળતામાં થાયરૉઇડ ગ્રંથિની અલ્પકાર્યતામાં, લોહ(iron)ની ઊણપ હોય ત્યારે કે કૅન્સરવિરોધી દવાઓ લીધી હોય તો લાંબા ગાળાની વ્યાપક અકેશિતા થાય છે. તેમાં લાંબા સમય સુધી માથાના ઘણા મોટા વિસ્તારના વાળ જતા રહે છે. માથાના વાળ ઊતરવાનાં અન્ય કારણોમાં વિસ્તારલક્ષી અકેશિતા, માથાની ચામડીનો ચેપ, માથાની ચામડીને ઈજા, અન્ય સ્થાનિક જન્મજાત અકેશિતા (congenital alopecia) વગેરે મુખ્ય છે. આ બધા જ વિકારોને કુદરતી કારણોસર પડતી ટાલથી અલગ પાડવામાં આવે છે.

મોટી ઉંમરે પુરુષોમાં પડતી ટાલની ખાસ વિશેષ સારવાર ઉપલબ્ધ નથી. ખોડો કે વાળમાં અતિતૈલસ્રાવતા (seborrhoea) હોય તો તેની સારવારથી ટાલ ઘટતી નથી. પગની ચામડીનું નિરોપણ, માથાની ચામડીનું વીજ-ઉત્તેજન, ઘસવાનાં તેલનો ઉપયોગ વગેરે વિવિધ પ્રકારના પ્રયોગો કરાય છે. માથાના છેક પાછલા વધુ વાળવાળી ચામડીનું ટાલની જગ્યાએ નિરોપણ કરવાની શસ્ત્રક્રિયા ઘણી જ ખર્ચાળ પડે છે. સ્થાનિક ઍન્ડ્રોજન-વિરોધી દવાઓના મલમનો ક્યારેક ઉપયોગ કરાય છે. સ્ત્રીઓમાં સિપ્રોટેરોત નામની પ્રતિ-ઍન્ડ્રોજન દવાના પ્રયોગો થયેલા છે.

શિલીન નં. શુક્લ

રામગોપાલ ર. ગુપ્તા