ટાગોર, સર સૌરિન્દ્રમોહન

January, 2014

ટાગોર, સર સૌરિન્દ્રમોહન (જ. 1840; અ. 28 જૂન 1914) : ભારતના સંગીતશાસ્ત્રી. બંગાળના ટાગોર પરિવારની અનેક સર્જક પ્રતિભાઓ પૈકી સંગીતક્ષેત્રે સૌરિન્દ્રમોહનનું નામ આગળ પડતું છે. ‘રાજા’ પદથી જાણીતા શ્રીમંત કુટુંબમાં તેમનો જન્મ. સંગીત પ્રત્યે બાળપણથી જ આકર્ષણ. અનુકૂળતા પ્રાપ્ત થતાં નાની વયથી જ તેમણે તેનો પદ્ધતિસરનો અભ્યાસ આરંભ્યો. કૉલકાતાની હિંદુ કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. બંગાળના વિશિષ્ટ સંગીત  ઉપરાંત પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ પણ કર્યો. સંગીતપ્રસાર માટે તેમણે 1871માં બંગાળી સંગીત વિદ્યાલયની સ્થાપના કરી. 1881માં બંગાળ સંગીત અકાદમીની સ્થાપના કરી. ધીરે ધીરે તેમની સંગીતસાધના જીવનસાધના બનતી ગઈ. સંગીતના ઉદગમને સમજવાના ઉદ્દેશથી તેમણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને સંગીતના પ્રાચીન ગ્રંથોનો પરિચય કેળવ્યો. પોતાના પુસ્તકાલયને સંગીતશાસ્ત્રના ગ્રંથો વસાવીને સમૃદ્ધ કર્યું. સમય સાથે તેમની સાધના ઘનિષ્ઠ બની. સંગીતના વધારે અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી 1896માં પ્રાપ્ત કરી. ત્યાંથી તેઓ અમેરિકા ગયા. ત્યાં ફિલાડેલ્ફિયા અને યુટ્રૅક્ટ યુનિવર્સિટીમાં રહી અભ્યાસ આગળ વધાર્યો. સ્વદેશ આવી વધારે ઉત્સાહથી સંગીતપ્રસારના કાર્યમાં લાગી ગયા. સંગીતના ક્ષેત્રમાં વિવિધ વિષયો પર 60 જેટલા ગ્રંથો લખ્યા. સંસ્કૃતાદિ ભાષાઓનાં ઉત્તમ પુસ્તકોનું ભાષાંતર કર્યું. વાદ્યો વિશે પણ અભ્યાસપૂર્ણ ગ્રંથો લખી તેમણે પોતે પ્રકાશન કર્યું. ભારતીય સંગીત માટે સંકેતચિહનો યોજ્યાં. સંગીતક્ષેત્રે ઉત્તમ પ્રદાન માટે અંગ્રેજી શાસને તેમને ‘સર’નો ખિતાબ આપ્યો હતો. આ સિવાય તેમને સંખ્યાબંધ માનાર્હ પદવીઓ તથા સન્માનો મળ્યાં હતાં.

બંસીધર શુક્લ