ટાક, ગુલામનબી ‘નાઝિર’

January, 2014

ટાક, ગુલામનબી ‘નાઝિર’ (જ. 1935, અનંતનાગ, કાશ્મીર) : કાશ્મીરના કવિ. તેમના કાશ્મીરી ભાષાના ગઝલસંગ્રહ ‘આછર તરંગે’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે.

તેઓ ઉર્દૂમાં બી.એ. તથા કાશ્મીરી ભાષામાં એમ.એ. થયા છે. કૃષિ મંત્રાલયમાં સેવાકાર્યો બાદ હાલ નિવૃત્ત છે.

તેમણે લેખનનો પ્રારંભ કર્યો 1955માં અને એ રચનાઓ જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થઈ. ‘ગશિ તારુક’ એ તેમનો પહેલો કાવ્યસંગ્રહ. અત્યાર સુધીમાં 19 કૃતિઓનું પ્રકાશન. તેમાં ‘ઑથેલો’ તથા ‘દીવાને-ગાલિબ’ જેવી 4 કૃતિઓનો કાશ્મીરી અનુવાદ; સાહિત્યિક વિવેચના; કાશ્મીરી લોકગીતો, લોકોક્તિ તથા રૂઢિપ્રયોગો વિશેનું સંશોધન-સંપાદન વગેરેનો સમાવેશ થાય છે.

ગુલામનબી ટાક ‘નાઝિર’

તેમના 7 કાવ્યસંચયો પ્રગટ થયા છે. તેમાં એક ઉર્દૂમાં છે. તેમાં ‘હિયા ગુન્દ’ (1982) તથા ‘રવ તૂ રોતૂલ’(1983)ને જમ્મુ તથા કાશ્મીર કલા, સંસ્કૃતિ અને ભાષા અકાદમીના પુરસ્કારો મળેલા છે. તેઓ કાશ્મીર મહેફિલ(યારીપોરા)ના અધ્યક્ષ છે. વળી બીજી કેટલીય સાહિત્યિક સંસ્થાઓના પ્રમુખપદે પણ તેઓ રહેલા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘આછર તરંગે’ તેમનો છઠ્ઠો ગઝલસંગ્રહ છે. એક કવિ તરીકે તેમની વિશિષ્ટ શૈલીનો એ પ્રતિનિધિ સંગ્રહ હોવા ઉપરાંત તેમાં તેમનો શૈલી-વિકાસ પણ દેખાય છે. સંગ્રહની 74 ગઝલો તેમની લાક્ષણિક લખાવટની અનન્ય નજાકત, માનવીય અનુભવો સાથે સંપ્રવૃત્ત તેમની સંવેદનશીલતા તેમજ ગઝલના રચનાશિલ્પ પરનું તેમનું સંપૂર્ણ પ્રભુત્વ દાખવે છે. તેમણે તેમાં પ્રયોજેલાં પ્રતીકો, વર્ણનો તથા શબ્દપ્રયોગો અત્યંત પ્રભાવક લાગે છે. તેમની શૈલીમાં ઓજસ તેમજ સાહજિકતાના ગુણો છે. ભાષાનો અભિનવ ઉપયોગ, પ્રશિષ્ટ સંવેદનગ્રાહિતા તથા કાવ્યકલાની નિપુણતા જેવા ગુણોને કારણે પ્રસ્તુત સંગ્રહ વિશેષ ધ્યાન ખેંચે છે.

મહેશ ચોકસી