ટાગોર, રવીન્દ્રનાથ

January, 2014

ટાગોર, રવીન્દ્રનાથ

(જ. 7 મે 1861, કૉલકાતા; અ. 7 ઑગસ્ટ 1941, કૉલકાતા)

આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ. 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરી, વિશ્વકવિ તરીકે પ્રતિષ્ઠિત. વિખ્યાત ચિત્રકાર અને ‘રવીન્દ્રસંગીત’ના પ્રવર્તક. પ્રકૃતિની સંનિધિમાં શાંતિનિકેતનમાં શિક્ષણ આપવાનો પ્રયોગ કરનાર વિશિષ્ટ કેળવણીકાર. ભારતને રાષ્ટ્રગીત આપનાર મહાન દેશભક્ત.

મૂળ અટક ઠાકુર. જન્મ કૉલકાતામાં તેમના પૈતૃક આવાસ જોડાસાંકોની ઠાકુરવાડીમાં. પિતા મહર્ષિ દેવેન્દ્રનાથનું ચૌદમું સંતાન હતા. માતા શારદામણિદેવી. ઠાકુરવાડીમાં બંગાળના વિખ્યાત સંગીતકારો, વિદ્વાનો, લેખકો અને કળાકારોની અવરજવર રહેતી.

રવીન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથને ભણવા માટે સૌપ્રથમ ઓરિયેન્ટલ સેમિનરીમાં દાખલ કરવામાં આવ્યા. સાતમે વર્ષે બ્રિટિશ પરંપરાની નૉર્મલ સ્કૂલમાં ભણવા ગયા, ત્યાં પણ  એમને ફાવ્યું નહિ; પરંતુ ઘરે દરેક વિષયના શિક્ષકો ભણાવવા આવે. પહેલવાન સાથે કુસ્તી લડી એ માટીવાળા શરીરે પછી શરીરવિજ્ઞાન, ‘મેઘનાદવધ’ જેવું કાવ્ય, ભૂમિતિ, ભૂગોળ વગેરે વિષયો શીખવા પડતા; ચિત્રકળા, સંગીત પણ ખરાં.

બહુ નાની વયથી કવિને છંદોલયનું આકર્ષણ થયેલું. હજી તો કક્કો-બારાખડી ઉકેલે ત્યાં ‘જલ પડે/પાતા નડે’ (પાણી પડે છે, પાંદડું હલે છે) વાંચતાં તો એ લીટીના પ્રાસે શિશુકાનને સાવધ કરેલા. એમના એક ભાણેજ જ્યોતિપ્રકાશે ચૌદ અક્ષરના પયાર છંદની પદ્ધતિ એમને સમજાવી અને પછી તો શિશુ કવિની ભૂરા પૂઠાની નોટબુક કાવ્યરચનાઓથી ભરાવા લાગી. 1872માં રવીન્દ્રનાથને જ્યારે અગિયારમું વર્ષ ચાલતું હતું ત્યારે મહર્ષિની દેખરેખમાં બીજા બે ભાઈઓ સાથે તેમના ઉપનયન સંસ્કાર થયા. પછી દેવેન્દ્રનાથ સાથે હિમાલયની યાત્રાએ જતાં વચ્ચે બોલપુરના રોકાણમાં શાંતિનિકેતનની કુઠીવાડીમાં રવીન્દ્રનાથે ‘પૃથ્વીરાજ પરાજય’ નામે વીરરસની કવિતા લખી નાખેલી (જે પછી ખોવાઈ ગઈ). એ વખતે પિતા સાથે કરેલી હિમાલયયાત્રાનો ચિર પ્રભાવ કવિની સર્જક ચેતના પર પડેલો છે.

કિશોર રવિને વિશાળ વાચને એક નવી જ અભિજ્ઞતા આપી. એ વખતે શરૂ થયેલા ‘હિંદુ મેલા’(સ્થાપના 1867)માં રવીન્દ્રનાથે એક સ્વદેશપ્રેમનું ગીત રજૂ કરેલું, જે પછી ‘અમૃતબજાર પત્રિકા’માં તેમના નામ સાથે છપાયું. એ પહેલાં ‘અભિલાષ’ નામે તેમની એક કાવ્યરચના નામ વિના પ્રકટ થયેલી. ચૌદમે વર્ષે રવીન્દ્રનાથ નિશાળમાંથી ઊઠી ગયા. થોડા દિવસ તે પોતાના મોટા ભાઈ સત્યેન્દ્રનાથની પાસે અમદાવાદના શાહી મહેલમાં રહેલા. અહીં તેમનું પ્રથમ સૂર સાથેનું ગીત રચાયેલું અને ‘ક્ષુધિત પાષાણ’ નામની વાર્તા લખવાની પછીથી પ્રેરણા મળી. અમદાવાદથી થોડો વખત તેઓ પશ્ચિમની રીતભાત શીખવા મુંબઈ ખ્રિસ્તી થયેલા એક મરાઠી તરખજા કુટુંબમાં વસવા ગયા, જ્યાં રવિથી વયે મોટી એના સાથે અંતરંગ પરિચય થયો. એ એના વિશે તેમણે મર્મસ્પર્શી કાવ્યરચનાઓ કરી છે.

1878માં તેમના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ સાથે રવીન્દ્રનાથ ઇંગ્લૅન્ડ ભણવા પહોંચ્યા; પરંતુ 17 મહિના પછી કોઈ ડિગ્રી મેળવ્યા વિના જ ભારત પાછા ફર્યા. ઇંગ્લૅન્ડમાં તેમણે ‘ભગ્નહૃદય’ નામે ગીતિનાટ્ય લખવાનું શરૂ કરેલું. હવે તેઓ પોતાનો બધો સમય કવિતા લખવા પાછળ આપતા. ‘વાલ્મીકિપ્રતિભા’ નામે સંગીતનાટકની રચના થઈ અને જોડાસાંકો ઠાકુરવાડીના રંગમંચ પર ભજવાઈ પણ ખરી. વાલ્મીકિનો પાઠ રવીન્દ્રનાથે ભજવેલો. વિલાયતથી આવ્યા પછી રવીન્દ્રનાથને એક આધ્યાત્મિક અનુભવ થયો, જેને પરિણામે ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ કવિતા રચાઈ. આ અરસામાં ‘સંધ્યાસંગીત’ (1882), ‘પ્રભાતસંગીત’ (1883) સંગ્રહો પ્રકટ થતાં તેઓ કવિ તરીકે સ્થાપિત થયા. તેમના મોટા ભાઈ જ્યોતિરિન્દ્રનાથ અને ભાભી કાદંબરીદેવીનાં સાન્નિધ્ય અને પ્રોત્સાહનનો ઊગતા કવિને પુષ્કળ લાભ મળ્યો. 1883માં 22 વર્ષની વયે રવીન્દ્રનાથનું 10 વર્ષનાં મૃણાલિનીદેવી સાથે લગ્ન થયું. પરંતુ તે પછીના વર્ષે તેમનાં ભાભી કાદંબરીદેવીની આત્મહત્યાથી રવીન્દ્રનાથે ભારે આઘાત અનુભવ્યો. 1890માં ‘માનસી’ સંગ્રહ પ્રકટ થયો.

1891માં પિતા દેવેન્દ્રનાથે રવીન્દ્રનાથને તેમની જમીનદારીનો વહીવટ સંભાળવા પદ્માને કિનારે આવેલી તેમની જાગીરને સ્થળે શિલાઇદહ (હાલ બાંગ્લાદેશમાં) મોકલ્યા. શિલાઇદહમાં મોટેભાગે તેઓ હાઉસબોટમાં રહેતા અને વહીવટનાં કામો પછીનો બધો સમય વાંચવાલખવામાં પસાર કરતા. અહીં તેઓ પહેલી વાર સામાન્ય જનજીવનના નિકટ સંપર્કમાં આવ્યા. તેમણે બાઉલ ભજનિકોને સાંભળ્યા, લોકગીતો સાંભળ્યાં – આ બધું તેમની રચનાઓમાં, ખાસ તો તેમની વાર્તાઓમાં પ્રતિબિંબિત થાય છે. આ ગાળા દરમિયાન તપોવનની સંસ્કૃતિની પુન:સ્થાપના માટે કવિ સ્વપ્નાં જોવા લાગ્યા.

રવીન્દ્રનાથ ટાગોરનું નિવાસસ્થાન ‘ઉત્તરાયન’

1901નું વર્ષ રવીન્દ્રનાથના જીવનમાં જ નહિ ભારતીય કેળવણીના ઇતિહાસમાં પણ અતિ મહત્ત્વનું છે. શિલાઇદહની જાગીરદારીનો વહીવટ છોડી રવીન્દ્રનાથે તેમના પિતા દેવેન્દ્રનાથે જે સ્થળે 1863માં શાંતિનિકેતનની સ્થાપના કરી હતી, ત્યાં બોલપુરમાં બ્રહ્મચર્યાશ્રમ નામથી એક શાળાની શરૂઆત 22મી ડિસેમ્બર, 1901માં, તેમના જ્યેષ્ઠ પુત્ર સમેત પાંચ છાત્રો સાથે અને પાંચ શિક્ષકો સાથે કરી. આર્થિક મુશ્કેલીઓમાં કવિપત્નીએ પોતાનાં ઘરેણાં પણ શાળા ચલાવવામાં દીધેલાં. રવીન્દ્રનાથ પોતે જ એક શિક્ષક. પ્રકૃતિને ખોળે શિક્ષણ સાથે ચિત્રકલા, સંગીત વગેરે ઉપરાંત હાથકારીગરીની વસ્તુઓ પણ શીખવવામાં આવતી. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણપદ્ધતિ શરૂ કરી, તે પહેલાં શાંતિનિકેતનમાં તેની શરૂઆત થઈ હતી. વર્ગો વૃક્ષોની છાયામાં લેવાતા. છાત્રોના સ્વતંત્ર વ્યક્તિત્વના વિકાસ પર ધ્યાન અપાતું.

1901માં રવીન્દ્રનાથનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ ‘નૈવેદ્ય’ પણ પ્રકટ થયો, જે એમના પિતા દેવેન્દ્રનાથને સમર્પિત થયો છે. 1902માં તેમનાં પત્ની મૃણાલિનીદેવીનું અવસાન થયું, 1903માં દીકરી રેણુકા 13 વર્ષની વયે ક્ષયરોગમાં મૃત્યુ પામી. રેણુકાના મૃત્યુના ચાર મહિના પછી તેમનો પુત્રવત્ પ્રિય શિષ્ય અને આશાસ્પદ કવિ સતીશ ગુજરી ગયો. 1905માં 80 વર્ષની પાકટ વયે દેવેન્દ્રનાથ પરલોક સિધાવ્યા. 1907માં તેમના સૌથી નાના પુત્ર શમીન્દ્રનું અવસાન કૌટુંબિક આપત્તિની ચરમસીમા હતી. એક દાયકામાં આટલાં બધાં મૃત્યુએ કવિને જાણે કસોટીની સરાણે ચડાવ્યા. ‘તબે તાઇ હોક’ – ભલે, તો તેમ થાઓ – કહી ઈશ્વરપ્રદત્ત એ વેદનાઓ કવિએ જાણે માથે ચડાવી. એમની એ દિવસોની કવિતા ઈશ્વરને અર્ઘ્ય રૂપે ઊતરી આવી, એ જ ‘ગીતાંજલિ’ (1910).

1905ના બંગભંગના આંદોલનમાં કવિએ સક્રિય ભાગ લીધો અને અનેક પ્રેરક ગીતોથી બંગાળના યુવાવર્ગને પ્રેરણા આપી; પણ સક્રિય રાજકારણ અનુકૂળ ન આવતાં તેઓ પાછા શાંતિનિકેતનમાં પોતાની શિક્ષણ અને સાહિત્યની સાધનામાં લાગી ગયા. ‘ભારતવર્ષેર ઇતિહાસેર ધારા’ રૂપે 1912માં એ વિશે તેમણે કૉલકાતામાં પ્રવચન આપ્યું અને એ જ વર્ષે લખ્યું આપણું રાષ્ટ્રગીત ‘જનગણમનઅધિનાયક’. બંગાળી ‘ગીતાંજલિ’ અને બીજા કેટલાક સંગ્રહોમાંથી પસંદ કરેલાં કેટલાંક ગીતોનો કવિએ માંદગીના દિવસો પછીના આરામમાં શિલાઇદહમાં અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને એની હસ્તપ્રત 1912માં ઇંગ્લૅન્ડ પ્રવાસ વખતે પોતાની સાથે લઈ ગયા. ચિત્રકાર મિત્ર રોધેનસ્ટાઇને લંડનમાં એના વાચનની બેઠક ગોઠવી અને તે અંગ્રેજી અનુવાદ 1912માં લંડનની ઇન્ડિયા સોસાયટી તરફથી યેટ્સની ભૂમિકા સાથે પ્રકટ થયો. એ જ વર્ષે તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો. 1913માં અંગ્રેજી ‘ગીતાંજલિ’ને નોબેલ પુરસ્કાર મળવાની ઘોષણા થતાં ‘ગીતાંજલિ’નું વિશ્વના ખૂણેખૂણેથી સ્વાગત થયું. એનો ફ્રેન્ચ અનુવાદ નોબેલ પુરસ્કાર વિજેતા આન્દ્રે જીદે કર્યો અને સ્પૅનિશ અનુવાદ પણ પછીથી નોબેલ પુરસ્કાર વિજેતા હિમેનેથે કરેલો છે. 1914માં બ્રિટિશ સરકારે રવીન્દ્રનાથને ‘સર’નો ઇલકાબ આપી સમ્માનિત કર્યા.

આઇન્સ્ટાઇન સાથે રવીન્દ્રનાથ ટાગોર

1915ના માર્ચમાં રવીન્દ્રનાથ અને ગાંધીજીનું શાંતિનિકેતનમાં મિલન થયું.

1916માં તેમણે જાપાન અને અમેરિકાનો બીજી વાર પ્રવાસ કર્યો. અમેરિકાની યાત્રા એક રીતે વ્યાખ્યાનયાત્રા હતી. ‘નૅશનાલિઝમ’ – રાષ્ટ્રવાદ વિશેના એમના વિચારો સંકુચિત રાષ્ટ્રવાદ પર નભતા દેશોને સદે એમ નહોતા.

1919માં જલિયાંવાલા હત્યાકાંડથી વ્યગ્ર થયેલા કવિએ શહેનશાહને પત્ર લખી પોતાને મળેલો ‘સર’નો ઇલકાબ પાછો મોકલ્યો. 1920–21ના વર્ષમાં તેમણે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, અમેરિકા, સ્વિટ્ઝર્લૅન્ડ, સ્વીડન, જર્મની, ઑસ્ટ્રેલિયા, ચેકોસ્લોવૅકિયા આદિ દેશોમાં પ્રવાસ કર્યો અને વ્યાખ્યાનો આપ્યાં. કવિ જાણે હવે ઉપદેષ્ટાનો પાઠ ભજવી રહ્યા હતા. 1921ના ડિસેમ્બરની 23મી તારીખે ‘यत्र विश्वं भवत्येकनीडम्’ના ધ્યેયમંત્ર સાથે શાંતિનિકેતનમાં વિશ્વભારતી(યુનિવર્સિટી)ની સ્થાપના કરી. બીજે જ વર્ષે ગ્રામસુધારણાનો કાર્યક્રમ કેન્દ્રમાં રાખી શ્રીનિકેતનની શરૂઆત કરી. 1924માં ચીન-જાપાનનો પ્રવાસ કર્યો. એ પછી દક્ષિણ અમેરિકાના પેરુમાંથી એ દેશની સ્વતંત્રતાની શતાબ્દીના ઉત્સવમાં ભાગ લેવા નિમંત્રણ મળતાં રવીન્દ્રનાથ ત્યાં જવા નીકળ્યા, પણ યાત્રા દરમિયાન એકાએક માંદા પડી જતાં બ્વાનસેરીઝમાં સ્પૅનિશ કવયિત્રી અને રવીન્દ્રનાથનાં પ્રશંસક વિક્ટોરિયા ઓકામ્પોએ સાન ઇસિજોરાના એક મહાલયમાં કવિને રાખી તેમની પરિચર્યા કરી. રવીન્દ્રનાથે વિક્ટોરિયાને વહાલભર્યું ‘વિજયા’નું નામ આપ્યું. તેમણે પોતાનો એક સંગ્રહ ‘પૂરબી’ એમને અર્પણ કર્યો છે. 1925ના જાન્યુઆરીમાં બ્વાનસેરીઝથી મુસોલિનીના ઇટાલીની મુલાકાત લઈ રવીન્દ્રનાથ ભારત પાછા આવ્યા. એ જ વર્ષે મહાત્મા ગાંધીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી. ચરખો અને ખાદી સ્વરાજ્યપ્રાપ્તિનો માર્ગ છે, એ વિચાર ગાંધીજી કવિને ઠસાવવા માગતા હતા, પરંતુ રવીન્દ્રનાથે ‘ધ કલ્ટ ઑવ્ ચરખા’ નામે નિબંધ લખી પોતાનો ર્દષ્ટિકોણ ‘મૉડર્ન રિવ્યૂ’માં પ્રકટ કર્યો. એ લેખમાં ગાંધીજીના વિચારો સાથેનો એમનો મતભેદ છતો થતો હતો. એ રીતે ગાંધીજીએ રાજા રામમોહન રાય વિશે ‘પિગ્મી’ (ઠિંગુજી) શબ્દના કરેલા પ્રયોગથી રવીન્દ્રનાથ અત્યંત દુ:ખી થયા હતા અને એમણે ગાંધીજીનો સાદર વિરોધ કરેલો. આ વિવાદ છતાં આ મહાન વિભૂતિઓનો પરસ્પરનો આદર છેક સુધી અકબંધ રહ્યો હતો. 1926માં રવીન્દ્રનાથે યુરોપના દેશોની તથા ઇજિપ્તની મુલાકાત લીધી. 1927માં અગ્નિ એશિયાના દેશો સિંગાપોર, ઇન્ડોનેશિયા, બાલિ અને થાઇલૅન્ડનો પ્રવાસ કર્યો.

1928માં કવિએ હાથમાં પીંછી લીધી. તેમની સર્જનાત્મકતાની આ નવી દિશા હતી. 1930ના મે માસમાં પૅરિસમાં વિક્ટોરિયા ઓકામ્પોની સહાયતાથી તેમનાં ચિત્રોનું પ્રદર્શન થયું અને તે પછી યુરોપનાં અનેક શહેરોમાં તેમનાં ચિત્રો પ્રદર્શિત થયાં. પૅરિસમાં તેઓ અનેક મનીષીઓને મળ્યા. એ પછી ઑક્સફર્ડમાં ‘ધ રિલિજિયન ઑવ્ મૅન’ વિશે હિબર્ટ વ્યાખ્યાનો આપ્યાં. ત્યાંથી તેઓ જર્મની ગયા. યુદ્ધ પૂર્વેના જર્મનીમાં તેમનો અદભુત સત્કાર થયો. અહીં જોયેલા ઈસુ ખ્રિસ્ત વિશેના એક ‘પૅશન પ્લે’થી પ્રેરાઈ તેમણે અંગ્રેજીમાં સીધી ‘ધ ચાઇલ્ડ’ નામે રચના કરી, જે પછી તેમણે જ ‘શિશુતીર્થ’ નામે બંગાળીમાં રૂપાંતરિત કરી. આ વખતે રવીન્દ્રનાથે રશિયાની પણ મુલાકાત લીધી. ક્રાંતિ પછીના રશિયાની પ્રગતિથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. તે પછી જર્મની થઈ રવીન્દ્રનાથે અમેરિકાની વ્યાખ્યાનયાત્રા કરી. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો પણ ત્યાં ભરાયાં. 1931માં લંડન થઈ કવિ ભારત પાછા વળ્યા. પશ્ચિમના દેશોની તેમની આ છેલ્લી યાત્રા હતી.

દરમિયાન દેશમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વતંત્રતાનું આંદોલન જોરશોરથી ચાલતું હતું. 1930ના દાંડી સત્યાગ્રહે આખા દેશને જાગ્રત કરી દીધો હતો. 1932માં દેશમાં રવીન્દ્રનાથના અભિનંદનનો કૉલકાતામાં સમારોહ યોજાયો હતો અને રામાનંદ ચટ્ટોપાધ્યાયે ‘ધ ગોલ્ડન બુક ઑવ્ ટાગોર’નું સંપાદન કરેલું, તેવે વખતે ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પાછા ફરેલા મહાત્મા ગાંધીની 1932ના જાન્યુઆરીની ચોથી તારીખે ધરપકડ થયાના અને પ્રજા પર વીંઝાતા દમનના કોરડાના સમાચાર આવ્યા. અંગ્રેજોની ન્યાયબુદ્ધિમાં શ્રદ્ધા ધરાવતા કવિએ બ્રિટિશ વડાપ્રધાનને પત્ર લખ્યો, એક જાહેર નિવેદન પણ બહાર પાડ્યું; પરંતુ સરકારે જાહેર કરેલી પ્રેસ સેન્સરશિપને કારણે તે છપાયું નહિ. એ વખતે વ્યાકુળ થયેલા કવિએ ‘પ્રશ્ન’ નામે કવિતાની રચના કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. એ પછી કવિએ નિમંત્રણ મળતાં  ઈરાન-ઇરાકની મુલાકાત  પણ લીધી.

1932માં હરિજનોને હિંદુઓથી જુદા ગણવાના અને એ રીતે વિભેદ સર્જવાના મૅકડોનલ્ડ ઍવૉર્ડના વિરોધમાં ગાંધીજીએ ઉપવાસ પર ઊતરવાનો નિર્ણય કર્યો અને એ માટે ગુરુદેવના આશીર્વાદ માગ્યા. એ પત્ર મળે તે પહેલાં ગુરુદેવે તાર કરી દીધો હતો અને ગાંધીજીનું કહેણ મળતાં તેઓ જાતે મહાત્માજીને મળવા પુણે થઈ યરવડા જેલમાં પહોંચી ગયા. એ જ વખતે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચતાં ગુરુદેવની હાજરીમાં ગાંધીજીએ પોતાના ઉપવાસનાં પારણાં કર્યાં. પરંતુ 15 જાન્યુઆરીએ બિહારમાં થયેલા ધરતીકંપને જ્યારે ગાંધીજીએ અસ્પૃશ્યતાના પાપને કારણે એ થયો છે એવી ઘોષણા કરી, ત્યારે રવીન્દ્રનાથે આવી અંધશ્રદ્ધાભરી માન્યતા વૈજ્ઞાનિક તર્કબુદ્ધિનો અભાવ બતાવે છે એમ કહી ગાંધીજીનો જાહેર વિરોધ પણ કર્યો.

શાંતિનિકેતન અને વિશ્વભારતીની વધતી જતી પ્રવૃત્તિઓ માટે આર્થિક જોગવાઈઓ કરવાનું અઘરું બની ગયું હતું. એટલે ફંડ એકત્રિત કરવા તેમણે શાંતિનિકેતનની કલામંડળી સાથે દેશમાં પોતાનાં નૃત્યનાટકોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું. પહેલો કાર્યક્રમ મુંબઈમાં થયો, પછી 1934ના મે-જૂનમાં સિલોન(શ્રીલંકા)માં.

શાંતિનિકેતનમાં અધ્યાપનકાર્યમા વ્યસ્ત ટાગોર

1936ના માર્ચમાં આ સાંસ્કૃતિક યાત્રામાં તેમની મંડળી દિલ્હી આવી પહોંચી. એ વખતે ગાંધીજી દિલ્હીમાં હતા. વિશ્વભારતી માટે આ રીતે રવીન્દ્રનાથને સ્વાસ્થ્યને ભોગે પણ ફંડ માટે કાર્યક્રમો કરવા પડે છે, તે જોઈ તે અત્યંત વ્યથિત થયા. તેમણે વિશ્વભારતીની એ વખતની જરૂરિયાત પ્રમાણે સાઠ હજાર રૂપિયાનો ચેક ગુરુદેવના હાથમાં મૂકી હવે પછીના કાર્યક્રમો રદ કરવા આગ્રહ કર્યો. ગાંધીજીના આ સદભાવે ગુરુદેવને ગદગદિત કર્યા. ગાંધીજીની વાત એમણે એ વખતે માની, પણ કવિને તો આ બધા કાર્યક્રમોમાંથી સર્જનાત્મક આનંદ મળતો હતો.

1937માં કલકત્તા યુનિવર્સિટીનું દીક્ષાન્ત પ્રવચન આપ્યું અને એ વર્ષે શાંતિનિકેતનમાં ભારતના ચીન વિશેના અભ્યાસના પ્રથમ કેન્દ્ર ‘ચીનાભવન’ની સ્થાપના કરી. આરામ માટે એ વર્ષનો ઉનાળો હિમાલયના અલમોડામાં પસાર કર્યો, ત્યાં તેમણે ‘વિશ્વપરિચય’ નામે વિજ્ઞાનનું પુસ્તક લખ્યું. પણ ત્યાંથી આવ્યા પછી ગંભીર માંદગીમાં પટકાયા. તે વખતે કુશળ તબીબોની પરિચર્યાથી માંદગીમાંથી બહાર  આવ્યા. કાલિમ્પોંગના મંગ પૂમાં થોડા માસ મૈત્રેયીદેવીને ત્યાં રહ્યા.

1940ના ફેબ્રુઆરીમાં કસ્તૂરબા સાથે ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી. આમ્રકુંજમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’નું આ છેલ્લું મિલન હતું. એ રાત્રે ‘ચંડાલિકા’ ભજવવામાં આવ્યું. ગાંધીજીની વિદાયવેળાએ રવીન્દ્રનાથે તેમના હાથમાં એક પત્ર મૂક્યો. ઉપર લખ્યું હતું : ‘ગાડીમાં વાંચવો.’ તે પત્રમાં વિશ્વભારતી અને શાંતિનિકેતનને અપનાવી લઈ ભવિષ્યમાં તેનું જતન કરવાની ગાંધીજીને વિનંતી હતી. ગાંધીજીએ તરત જ જવાબ આપ્યો : ‘‘સંસ્થાનું જતન કરનારો હું તે કોણ ? ઈશ્વરના જતન હેઠળ એ છે.’’ પછી ગાંધીજીની ખાતરીના શબ્દો હતા કે, ‘મારાથી શક્ય તે બધું હું કરીશ. આ પત્ર એનો આરંભ છે.’’ એપ્રિલમાં દીનબંધુ ચાર્લ્સ ઍન્ડ્રૂઝનું અવસાન થતાં રવીન્દ્રનાથે એક પરમ મિત્રને ગુમાવ્યો.

ઑક્સફર્ડ યુનિવર્સિટીની ડી.લિટ.ની પદવીથી સંમાનિત રવીન્દ્રનાથ ટાગોર

1940ની 7મી ઑગસ્ટે ઑક્સફર્ડ યુનિવર્સિટીએ શાંતિનિકેતનમાં ખાસ દીક્ષાન્ત સમારંભ ગોઠવી રવીન્દ્રનાથને ‘ડૉક્ટરેટ’ની માનાર્હ ઉપાધિ પ્રદાન કરી. જીવનના આખરી દિવસોમાં ‘છેલેબૅલા’ નામે પુસ્તકમાં કવિએ બચપણની સ્મૃતિઓ લખી ! 14મી એપ્રિલ, 1941માં કવિએ ‘સભ્યતાર સંકટ’ (Crisis in Civilization) નામે છેલ્લું જાહેર પ્રવચન આપ્યું. છેલ્લા જન્મદિનના ત્રણ દિવસ પહેલાં છેલ્લું ગીત રચ્યું, જેમાં ભાવ છે કે મેં હતું તે સર્વ વિશ્વને આપી દીધું છે, માગું છું ‘થોડો પ્રેમ, થોડી ક્ષમા !’

1941ની 7મી ઑગસ્ટની મધ્યાહનવેળાએ કવિએ, જે જોડાસાંકોની ઠાકુરવાડીમાં પહેલી વાર આંખો ખોલી હતી, ત્યાં 80 વર્ષે છેલ્લો શ્વાસ લીધો.

રવીન્દ્રનાથે સાહિત્યનાં બધાં સ્વરૂપો ખેડ્યાં હોવા છતાં કવિ તરીકે તે વિશેષ જાણીતા થયા છે. 14મા વર્ષે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વનફૂલ’ (1880) પ્રકટ થયો. વિશ્વપ્રકૃતિ સાથે માનવપ્રકૃતિની વાત પોતાની પરવર્તી રચનાસૃષ્ટિમાં રવીન્દ્રનાથ જુદે જુદે રૂપે કરતા રહ્યા છે, તેનો ‘વનફૂલ’માં અણસાર છે. એ પહેલાં પ્રગટ થયેલી કાવ્યરચના ‘કવિકાહિની’ (1878) પણ એક કરુણાન્ત કથા છે. વ્યક્તિને પોતાની નિકટ રહેલા સૌંદર્ય અને ઐશ્વર્યનું મૂલ્ય તેનાથી દૂર ગયા પછી સમજાય છે. પણ હવે તો તે માટે પરિતાપ જ અનુભવવાનો છે – એ પ્રકારનો ભાવ અસ્ફુટ રીતે આ રચનામાં છે.

1882માં પ્રકટ થતા ‘સંધ્યાસંગીત’ અને 1883માં પ્રકટ થતા ‘પ્રભાતસંગીત’ કાવ્યસંગ્રહોમાં આગવાં ‘રચનારીતિ અને કળાકૌશલ’ ઉપલબ્ધ થયાં છે.

એ પછીના સંગ્રહો છે ‘છબિ ઓ ગાન’ (1884) અને ‘કડિ ઓ કોમલ’ (1886). ‘કડિ ઓ કોમલ’થી બંગાળી કવિતામાં નવી ધારાનો પ્રારંભ થાય છે. તેમાંની ‘પ્રાણ’ નામની કવિતાની આ પંક્તિઓમાં રવીન્દ્રનાથનું જાણે સમગ્ર જીવનદર્શન છે :

મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને

માનવેર માઝે આમિ બૉંચિબારે ચાઇ.

(આ સુંદર વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી થતી, મનુષ્યની વચ્ચે હું જીવવા ચાહું છું.)

રવીન્દ્રનાથ જે સંગ્રહથી બંગાળી કવિતામાં કવિ તરીકે પૂરેપૂરા પ્રતિષ્ઠિત થાય છે, તે સંગ્રહ છે ‘માનસી’ (1890). પ્રેમ, પ્રકૃતિ, સૌંદર્ય આ બધા વિશે રવીન્દ્રનાથનો સ્વકીય ર્દષ્ટિકોણ તેમાં જોઈ શકાય છે.

કાવ્યસંગ્રહ ઉપરાંત ‘સોનાર તરી’(1896)માં નાવ, નદી, ઘાટ, નાવિકનાં અનેક કલ્પનો, પ્રતીકાર્થ અને રહસ્યાત્મકતાનો પુટ પણ જોવા મળે છે.

‘સોનાર તરી’ની ‘માનસસુંદરી’ કવિતામાં પ્રિયતમા અને કાવ્યદેવતા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે. ‘ચિત્રા’ (1896), ‘ચૈતાલિ’ (1896), ‘કલ્પના’ (1900), ‘કથા ઓ કાહિની’ (1908) જેવા કાવ્યસંગ્રહોમાં કવિ ભારતીય સંસ્કૃતિનાં ઉચ્ચતર મૂલ્યોના ભાષ્યકાર બને છે. રવીન્દ્રનાથ જાણે વ્યાસ, વાલ્મીકિ અને કાલિદાસના કાવ્યવારસાને સમૃદ્ધ કરતા તેમના જ ગોત્રના એક દ્રષ્ટા કવિ રૂપે આ દાયકામાં પ્રકટે છે.

‘નૈવેદ્ય’(1901)ની 100 કાવ્યરચનાઓમાં 99, ચૌદ પંક્તિઓના સૉનેટ સ્વરૂપની છે. તેમાં ભક્તિનો સૂર પ્રધાન છે. ‘ચિત્ત યેથા ભયશૂન્ય ઉચ્ચ યેથા શિર’ નામે પ્રસિદ્ધ કવિતા આ સંગ્રહમાં છે. કવિને પ્રભુ વહાલા છે અને દેશ પણ વહાલો છે.

રવીન્દ્રનાથનો પ્રકૃતિપ્રેમ, મનુષ્યપ્રેમ, રાષ્ટ્રપ્રેમ કે કાવ્યપ્રેમ, ઈશ્વરપ્રેમમાં પર્યવસિત થાય છે. 1910માં પ્રકટ થતાં બંગાળી ‘ગીતાંજલિ’નાં 157 ગીતોમાં અહમ્નું વિગલન ઇચ્છતા ભક્તહૃદયની આર્દ્રતા, આર્જવ અને દૈન્ય પણ અનુભવાય છે.

‘ગીતાંજલિ’ માટે 1913માં રવીન્દ્રનાથને નોબેલ પુરસ્કાર મળ્યો, તે અંગ્રેજી ‘ગીતાંજલિ’માં કવિએ પોતાના 11 જેટલા સંગ્રહોમાંથી પસંદ કરીને 103 કાવ્યો અંગ્રેજી ગદ્યકાવ્ય રૂપે અનૂદિત કર્યાં છે. અંગ્રેજી ‘ગીતાંજલિ’ 1912માં લંડનની ઇન્ડિયા સોસાયટી દ્વારા પ્રકટ થઈ. ‘ગીતાંજલિ’ના એ અંગ્રેજી અનુવાદ પરથી દુનિયાની મહત્ત્વની ભાષાઓમાં એના અનુવાદો થયા. ‘ગીતાંજલિ’માં યુરોપને પરમ શાતાનો સૂર, ભારતીયોને ભારતીય દાર્શનિક પરંપરા, મધ્યકાલીન વૈષ્ણવ અને નિર્ગુણ કવિઓની પરંપરાની એક સમન્વિત ભાવચેતનાનું અભિનવ રૂપ અનુભવવા મળ્યું. ‘ગીતાંજલિ’ એટલે ભારતની ચિરસંચિત આધ્યાત્મિક પરંપરાની પરમ અભિવ્યક્તિ. એ પછી ‘બલાકા’ (1916) પ્રગટ થતાં સંગ્રહની કવિતામાં ભાવભંગિ અને છંદોલયનું એક નવું પ્રસ્થાન જોવા મળે છે. કવિ વિશ્વજીવનનો, બૃહત્તર જીવનનો નિકટતમ સ્પંદ અનુભવે છે. શબ્દોના વિલક્ષણ નિનાદ અને પંક્તિઓના પ્રભાવશાળી લયની ભવ્યતા આ પહેલાં બંગાળી કવિતામાં જોવા નથી મળ્યાં.

‘પલાતકા’(1918) અને ‘શિશુ ભોલાનાથ’(1922)માં કવિમાં બેઠેલા ચિરશિશુને પ્રકટ કરતાં બાળકાવ્યોનું સર્જન થાય છે. ‘પૂરબી’ (1925) સ્પૅનિશ કવયિત્રી વિક્ટોરિયા ઓકામ્પોના સખ્યની મધુરસ્મૃતિની કેટલીક કાવ્યરચનાઓને લીધે ચર્ચિત કાવ્યસંગ્રહ છે. તેમાં વ્યથાનો એક સંહત સૂર છે, વિષાદ છે, પણ વિષાદનો ઘેરો રંગ નથી. એ પછીના સંગ્રહો તે ‘મહુયા’ (1929), ‘વનવાણી’ (1931), ‘પરિશેષ’ (1932) છે. ‘વનવાણી’માં વૃક્ષોનું સ્તવગાન છે. ‘લિપિકા’ (1922)માં ગદ્યછંદની રીતિ અપનાવી છે, પણ સળંગ કથાઓ રૂપે છાપી તેને વાર્તાસંગ્રહ ગણ્યો છે. પણ પછી 1932માં ‘પુનશ્ચ’માં ગદ્યછંદમાં રીતસરની કાવ્યરચનાઓ કરી. કવિ ગદ્યછંદનો પ્રયોગ ‘શેષશતક’ (1935), ‘પત્રપુટ’ (1936) અને ‘શ્યામલી’(1936)માં પણ કરે છે.

‘પ્રાન્તિક’ (1938)ની રચનાઓ દીર્ઘપયાર(14ને બદલે 18 અક્ષર)માં લખાઈ છે. ‘રોગશય્યાય’ (1940) અને ‘આરોગ્ય’ (1941) વિષણ્ણ મન:સ્થિતિની રચનાઓ છે.

‘આરોગ્ય’ની પહેલી કવિતામાં ધરતી પ્રત્યનો પ્રેમ વ્યક્ત કરતાં કવિ કહે છે :

        ‘એ દ્યુલોક મધુમય, મધુમય પૃથિવીર ધૂલિ’

‘આ જગત મધુમય છે, મધુમય છે આ ધરતીની ધૂળ… આ ધરતીનો છેલ્લો સ્પર્શ લઈને જ્યારે જઈશ ત્યારે કહેતો જઈશ કે ધરતી, તારી ધૂળનું તિલક મારે કપાળે ચોડેલું છે.’ ‘જન્મદિને’(1941)માં જીવન અને જગત માટેની ઊંડી ‘કૃતજ્ઞતા અને કૃતકૃત્યતાનો ભાવ’ છે. એ પછી છેલ્લી કવિતા ‘તોમાર સૃષ્ટિર પથ…’ મૃત્યુના એક સપ્તાહ પહેલાં 30મી જુલાઈ, 1941ના રોજ કવિએ લખાવી હતી. એ બધી કવિતા પછી ‘શેષલેખા’ (1942) સંગ્રહમાં મરણોત્તર પ્રકટ થઈ હતી. આમ, પહેલા કાવ્યસંગ્રહ ‘સંધ્યાસંગીત’થી ‘શેષલેખા’ સુધીમાં પ્રકટ થયેલા 49 જેટલા કાવ્યસંગ્રહોમાં કવિએ એક હજાર જેટલાં કાવ્યો અને બે હજાર જેટલાં ગીતો આપી કવિતાદેવીનો ભંડાર સમૃદ્ધ કર્યો છે.

કવિતાની જેમ નાટકના સ્વરૂપ સાથે રવીન્દ્રનાથનો સંબંધ કિશોરાવસ્થાથી જીવનની ઉત્તરાવસ્થા સુધી રહ્યો છે. 1881માં 20 વર્ષની તરુણવયે લખેલા ‘વાલ્મીકિપ્રતિભા’ નાટકથી માંડી સૌથી છેલ્લે લખેલ નાટક ‘મુક્તિર ઉપાય’ (જેનું મરણોત્તર પ્રકાશન 1948માં થયેલું) સુધીમાં  એકાંકી, પૂરા કદનાં નાટકો, પ્રહસનો અને ટ્રૅજેડી, ગીતિનાટ્યો અને પદ્યરૂપકો જેવી રવીન્દ્રનાથની કુલ 39 નાટ્યરચનાઓ થવા જાય છે.

‘વાલ્મીકિપ્રતિભા’ ગીતિનાટ્ય છે, જેને ઑપેરા કહી શકાય. વાલ્મીકિ દસ્યુમાંથી કવિ કેવી રીતે બન્યા, સરસ્વતીનો પ્રસાદ કેવી રીતે પામ્યા તે એનો વિષય છે. આ ગીતિનાટ્યમાં શાસ્ત્રીય સંગીત, પાશ્ચાત્ય સંગીત અને લોકસંગીતનું અદભુત સંમિશ્રણ છે. બીજે જ વર્ષે રામાયણ પર આધારિત બીજું નાટક ‘કાલમૃગયા’ (1882) પ્રકટ થાય છે. 1884માં ‘પ્રકૃતિર પ્રતિશોધ’(1884)માં યુવાન કવિનો જીવન પ્રત્યેનો મૌલિક ર્દષ્ટિકોણ પ્રકટ થાય છે.

શરૂઆતનાં આ નાટકો પછી રવીન્દ્રનાથમાં રહેલો નાટકકાર સોળે કળાએ પ્રકટે છે ‘વિસર્જન’ અને ‘ચિત્રાંગદા’ જેવાં પદ્યનાટકોમાં. ‘વિસર્જન’ એક ટ્રૅજેડી છે. ‘વિસર્જન’, ‘રાજા’ અને ‘રક્તકરબી’ જેવાં નાટકો શંભુ મિત્ર અને તૃપ્તિ મિત્રની બહુરૂપી નાટક મંડળીએ સફળતાપૂર્વક ભજવીને રવીન્દ્રનાથનાં નાટકોની તખ્તાલાયકી સિદ્ધ કરી છે.

મહાભારતમાંથી નાટકનું બીજ લઈને રવીન્દ્રનાથે ‘ચિત્રાંગદા’ જેવું અપૂર્વ પદ્યનાટક રચ્યું છે. 1936માં રવીન્દ્રનાથે આ જ નાટકના વસ્તુને આધારે ‘નૃત્યનાટ્ય ચિત્રાંગદા’ની રચના કરી છે.

‘ચિરકુમારસભા’, ‘હાસ્યકૌતુક’ (1907), ‘વ્યંગ્યકૌતુક’ (1907) પ્રહસનો છે.

રવીન્દ્રનાથનો રંગમંચ ધંધાદારી રંગમંચથી જુદા પ્રકારનો છે. હવે પછીનાં નાટકોમાં રસ્તાનાં, મેળાનાં, સમુદાયનાં અનેક ર્દશ્યો આવે છે. એમનાં નાટકોની આ આગવી વિશેષતા ‘મુક્તધારા’ જેવા નાટકમાં પછી વ્યાપક રીતે જોવા મળે છે.

‘અચલાયતન’(1911)માં બંધિયાર થઈ આચાર અનુષ્ઠાનમાં જ બધી ઇતિશ્રી માનતી પરંપરા પર જબરદસ્ત પ્રહાર છે. મૂળે તો અગિયારમીબારમી સદીમાં અચલાયતન બની ગયેલા બૌદ્ધમઠોમાંથી વસ્તુ લેવામાં આવ્યું છે. જડ આચારોના ઉપહાસનું આ નાટક હાસ્યરસથી પણ ભરપૂર છે.

‘ડાકઘર’(1912)નો અંગ્રેજી અનુવાદ ‘ધ પોસ્ટ ઑફિસ’ આઇરિશ નટો દ્વારા લંડનના રંગમચ પર ભજવાયો હતો. ‘ડાકઘર’માં શિશુ અમલના પાત્ર દ્વારા વ્યક્તિના આત્માની આધ્યાત્મિક ઝંખનાનું રૂપક છે.

‘મુક્તધારા’ (1922) રવીન્દ્રનાથ પર ગાંધીજીના અહિંસક સત્યાગ્રહના પડેલા પ્રભાવનું દ્યોતક એક વિશિષ્ટ નાટક છે. રવીન્દ્રનાથના દુર્બોધ મનાતા એક નાટક ‘રક્તકરબી’(લાલ કરેણ) (1926)માં યંત્રસંસ્કૃતિનો વિરોધ છે.

રવીન્દ્રનાથે ‘નટીર પૂજા’(1926)માં સંગીતાત્મક નૃત્યનાટ્ય સ્વરૂપને પહેલી વાર ખેડ્યું. એની પ્રેરણાનાં બીજ જાવાબાલિનાં નૃત્યનાટકોમાં જોઈ શકાય. એ પછી નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’, ‘ચંડાલિકા’, ‘શ્યામા’ લખ્યાં છે.

બંગાળીમાં ટૂંકી વાર્તાને એક કલાસ્વરૂપ તરીકે ખેડનાર રવીન્દ્રનાથ પહેલા છે. પહેલી વાર્તા ‘ભિખારિણી’ (1885) પ્રકટ કરી હતી, પણ તેમની મોટા ભાગની વાર્તાઓ વિશેષે 1889થી 1901ના બાર વર્ષના ગાળા દરમિયાન, વિશેષે શિલાઇદહના નિવાસ દરમિયાન લખાઈ છે. શિલાઇદહની પ્રકૃતિની પૃષ્ઠભૂમિમાં બંગાળનાં અભાવગ્રસ્ત ગામોમાં વસતા જનસાધારણનાં સુખદુ:ખ, આનંદ, વિષાદ ‘ગલ્પગુચ્છ’માં ગૂંથાઈ ગયાં છે. ‘ગુલ્પગુચ્છ’ અને ‘લિપિકા’(1922)ની 39 કથાઓ, ‘ગલ્પસલ્પ’-(1941)ની 17 કથાઓ ઉપરાંત ‘તીનસંગી’ (1940)ની ત્રણ અને ‘સે’ કરીને એક લાંબી વાર્તા – એમ સમગ્રપણે 151 જેટલી ટૂંકી વાર્તાઓ એમની છે. ‘નષ્ટનીડ’ જેવી જાણીતી કેટલીક વાર્તાઓ લઘુનવલની નજીક પહોંચતી લાગે. કેટલીક વાર્તાઓ પ્રકરણોમાં વહેંચાયેલી પણ છે. ‘કર્મફલ’ જેવી વાર્તા સંવાદ રૂપે ચાલે છે; તેમ છતાં સમગ્રપણે રવીન્દ્રનાથે ટૂંકી વાર્તાને એવો આગવો કલાઘાટ  આપ્યો છે કે ગૉગોલ, મોપાસાં, તૉલ્સ્તૉય, ચેખૉવ જેવા આ સ્વરૂપના શ્રેષ્ઠ સર્જકોની કોટિમાં સહેજે તેઓ વિરાજે છે. રવીન્દ્રનાથની વાર્તાઓમાં ઘટનાઓનો વિન્યાસ અને ચરિત્રાંકન અત્યંત કુશળતાથી થયાં છે. માનવીય જીવન સાથે પ્રકૃતિનો નિબિડ સંસ્પર્શ વાર્તાઓને ક્યારેક કાવ્યધર્મી બનાવે છે.

વાર્તાઓના વિષયમાં જેમ વૈવિધ્ય છે, ચરિત્રોમાં પણ તેવું છે. ‘કાબુલીવાલા’ની મીનીને, ‘પોસ્ટ માસ્તર’ની રતનને કે ‘અતિથિ’ના તારાપદને કોણ ભૂલી શકે ? પણ એક એ વાત પણ ધ્યાનમાં આવે છે કે ‘ગલ્પગુચ્છ’ની આ બધી વાર્તાઓનો પ્રધાન સૂર ‘ટ્રૅજિક’ છે.

શરૂઆતની એક વાર્તા ‘ઘાટેર કથા’ (ઘાટની આત્મકથા) એક બાલવિધવા કુસુમના આત્મવિલોપનની મર્મસ્પર્શી વાત છે. ‘પોસ્ટ-માસ્તર’ની વાર્તામાં શહેરમાંથી ગામડામાં આવેલ યુવાન પોસ્ટ-માસ્તરના જતાં એક અનાથ ગ્રામબાલિકા રતનની મૂક વેદના ઊંડો પ્રભાવ મૂકી જાય છે. પિતૃહૃદયની વત્સલતા અને વેદનાને વ્યક્ત કરતી વાર્તા ‘કાબુલીવાલા’ તો વિશ્વવિખ્યાત છે.

નાનકડી ‘છુટિ’ (રજા) અને દીર્ઘ ‘અતિથિ’ કિશોરોની વાર્તાઓ છે. રવીન્દ્રનાથે અતિપાર્થિવની સૃષ્ટિ લઈ આવતી ‘કંકાલ’ કે ‘ક્ષુધિત પાષાણ’ જેવી ભૂતકથાઓ પણ લખી છે. ‘નષ્ટનીડ’ લાંબી ટૂંકી વાર્તા છે, જેના પરથી સત્યજિત રાયે ‘ચારુલતા’ નામે વિખ્યાત ફિલ્મ બનાવી છે. પત્ર રૂપે લખાયેલી વાર્તા ‘સ્ત્રીર પત્ર’(પત્નીનો પત્ર)માં નારીમુક્તિનો ઉદબોધ છે.

રવીન્દ્રનાથે 12 જેટલી નાનીમોટી નવલકથાઓ લખી છે. બંગાળીમાં બંકિમચંદ્ર પછી રવીન્દ્રનાથે એ સ્વરૂપને ઉચ્ચ શિખરે પહોંચાડ્યું. શરૂઆતની ‘બૌ ઠાકુરાનીર હાટ’ પર બંકિમચંદ્રની અસર જોવા મળે છે. ‘રાજર્ષિ’ (1885) કિશોરો માટેની નવલકથા છે, જેમાં ‘વિસર્જન’ નાટકની જેમ ‘પશુબલિ’નો વિરોધ છે. એ પછી, દોઢેક દાયકાના અંતરાલ પછી એક ઉત્તમ મનોવૈજ્ઞાનિક નવલકથા ‘ચોખેર બાલિ’ (1902) (આંખની કરકર) આપે છે. વિધવાને પણ ‘હૃદય’ છે અને પ્રેમનો અધિકાર છે, એ વાત નિર્દ્વંદ્વપણે વિધવા વિનોદિનીના પાત્ર દ્વારા પ્રસ્થાપિત કરી છે.

‘નૌકાડુબિ’(1906)માં ઘટનાપ્રચુરતા અને અકસ્માતોની હારમાળા છે. 1910માં પ્રકટ થતી ‘ગોરા’ રવીન્દ્રનાથની શ્રેષ્ઠ નવલકથા ગણાય છે. તેનો ઘટનાસમય અઢારસો સત્તાવનના વિપ્લવ પછીના ભારતના ઇતિહાસનો છે. તેની ચરિત્રસૃષ્ટિ અને માનવીય સંબંધોનું નિરૂપણ પ્રભાવક અને પ્રતીતિકર છે. જાતિ, ધર્મ અને દેશથી પણ મનુષ્ય ઉપર છે એમ પ્રતિપાદિત કરતી આ કથામાં રવીન્દ્રનાથ માનવધર્મના પૂજારી તરીકે આવે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નો ગૂંથાતા જઈ આ કથાને મહાકાવ્યાત્મક પરિમાણ આપે છે.

‘ઘરે બાહિરે’ (1916) એની ટૅકનિક અને ભાષાશૈલીથી ધ્યાન ખેંચે છે. તેમાં રવીન્દ્રનાથે પહેલી વાર સાધુ (શિષ્ટ) બાંગ્લાને સ્થાને ચલિત (બોલચાલની) બાંગ્લાનો ઉપયોગ કર્યો છે. સ્વદેશી આંદોલનની પૃષ્ઠભૂમિમાં લખાયેલી આ નવલકથાને કાકાસાહેબે ‘રાષ્ટ્રોદ્ધારક’ કથા કહી છે. ‘ચતુરંગ’(1916)માં સાધુ બાંગ્લા છે, પણ લઢણ  એકદમ ચલિત બાંગ્લાની. વિધવા દામિની ‘જીવનરસ’ની રસિક છે. એના ચરિત્ર દ્વારા નારીમનના તેજછાયાના પ્રદેશોનું માર્મિક અંકન રવીન્દ્રનાથ કરે છે.

પોતાની 69 વર્ષની વયે રવીન્દ્રનાથે લખેલી ‘શેષેર કવિતા’ (1929) એક રીતે આધુનિક ઊર્મિપ્રવણ નવલકથા છે.

રવીન્દ્રનાથની છેલ્લી નવલકથા ‘ચાર અધ્યાય’ (1934) વિપ્લવવાદી ક્રાંતિની ભૂમિકામાં ચાર પ્રકરણોમાં લખાયેલી પ્રેમકથા છે. તેમાં લોહિયાળ ક્રાંતિની મર્યાદાઓ બતાવી ક્રાંતિકારીઓનાં તથાકથિત મૂલ્યોને વિશ્લેષિત કરે છે. ‘દુઇ બોન’ (1933) અને ‘માલંચ’ (1934) એ બે લઘુનવલો છે.

‘પ્રાચીન સાહિત્ય’માં રવીન્દ્રનાથે કરેલું વાલ્મીકિ, કાલિદાસ અને બાણ જેવા સંસ્કૃત કવિઓનું આસ્વાદલક્ષી વિવેચન છે. એક ભારતીય કવિની અંર્તર્દષ્ટિથી સંસ્કૃત કવિતાની ઓળખ મળે છે. ‘કાવ્યેર ઉપેક્ષિતા(કાવ્યની ઉપેક્ષિતા)માં રામાયણની ઊર્મિલા, શાકુન્તલની અનસૂયા અને પ્રિયંવદા અને કાદંબરીની પત્રલેખા પ્રત્યે એના સર્જકોએ ઉપેક્ષાભાવ બતાવ્યો છે, તે અત્યંત મનોહર શૈલીમાં રજૂ કર્યું છે.

આધુનિક સાહિત્યનું વિવેચન પોતાના મૌલિક ર્દષ્ટિકોણથી કવિએ કર્યું છે. તેમણે લોકસાહિત્યનું પણ વિવેચન કરી તેમાં બાળજોડકણાં-(છેલે ભુલાનો છજા)નું મહત્વ પ્રતિપાદિત કર્યું છે.

શાંતિનિકેતન પરિસરમાં ટાગોરનું નિવાસસ્થાન ‘શ્યામલી’

રવીન્દ્રનાથે સાહિત્યતત્વ વિશે પણ વિચારણા કરી છે, ભાષાતત્વ વિશે, બંગાળી ભાષાના શબ્દો અને જોડણી (બાંગ્લા બાનાન) સુધ્ધાં વિશે લખ્યું છે. રવીન્દ્રનાથની છંદમીમાંસા અને ગદ્યછંદની ચર્ચા પણ ઉદબોધક છે. ‘પંચભૂત’માં પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ — એ પાંચ મહાભૂતો વચ્ચે સંવાદ રૂપે સાહિત્ય અને સૌંદર્યશાસ્ત્રીય વિવેચના અત્યંત રસપ્રદ રીતે કરી છે.

ટાગોરના સ્વહસ્તાક્ષરોમાં લિખિત કાવ્યકૃતિ – તેમના ચિત્રાંકન સાથે

રવીન્દ્રનાથે ‘જીવનસ્મૃતિ’(1912)માં પોતાની શિશુ-કિશોરવયનાં સ્મરણો તટસ્થ આત્મવિશ્લેષણ સાથે આલેખ્યાં છે. કિશોરો માટે લખેલી ‘છેલેબેલા’ (1940) (બચપણ) સંસ્મરણાત્મક નિબંધોના નમૂનારૂપ છે. ‘આત્મપરિચય’માં કવિએ સમય સમય પર પોતા વિશે લખેલાં લખાણો છે.

આ વિશ્વપ્રવાસી કવિ રવીન્દ્રનાથે પોતાનાં ભ્રમણોની વાત પત્રો રૂપે, ડાયરી રૂપે પણ કરી છે, ‘યુરોપ–પ્રવાસીર પત્ર’, ‘યુરોપ-યાત્રીર ડાયરી’ ઉપરાંત ‘જાપાનયાત્રી’, ‘પશ્ચિમ-યાત્રીર ડાયરી’, ‘જાપાને-પારસ્યે’, ‘રશિયાર ચિઠી’ આ બધાંમાં પત્રો રૂપે પ્રવાસકથાઓ છે. સોવિયેત રશિયાના દર્શનથી પ્રભાવિત થયેલા પ્રૌઢ કવિના પત્રો એ સમયના નૂતન રશિયાનું વિહંગદર્શન છે. ઉત્તરવયમાં પ્રકટ થયેલ ‘પથે ઓ પથેર પ્રાન્તે’(1938)માં પણ પ્રવાસની સ્મૃતિઓ અંકિત થઈ છે.

બ્રહ્મસમાજી પિતા પાસેથી ઉપનિષદનો આધ્યાત્મિક વારસો કવિને બાલ્યકાળથી મળેલો. શાંતિનિકેતનમંદિરમાં બુધવારની પ્રાર્થનાસભામાં આપેલાં ઉપનિષદની અમૃતવાણીને વર્તમાન સંદર્ભમાં વણી લેતાં પ્રવચનો ‘શાંતિનિકેતન’ નામે પ્રકટ થયાં છે.

‘ભારતવર્ષેર ઇતિહાસેર ધારા’(1911)માં કવિ ભારતીય સંસ્કૃતિના ઉદગાતા રૂપે જોવા મળે છે. તે અગાઉ ‘તપોવન’ જેવા ચિંતનાત્મક નિબંધોમાં તેનું પ્રારૂપ જોવા મળે છે. રવીન્દ્રનાથ સંકુચિત રાષ્ટ્રવાદના વિરોધી હતા અને એમના એ વિચારોથી જાપાન, યુરોપના કેટલાક દેશો અને ખુદ પોતાના દેશમાં પણ ‘અપ્રિય’ થયા હતા. એ વિશેનું એમનું ચિંતન ‘સ્વદેશી સમાજ’માં જોવા મળે છે.

કવિની ઉત્તરવયમાં પોતાના પત્રો ભવિષ્યમાં છપાવાના છે, એવી સભાનતાથી પણ લખાયા છે, પણ જે પત્રો છપાવાના નથી એ અંતરંગપણે લખાયા છે, તેમાં સાહિત્યિકતા ભરપૂર છે. એવા પત્રોમાં શિલાઇદહથી પોતાની ભત્રીજી ઇન્દિરાદેવીને લખેલા પત્રો છે, ‘છિન્નપત્ર’ (1912) અને પછી સમગ્રપણે ‘છિન્નપત્રાવલિ’ (1961) રૂપે પ્રકટ થયા છે. એક રાણુ (મુખરજી) નામની કિશોરીએ પ્રૌઢ કવિને લખેલા પત્રોના જવાબમાં લખેલ પત્રો ‘ભાનુસિંહેર પત્રાવલિ’ પણ વિશિષ્ટ છે.

સંગીત પણ રવીન્દ્રનાથની સર્જકતાનો એક અંતરંગ આવિષ્કાર છે. રવીન્દ્રનાથે સ્વયં કહ્યું છે કે, ‘‘મારાં ગીતોને તો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે.’’

રવીન્દ્રનાથે બે હજાર જેટલાં ગીતો લખ્યાં છે. તેમાંથી મોટા ભાગનાંને તેમણે પોતે સૂર આપ્યો છે. એવાં કેટલાંક ગીતો છે, જેમને બીજા સંગીતકારોએ સૂર આપ્યા છે, પણ પ્રત્યેક ગાન પર રવીન્દ્રનાથની આગવી મુદ્રા છે. એટલે ‘રવીન્દ્રસંગીત’ની એક અલગ શ્રેણીમાં તેમને વિભાજિત કરવામાં આવે છે. શબ્દ અને સૂરનું સખ્ય એમના સંગીતમાં છે.

પિતા દેવેન્દ્રનાથ શાસ્ત્રીય સંગીતના ભક્ત હતા. એટલે ઠાકુર પરિવારનાં સંતાનોને મોટા મોટા ઉસ્તાદોની દેખરેખમાં સંગીતશિક્ષણ મેળવવાનો સુયોગ પ્રાપ્ત થયેલો. રવીન્દ્રનાથે પોતાની પ્રથમ મૌલિક ગીતરચના ‘નીરવ રજની દેખો મગ્ન જોછનાય’ અમદાવાદમાં રચેલી. ઇંગ્લૅન્ડ ગયા, ત્યાં તેઓ પાશ્ચાત્ય સંગીત શીખ્યા અને શરૂઆતની કેટલીક નૃત્યનાટિકાઓમાં પાશ્ચાત્ય સૂરોનો પણ ઉપયોગ કર્યો. પછી વિદેશી સંગીતના સૂર એમનાં ગીતોમાં વણાતા રહ્યા છે.

શરૂઆતમાં પોતાનાં ગીતો માટે રવીન્દ્રનાથ શાસ્ત્રીય સંગીત પ્રમાણેના રાગતાલને ઉપયોગમાં લેતા. ધ્રુપદનાં ચાર અંગો પ્રત્યે પણ તેમને પક્ષપાત હતો, પરંતુ તાનપ્રધાન ખ્યાલ ગાયકીનો પ્રયોગ એમણે ઓછો કર્યો છે. બંગાળના બાઉલોની કીર્તનશૈલીનો પ્રયોગ પણ તેમનાં ગીતોમાં છે. બાઉલ કીર્તનના સ્વરો સાથે શાસ્ત્રીય રાગોનું મિશ્રણ છે. એ માટે એમણે નવા પ્રકારના તાલ પણ આવિષ્કૃત કર્યા છે. આજે બંગાળમાં ગ્રામીણ કે નગરજીવનના કોઈ પણ પ્રસંગ, ઉત્સવ–અનુષ્ઠાન પ્રસંગે રવીન્દ્રસંગીત પ્રસ્તુત થાય છે. બાંગ્લાદેશમાં પણ રવીન્દ્રસંગીત એટલા જ અનુરાગથી ગવાય છે.

ટાગોરે દોરેલું મહિલાનું ચિત્ર

આધુનિક ચિત્રકળાના આંદોલનમાં તેમના ભત્રીજા અવનીન્દ્રનાથ ઠાકુર અને ગગનેન્દ્રનાથ ઠાકુરની ચિત્રકળાને પ્રોત્સાહન આપી તથા શાંતિનિકેતનમાં નંદલાલ બસુ અને અન્ય કલાકારોને નિમંત્રી તેમણે ‘બંગાલ સ્કૂલ’ તરીકે જાણીતી ચિત્રશૈલીના વિસ્તરણમાં પરોક્ષ યોગદાન આપ્યું હતું. 1928માં 68 વર્ષની વયે રવીન્દ્રનાથમાં રહેલો ચિત્રકાર પ્રકટ થયો, પછી જીવનનાં બાકી રહેલાં કેટલાંક જ વર્ષોમાં તેમણે 2500 જેટલાં ચિત્રોનું અંકન કર્યું અને ભારતીય ચિત્રકળાના  ઇતિહાસમાં એક નવું પ્રકરણ જોડ્યું. એ પ્રકરણ એકદમ આધુનિક હતું અને તદ્દન ભારતીય.

આમ તો, ચિત્રાંકન કરવાની શરૂઆત તેમના સુંદર હસ્તાક્ષરોથી લખાતી કવિતામાં કવિ છેકેલું ખરાબ ન લાગે એ રીતે  આકૃતિઓ રચતા તેમાંથી થઈ. ધીમે ધીમે એ આકૃતિઓ કોઈ વિચિત્ર જાનવરની, કોઈ ઝાડપાંદડાંની કે વેલીની હોય એમ વિકસાવતા : ક્યાંક આંખ દેખાય, ક્યાંક ચહેરો દેખાય, ક્યાંક ફૂલનો આભાસ થાય. એમનાં કાવ્યોની હસ્તપ્રતો જોતાં આ પ્રક્રિયાનાં સોપાન સમજાય છે. મોટા ભાગનાં અમૂર્ત આલેખનો જાણે એના સર્જકના સ્વપ્નલોક કે અવચેતન મનમાંથી આવી સફેદ કાગળ ઉપર આકાર ધારણ ન કરતાં હોય ! વાસ્તવના બંધનમાંથી મુક્તિ એ એમનાં ચિત્રોનું આગવું લક્ષણ છે. ચિત્રવિચિત્ર આકૃતિઓ પછી અનેક લૅન્ડસ્કેપો અને પૉર્ટ્રેટો દોરાવા લાગ્યાં. સેલ્ફ પૉર્ટ્રેટો પણ ઘણાં છે. સ્ત્રીપુરુષોનાં મોટાં મહોરાંનાં આલેખનો છે. નગ્ન (ન્યુડ્ઝ) રેખાંકનો પણ છે. બધે શાહીનો ઉપયોગ.

રવીન્દ્રનાથનાં 125 ચિત્રોનું એક પ્રદર્શન 1930માં પૅરિસમાં વિક્ટોરિયા ઓકામ્પોની નિશ્રામાં ભરાયું હતું. પછી તે લંડન, બર્લિન, મૉસ્કો, ન્યૂયૉર્ક, બૉસ્ટન, વૉશિંગ્ટન જેવાં નગરોમાં ભરાયાં હતાં. શુદ્ધ ચિત્રકળાના પ્રથમ અને સાચા મહાન અગ્રેસર રવીન્દ્રનાથ હતા.

રવીન્દ્રનાથના સમગ્ર વાઙમયસર્જન અને જીવનદર્શનમાં એક ઉદાર માનવતાવાદી જીવનાદર્શ પ્રકટતો જોવા મળે છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યમાં જે ઉત્તમ છે, જે સ્પૃહણીય છે તેનો સ્પંદ કવિની વાણીમાં  અનુભવાય છે.  ઉપનિષદોનું આર્ષદર્શન, ગૌતમ બુદ્ધની પારમિતા વાણી, વ્યાસ, વાલ્મીકિ અને કાલિદાસ જેવા કવિઓની જીવંત પરંપરાનો સંસ્પર્શ તેમના સર્જનમાં અનુભવાય છે તેમ અનુભવાય છે મધ્યકાલીન ભક્તિપરંપરાના સંસ્કાર. એ સાથે છે આધુનિક પાશ્ચાત્ય સાહિત્યસ્વામીઓ શેક્સપિયર, શેલી, કીટ્સ, ગટે, બ્રાઉનિંગ જેવા કવિઓના પરિશીલનથી પ્રાપ્ત યુરોપીય સંસ્કૃતિની અભિજ્ઞતા. આ બંને સંસ્કૃતિઓના અદભુત સમન્વયથી રવીન્દ્રનાથ એક શ્રેષ્ઠ ભારતીય જ નહિ, એક શ્રેષ્ઠ વિશ્વકવિ પણ છે. ઓગણીસમી સદી અને વીસમી સદીનો મહાન ઐતિહાસિક સમય રવીન્દ્રનાથની વાણી દ્વારા પ્રકટ થયો છે, જે વાણી દેશકાળની સીમાને અતિક્રમી જાય છે.

ભોળાભાઈ પટેલ