ટાઇફા : વનસ્પતિના એકદળી વર્ગની ટાઇફેસી કુળની પ્રજાતિ. તે પ્રસારિત ગાંઠામૂળીયુક્ત, ઉભયવાસી જલોદભિદ અને શાકીય જાતિઓ ધરાવે છે અને ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં ફેલાયેલી હોય છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ – Typha australis, Schum and Thonn. (ગુ. ઘાબાજરિયાં), T. elephantina Roxb (અંગ્રેજી elephant grass) અને T. laxmanii, Lepech (અં. scented flag) થાય છે.

ઘાબાજરિયું

ઘાબાજરિયું : ભારતમાં સપાટ મેદાનોથી માંડી 1730 મી.ની ઊંચાઈ સુધી સામાન્ય રીતે બધે જ થાય છે. ગુજરાતમાં આ જાતિમાં કેટલીક ભિન્નતાઓ જોવા મળી છે. તે 4 મી. ઊંચી, ઉભયવાસી, મજબૂત અને બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેની ગાંઠામૂળી પ્રસારિત અને શાખિત; પર્ણો અર્ધનળાકાર, 3.0 મી. × 0.5 સેમી.થી 2.5 સેમી., પર્ણઆવરકની ઉપર વધારે સાંકડાં, નીચેનો ભાગ અંતર્ગોળ-બહિર્ગોળાકાર(concavo-convex); પુષ્પવિન્યાસ નર અને માદા પુષ્પોવાળી નળાકાર શૂકી, નર અને માદા પુષ્પો વચ્ચે પુષ્પવિન્યાસની ધરી ઉપર સ્પષ્ટ અંતર, કેટલીક વખતે બંને પ્રકારનાં પુષ્પો જુદી જુદી વનસ્પતિઓ પર; નર શૂકિ 25 સેમી.થી 50 સેમી. લાંબી, ઘેરા પીળા રંગના પરાગાશયો; 22 સેમી.થી 38 સેમી. લાંબી આછા બદામી રંગની માદા શૂકિ, માદા પુષ્પો મગદળાકારનાં વંધ્ય સ્ત્રીકેસરોથી મિશ્રિત.

ઘાબાજરિયું અને એલિફંટ ગ્રાસના તરુણ પ્રરોહો, પુષ્પવિન્યાસ અને ગાંઠામૂળી વિવિધ રીતે ખવાય છે. પુષ્પો અને પરાગાશયો માંસની ખાદ્ય બનાવટોમાં અને મીઠાઈમાં વપરાય છે.  અપરિપક્વ શૂકિનો મૃદુ કેન્દ્રસ્થ ગર સ્વાદિષ્ટ મનાય છે. આ વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા સુગંધી પદાર્થો ફ્લેવોનોલ ગ્લુકોસાઇડનું જળવિભાજન કરતાં ક્વિર્સેટિન ઉત્પન્ન થાય છે. પર્ણો અને પુષ્પોમાં આલ્કેલૉઇડો હોય છે.

બંનેની ગાંઠામૂળી સંકોચક અને મૂત્રવર્ધક છે. ભૂતકાળમાં કટોકટી સમયે તેની પરાગરજ અવશોષક (absorbent) તરીકે ઉપયોગમાં લેવાતી હતી. નીચેની શૂકિની ભસ્મ ઘા રૂઝવવામાં ઉપયોગી છે. લાયકોપોડિયમના બીજાણુઓની જેમ તેની પરાગરજ વાઢકાપમાં વપરાય છે.

બીજમાંથી સહેજ ઘટ્ટ અને પીળાશ પડતું બદામી તેલ પ્રાપ્ત થાય છે.

પર્ણોમાંથી જુદી જુદી જાડાઈનાં દોરડાં, પક્ષીઓ, સૂપડાં અને સાદડી જેવી વિવિધ વસ્તુઓ ગૂંથવામાં  આવે છે. તિરાડો પૂરવા માટેના દ્રવ્ય તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. શૂકિનાં રેશમી પુષ્પકો પ્રભરણ (stuffing) માટે ઉપયોગી છે. ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં પ્રતિવર્ષ 8000 ટન પર્ણો પ્રાપ્ત થાય છે.

ટાઇફાની કેટલીક જાતિઓમાંથી મેળવાતા રેસાઓ રૂ, ઊન અને શણની અવેજી તરીકે અને કાગળની બનાવટમાં ઉપયોગમાં લઈ શકાય છે. પાંદડાં ચણતરમાં ચૂનાના કોલ (mortar) સાથે મિશ્ર કરવામાં આવે છે. કેટલીક જાતિઓના પુષ્પવિન્યાસમાંથી મળી આવતા મૃદુ ઊન જેવા રેસાઓ જાકીટ માટે  અને વીજરોધક (insulator) તરીકે ઉપયોગમાં આવે છે.

ભારતના કુટિર-ઉદ્યોગોમાં ઘાબાજરિયું અને એલિફંટ ગ્રાસનાં પર્ણો ઉપયોગમાં લેવાય છે.

એલિફંટ ગ્રાસ હાથીનો મનભાવતો આહાર હોવાથી એ નામે ઓળખાય છે. તેની ગાંઠામૂળી મરડો, પરમિયો (gonorrhoea) અને ઓરીમાં ઉપયોગી છે.

બળદેવભાઈ પટેલ