ટાર્ટરિક ઍસિડ (ડાયહાઇડ્રૉક્સિ સક્સીનિક ઍસિડ) (2, 3 ડાયહાઇડ્રૉક્સિ બ્યૂટેન ડાયઓઇક ઍસિડ) : એકસરખા બે અસમ કાર્બન પરમાણુઓ ધરાવતો હોવાથી ચાર સમઘટકો રૂપે મળતો એલિફૅટિક ઍસિડ. તેના ચાર સમઘટકોમાંના બે પ્રકાશક્રિયાશીલ અને બે અપ્રકાશક્રિયાશીલ હોય છે. તેનું સૂત્ર HOOC·CH(OH)·CH(OH)·COOH છે.

ટાર્ટર પ્રાચીન રોમન તથા ગ્રીકોમાં જાણીતું હતું. સૌપ્રથમ 1769માં શીલેએ તેને શુદ્ધ સ્વરૂપમાં મેળવ્યું હતું. દ્રાક્ષના રસના આથવણના છેલ્લા તબક્કામાં તે અશુદ્ધ આર્ગૉલ અથવા પોટૅશિયમ હાઇડ્રોજન ટાર્ટરેટના અવક્ષેપ રૂપે મળે છે. આ ક્ષારમાંથી ઔદ્યોગિક ટાર્ટરિક ઍસિડ મેળવાય છે. અશુદ્ધ આર્ગૉલનું ગરમ પાણીમાં સ્ફટિકીકરણ કરી શુદ્ધ બનાવી તેને ચૉકના દ્રાવણ સાથે ગરમ કરતાં કૅલ્શિયમ ટાર્ટરેટ અવક્ષેપ રૂપે મળે છે. મંદ સલ્ફ્યૂરિક ઍસિડ દ્વારા તેમાંથી શુદ્ધ ટાર્ટરિક ઍસિડ મળે છે. તેના મોટા પારદર્શક સ્ફટિકો બને છે અને તે પાણી તથા આલ્કોહૉલમાં દ્રાવ્ય તથા ઈથરમાં અદ્રાવ્ય હોય છે. તેનું ગ. બિં. 167° સે. છે. આ ઍસિડ વડે સામાન્ય ક્ષારો ઉપરાંત હાઇડ્રોજન-ક્ષારો બને છે. ઍસિડ પોટૅશિયમ ક્ષારને ક્રીમ ઑવ્ ટાર્ટર તથા પોટૅશિયમ સોડિયમ ક્ષારને રોશેલ ક્ષાર કહે છે. ઍન્ટિમની પોટૅશિયમ ટાર્ટરેટને ટાર્ટર ઇમેટિક કહે છે. વિવિધ પ્રકારનાં ટાર્ટરિક ઍસિડના ભૌતિક ગુણધર્મો સારણીમાં દર્શાવ્યા છે.

સારણી : ટાર્ટરિક ઍસિડના સમઘટકોના ગુણધર્મો

ઍસિડ . બિંસે. 20 % જલીય

દ્રાવણનું પ્રકાશ

ધ્રુવણ]25D

દ્રાવ્યતા ગ્રા./

100 ગ્રા.પાણી

(15° સે.)

d-(દક્ષિણ) ભ્રમણીય 170° +12° 130
l-(વામ) ભ્રમણીય 170° –12° 139
dl – રૅસેમિક 206°(નિર્જળ) બિનપ્રકાશક્રિયાશીલ 20.6
મેસો (m–) 140°(નિર્જળ) ’’ 125

દક્ષિણ ભ્રમણીય, d અથવા (+), ટાર્ટરિક ઍસિડ પાણીમાં અતિદ્રાવ્ય છે. વામભ્રમણીય, l અથવા (–) ટાર્ટરિક ઍસિડ રૅસેમિક ઍસિડનાં સિંકોનિન લવણોનું વિભાગીય સ્ફટિકીકરણ કરી મેળવાય છે. રૅસેમિક dl અથવા (τ) ટાર્ટરિક ઍસિડ બે પ્રકાશક્રિયાશીલ ઘટકોનું બનેલું સંયોજન છે. તેનું ગ. બિં. 273° સે. (1 H2O); ગ. બિં. 205° સે. (નિર્જળ), (+) ઘટક કરતાં પાણીમાં ઓછું દ્રાવ્ય. (+) ટાર્ટરિક ઍસિડને 30 % NaOH દ્રાવણ સાથે ઉકાળતાં મેસોટાર્ટરિક ઍસિડ સાથે રૅસેમિક ઍસિડ બને છે. ફ્યૂમારિક ઍસિડના ઉપચયનથી પણ રૅસેમિક ઍસિડ મળે છે. પોટૅશિયમ હાઇડ્રોજન રૅસેમેટ પાણીમાં ખૂબ અદ્રાવ્ય છે.

મેસોટાર્ટરિક ઍસિડમાંથી પાણી સાથે સ્ફટિક મળે છે. તે પાણીમાં સુદ્રાવ્ય છે. રૅસેમિક ઍસિડ મેળવ્યા પછી બાકી રહેતા માતૃદ્રવમાંથી મેસોઍસિડ મળે છે. મલેઇક  ઍસિડના ઉપચયન દ્વારા પણ તે મેળવી શકાય છે.

ટાર્ટરિક ઍસિડનો ઉપયોગ ઊભરો લાવનારાં પીણાં, કાપડ–ઉદ્યોગ, રંગાટી કામ તથા ધાતુશુદ્ધિ માટે થાય છે. બેકિંગ પાઉડર તરીકે પણ તે વપરાય છે. જિલેટીન, મીઠાઈ જેવી વાનગી તથા ફ્રૂટ-જેલીમાં પણ તે વપરાય છે. ધાતુ-પૉલિશ, કાપડ છાપકામ, ઊન-રંગાઈ તથા ફોટોગ્રાફિક પ્રિન્ટિંગ તથા ડેવલપિંગમાં વપરાય છે. રૉશેલ ક્ષાર અરીસાને ચાંદી લગાડવા, પનીર બનાવવા તથા મંદ વિરેચક તરીકે વપરાય છે. ક્રીમ ઑવ્ ટાર્ટર બેકિંગ, કૅન્ડી–ઉદ્યોગ, પિત્તળ-પૉલિશ, લોખંડ તથા સ્ટીલના ઇલેક્ટ્રૉ-ટિનિંગ માટે વપરાય છે. ટાર્ટર ઇમેટિક જંતુઘ્ન તરીકે તથા પાકા રંગદ્રવ્ય (મોરડન્ટ ડાઇંગ) તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી