ટાઉન્ઝ, ચાર્લ્સ હાર્ડ

January, 2014

ટાઉન્ઝ, ચાર્લ્સ હાર્ડ (જ. 25 જુલાઈ 1915, ગ્રીનવિલ, સાઉથ કૅરોલિના) : ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સના વિષયમાં કરેલ પ્રદાન બદલ 1964નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ટાઉન્ઝ 1935માં ફરમાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ડ્યૂક યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1939માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી ડૉક્ટરેટ (Ph.D.) મેળવી. 1939માં બેલ ટેલિફોન લૅબોરેટરીઝના ટૅક્નિકલ સ્ટાફમાં જોડાયા. અહીં તેમણે રડાર દ્વારા નિયંત્રિત, બૉમ્બ નાખવાની પદ્ધતિ ઉપર સંશોધનકાર્ય કર્યું; જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં થયો હતો. 1948માં કોલમ્બિયા યુનિવર્સિટીમાં જોડાયા. ત્રણ વર્ષ પછી તેમના મનમાં એક વિચાર ઉદભવ્યો, જે ‘મેસર’ની રચના દ્વારા સાકાર થયો. ‘મેસર’ પછી ટૂંક સમયમાં જ તેમણે શ્ય પ્રકાશનો ઉપયોગ કરીને એક પ્રયુક્તિની રચના કરી, જેને ‘લેસર’ નામ આપ્યું. આ પ્રયુક્તિમાં પરમાણુઓને પ્રકાશપુંજ વડે ઉત્તેજિત કરવામાં આવતા હતા. આવા ઉત્તેજિત પરમાણુઓ ફરીથી મૂળ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તે સુસંબદ્ધ (coherent) વિકિરણ તરંગો ઉત્સર્જિત કરે છે, તેમને યોગ્ય રીતે કેન્દ્રિત કરવાથી સુસંગત, પ્રબળ પ્રકાશપુંજ રૂપે ઊર્જા મળે છે તેને ‘લેસર’ કહે છે. પ્રયોગશાળામાં એક અગત્યના સાધન તરીકે ‘લેસર’ અને ‘મેસર’ અત્યંત ઉપયોગી છે. ઉપરાંત રડાર, સંચારણ (communications), ખગોળશાસ્ત્ર, નૌકાયાનશાસ્ત્ર (navigation), પરમાણ્વીય ઘડિયાળ, શસ્ત્રક્રિયા અને ઉદ્યોગમાં પણ તેના ઘણા ઉપયોગો છે. 1960માં ટાઉન્ઝ અને મેઇમાનને રૂબી લેસરનો વિકાસ કરવામાં સફળતા મળી. તે લાલ રંગનો પ્રકાશ હતો  અને એકવર્ણીય, સુસંબદ્ધ અને વધુ તીવ્ર હતો.

ચાર્લ્સ હાર્ડ ટાઉન્ઝ

1959–61 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડીફેન્સ ઍનાલિસિસ, વૉશિંગ્ટન, ડી. સી.ના ઉપપ્રમુખ અને સંશોધક-નિદેશક તરીકે તેમણે સેવાઓ આપી. તે પછી તેમની નિમણૂક મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના પ્રોફેસર અને ‘પ્રોવોસ્ટ’ (ઉચ્ચ કક્ષાના પ્રોફેસર) તરીકે થઈ. 1967માં ટાઉન્ઝની નિમણૂક બર્કલીની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે થઈ હતી. ટાઉન્ઝના પ્રદાનને કારણે મેસર-લેસર સિદ્ધાંત પર આધારિત દોલક (oscillators) અને પ્રવર્ધક-(amplifiers)ની શોધ શક્ય બની.

રાજેશ શર્મા