ટાગોર, દ્વિજેન્દ્રનાથ (જ. 11 માર્ચ 1840, જોડાસાંકો, કૉલકાતા; અ. 19 જાન્યુઆરી 1926; શાંતિનિકેતન) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મહર્ષિ દેવેન્દ્રનાથના સૌથી મોટા પુત્ર અને રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ. શિક્ષણ મોટેભાગે ઘેર રહીને મેળવેલું. પ્રસિદ્ધ વિદ્વાન રામનારાયણ તર્કરત્ન પાસે સંસ્કૃતનો સઘન અભ્યાસ કરેલો. પરિણામે નાની વયે સંસ્કૃત સાહિત્ય માટે અભિરુચિ કેળવાયેલી. પછીથી સેંટ પૉલ સ્કૂલમાં જોડાયા અને જુનિયર સ્કૉલરશિપની પરીક્ષા પસાર કરી. ઉચ્ચ શિક્ષણ અર્થે હિંદુ કૉલેજ(પાછળથી પ્રેસિડેન્સી કૉલેજ બનેલી)માં જોડાયા અને ટૂંક સમયમાં ઉપાધિ મેળવ્યા સિવાય કૉલેજ છોડી.
દ્વિજેન્દ્રનાથને બાળપણથી કાવ્યરચનાનો શોખ હતો. 1860માં તેમણે કરેલું ‘મેઘદૂત’નું ભાષાંતર વખણાયેલું. તેણે કવિ મધુસૂદન દત્તનું પણ ધ્યાન ખેંચેલું. કૌટુંબિક વાતાવરણમાંથી મેળવેલી સ્વદેશીની ભાવના દ્વિજેન્દ્રનાથની સર્વ પ્રવૃત્તિઓ અને કૃતિઓમાં વ્યાપ્ત છે. તેઓ તત્કાલીન બંગાળની સર્વ સાંસ્કૃતિક ચળવળોમાં સક્રિય ભાગ લેતા. 1877માં શરૂ થયેલા સાહિત્યિક સામયિક ‘ભારતી’નું તંત્રીપદ સાત વર્ષ સુધી સંભાળ્યું. ઓગણીસમી સદીના બંગાળનું અગ્રેસર ધાર્મિક-સાંસ્કૃતિક સામયિક ‘તત્વબોધિની પત્રિકા’નું 1884થી 1909 સુધી સંપાદન કરેલું. મુખ્યત્વે તેમની પ્રેરણાથી જ 1891માં ‘હિતવાદી’ સાપ્તાહિક શરૂ થયેલું. ‘ભારતવર્ષીય વિજ્ઞાન સભા’ની સ્થાપનામાં મહેન્દ્રલાલ સરકારને તેમણે આર્થિક સહાય કરેલી. દ્વિજેન્દ્રનાથ ‘બંગાળ થિયૉસૉફિકલ સોસાયટી’ના માનાર્હ ઉપ-પ્રમુખ અને ‘બંગીય સાહિત્ય પરિષદ’ના 1897થી 1900 સુધી પ્રમુખ પણ હતા. 1864થી 1871 સુધી ‘આદિ બ્રહ્મોસમાજ’ના અને 1870થી 1873 સુધી ‘હિંદુ મેળા’ ચળવળના મંત્રી બનેલા. ‘વિદ્વજ્જન સંમેલન’ નામના સાહિત્યિક મંડળના સ્થાપકોમાંના તે એક હતા.
દ્વિજેન્દ્રનાથે બંગાળી ગદ્યસ્વામીઓમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરેલું છે. કૉલકાતાના બ્રહ્મોસમાજે તેમના મૌલિક વિચારોની અભિવ્યક્તિ સારુ અનુકૂળતા પૂરી પાડેલી. ઈશ્વરીય જ્ઞાન અંગેનાં તેમનાં વ્યાખ્યાનો બંગાળીમાં અપાયેલાં અને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયેલાં. સમગ્ર જીવન અવિરત જ્ઞાનોપાસનામાં વિતાવ્યું હોવાથી વિવિધ વિષયો પર પુષ્કળ લખેલું. એમના ઘણા મૂલ્યવાન નિબંધોનું પ્રકાશન થયેલું નથી. તેમના નિબંધો તત્વચિંતન અને સમાજને લગતા છે. મહાન તત્વજ્ઞ શંકરાચાર્યના અદ્વૈતવાદનો દ્વિજેન્દ્રનાથે પ્રતિકાર કરેલો. પૌરસ્ત્ય અને પાશ્ચાત્યના સંઘર્ષ અંગે તેમની સમજ માર્મિક હતી. તેમનાં વિપુલ લખાણોમાં ગણિત, વ્યાકરણ, સંગીત, ખગોળ, જીવવિજ્ઞાન, પુરાણો વગેરે અનેક વિષયોનો સમાવેશ થયેલો છે. ઉપરાંત તેઓ એક સારા ચિત્રકાર પણ હતા.
કવિ તરીકે દ્વિજેન્દ્રનાથનું સ્થાન વિશિષ્ટ છે. તેમનું સર્વોત્તમ કાવ્ય ‘સ્વપ્નપ્રયાણ’ (1875) રૂપકગ્રંથિ (allegorical) પ્રકારની રચના છે. 1873 અને 1874 દરમિયાન તે લખાયેલું. તેમાં કલ્પનોત્થ પરીકથાની સૃષ્ટિ દ્વારા સત-અસતના સનાતન સંઘર્ષનું આલેખન છે.
નિદ્રાધીન કવિ સ્વપ્નમાં સારથિ સ્વપ્નસુંદરીના રથ(મનોરાજ્ય)માં બેસીને સૌંદર્યધામ (નંદનપુર) પહોંચે છે. ત્યાં એને સખ્યરસની મુલાકાત થાય છે. કવિને તે પાટનગરના રાજા (આનંદ) પાસે લઈ જતાં વિખૂટા પડેલા મિત્રને રાજા પ્રેમથી આવકાર આપે છે. રાજાની પુત્રી કલ્પના કવિને માયાદેવીના મંદિરે લઈ જાય છે. ત્યાં કવિને સ્વર્ગસ્થ માતાની સ્મૃતિ થાય છે ને ક્રમશ: સ્પષ્ટ થતું જાય છે કે રાજમહેલ એટલે કવિએ જ્યાં બાળપણ વિતાવેલું તે ઘર.
પછી નંદનપુરથી વિલાસપુર કવિ જાય છે. કલ્પનાએ આપેલી પુષ્પમાળા લાલસાને આપવાની ભૂલ થતાં જ આનંદ રાજા કવિને ત્યજી દે છે. ભટકતા કવિને વિષાદભૂપ નામના રાજાએ પકડી લીધો. જાસૂસ હોવાના આરોપ બદલ તેને રસાતલ(નરક)માં દેવી ચામુંડાને બલિ આપવાની સજા ફરમાવાઈ ત્યાં જ કરુણાદેવીએ દર્શન આપીને આપત્તિમાં કવિની રક્ષા કરી. વીર રસ અને ભયાનક રસનું દ્વંદ્વ નિહાળતો કવિ વ્યથા અનુભવે છે. રક્ષા માટે યાચના કરતાં કૃપાદેવી તેને સત્સંગને સોંપે છે. તેની સહાયથી તપ પર્વત પર તપશ્ચર્યા કરી પ્રેમ અને શાંતિનો અનુભવ મેળવે છે. અંતે રાજા આનંદ પાસે આવીને તેની પુત્રી કલ્પના સાથે કવિ લગ્ન કરે છે. આ અપૂર્વ અનુભવ એટલે આત્મપ્રતીતિના પરિતોષ સાથે સ્વપ્નલોકની યાત્રા સમાપ્ત થાય છે.
‘સ્વપ્નપ્રયાણ’ની તુલના અંગ્રેજી કાવ્ય ‘પ્રિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ’ સાથે થયેલી છે. રવીન્દ્રનાથે તેને રાજપ્રાસાદની ઉપમા આપેલી, જેમાં અનેક ખંડો, ગવાક્ષો, ચિત્રો, મૂર્તિઓ, કુંજો, લતાવિતાન અને ફુવારાઓની અનુપમ શોભા છે. કવિની ભાષામાં પણ ઊર્મિકાવ્યની અને મહાકાવ્યની, પ્રશિષ્ટ તેમજ રંગદર્શી છટાઓ જોવા મળે છે. તે નીતિકથા હોવા છતાં તેમાં મૌલિક અભિવ્યક્તિ અને શૈલીની સર્જકતાનો સાચો સ્પંદ છે.
દ્વિજેન્દ્રનાથની અન્ય કૃતિઓ ‘કાવ્યમાલા’ (1920), ‘પુરાતન પ્રસંગ’ (જેમાં બિપિનબિહારી ગુપ્તાએ નોંધેલી અને 1923માં પ્રકાશિત બંગાળના સાંસ્કૃતિક વારસાને રજૂ કરતી મૌલિક ચર્ચાઓ છે), ‘તત્વવિદ્યા’, ‘રેખાક્ષર વર્ણમાલા’, ‘ગીતાપથ’, ‘પ્રબંધમાલા’ ઉપરાંત રાજનારાયણ બસુ અને અમિય ચક્રવર્તી પરના નર્મ-મર્મયુક્ત પત્રો વગેરે છે. ભૂમિતિ અંગેનું એક પુસ્તક અને પોતાના પુસ્તક ‘તત્વવિદ્યા’નું પોતે કરેલું ભાષાંતર બંને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલાં છે.
અર્વાચીન યુગના તત્વજ્ઞ-કવિ અને બંગાળી કાવ્યનભના તેજસ્વી તારા દ્વિજેન્દ્રનાથ પ્રત્યે મહાત્મા ગાંધી અને સી. એફ. ઍન્ડ્રૂઝ ઊંચો આદરભાવ ધરાવતા હતા. સાદગી અને ઉન્નત વિચારણાને વરેલા દ્વિજેન્દ્રનાથ પિતાના મૃત્યુ પછી જોડાસાંકો છોડીને શાંતિનિકેતનમાં ‘નીચુ બંગલા’ નામની કુટીરમાં વસેલા.
ચન્દ્રકાન્ત મહેતા