ટાઉસિગ, ફ્રૅન્ક વિલિયમ

January, 2014

ટાઉસિગ, ફ્રૅન્ક વિલિયમ (જ. 8 ડિસેમ્બર 1859, સેન્ટ લુઈ, અમેરિકા; અ. 11 નવેમ્બર 1940, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : જાણીતા અમેરિકન પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. વતન પ્રાગથી દેશાંતર કરીને અમેરિકામાં વસેલા સફળ ડૉક્ટર અને વ્યાપારીના પુત્ર. 1879માં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રૅજ્યુએટ થયા પછી ઇંગ્લૅન્ડ અને યુરોપનો પ્રવાસ ખેડ્યો અને તે દરમિયાન બર્લિન યુનિવર્સિટીમાં રોમન લૉ તથા પોલિટિકલ ઇકૉનૉમીનો અભ્યાસ કર્યો. 1880માં હાર્વર્ડ પાછા ફર્યા. 1883માં પીએચ.ડી. તથા 1886માં કાયદાશાસ્ત્રની પદવીઓ પ્રાપ્ત કરી. તે જ વર્ષે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી અને 1892માં ત્યાં જ પ્રોફેસર નિમાયા અને 1935 સુધી આ પદ પર કામ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન વૉર ઇન્ડસ્ટ્રીઝ બોર્ડની ‘પ્રાઇસ ફિક્સિંગ કમિટી’ પર, ‘શુગર ઇક્વલાયઝેશન બોર્ડ’ તથા ટૅરિફ કમિશનના ચૅરમૅન (1916–19) અને શાંતિ માટેની સલાહકાર સમિતિના અન્વયે સેવાઓ આપી. 1896–1935 દરમિયાન ‘ક્વાર્ટર્લી જર્નલ ઑવ્ ઇકૉનૉમિક્સ’ના તંત્રી રહ્યા.

આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતા સિદ્ધાંતોના ક્ષેત્રમાં તેમનું પ્રદાન મહત્વનું ગણાય છે. વિશ્વવ્યાપારને લગતી અધિકૃત માહિતીને આધારે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોની ચકાસણી કરવા માટે તેમણે પાયાનું સંશોધન હાથ ધર્યું હતું અને તેને આધારે આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમના સંશોધનના વધુ વ્યાપક પરિપ્રેક્ષ્યમાં પાછળથી બર્ટિલ ઓહલિને આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત વધુ તર્કશુદ્ધ રીતે રજૂ કર્યો છે.

1914માં બ્રાઉન યુનિવર્સિટીએ તથા 1916માં હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની માનદ ઉપાધિ, 1920માં નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટી તથા 1993માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એલએલ.ડી.ની માનદ ઉપાધિ, 1928માં જર્મનીની બૉન યુનિવર્સિટીએ પીએચ.ડી.ની માનદ ઉપાધિ અને 1933માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ડી.લિટ.ની માનદ ઉપાધિથી તેમને સન્માન્યા હતા.

એક વિચક્ષણ અધ્યાપક તથા પ્રતિભાસંપન્ન સંશોધક હોવાને કારણે ઘણા ઊગતા અર્થશાસ્ત્રીઓના તેઓ પ્રેરણાસ્રોત હતા.

તેમણે 60 જેટલા ગ્રંથો અને સંશોધનલેખો આપ્યા છે. તેમાં ‘પ્રોટૅક્શન ઑવ્ યંગ ઇન્ડસ્ટ્રીઝ ઍઝ ઍપ્લાઇડ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ’ (1883), ‘હિસ્ટરી ઑવ્ ધ પ્રેઝન્ટ ટૅરિફ્સ’ (1885), ‘ધ ટૅરિફ હિસ્ટરી ઑવ્ ધ યુનાઇટેડ સ્ટેટ્સ’ (1888), ‘ધ સિલ્વર સિચ્યુએશન ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ’ (1891), ‘વેજિઝ ઍન્ડ કૅપિટલ’ (1896), ‘પ્રિન્સિપલ્સ ઑવ્ ઇકૉનૉમિક્સ’ (પાઠ્યપુસ્તક – 1911), ‘સમ ઍસ્પેક્ટ્સ ઑવ્ ધ ટૅરિફ ક્વેશ્ર્ચન’ (1915) તથા ‘આંતરરાષ્ટ્રીય વ્યાપાર’ (1927) વિશેષ ઉલ્લેખનીય છે. ઉપરાંત, ‘ફ્રી ટ્રેડ, ધ ટૅરિફ  ઍન્ડ રેસિપ્રૉસિટી’ શીર્ષક હેઠળ તેમના નિબંધોનો એક સંગ્રહ 1920માં પ્રકાશિત થયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે