ટલીડો (toledo) (1) : સ્પેનનો એક પ્રાન્ત (કેસ્ટિલા-લા-માન્યા) તથા તે પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 39o 33’ ઉ. અ. અને 4o 20’ પ. રે.. આ પ્રાન્ત ન્યૂ કૅસ્ટિલા પ્રદેશનો ભાગ છે. તેની રાજધાની ટલીડો હતું. મૅડ્રિડથી અગ્નિમાં 65 કિમી. દૂર ગ્રૅનાઇટની ઊંચી ટેકરી પર તે આવેલું છે. ટાજો અથવા ટાગસ નદી આ ટેકરીની આસપાસનાં ઊંડાં કોતરોમાં વહે છે. કેસ્ટિલાની વસ્તી 17.60 લાખ, ટલીડોની 83,108 (2011).

ઉનાળામાં નગરનું તાપમાન અતિ ઉષ્ણ તથા શિયાળાની ઋતુમાં અત્યંત ઠંડું હોય છે. વાર્ષિક સરેરાશ વરસાદ 360 મિમી. હોય છે.

ટલીડો મધ્યકાલીન શહેર છે. ઘણી ઐતિહાસિક ઇમારતો ધરાવતા આ શહેરને સ્પેનની સરકારે ‘રાષ્ટ્રીય સ્મારક’ તરીકે જાહેર કર્યું છે. ઇમારતોની બાંધણી ઉપર ‘મૂર’ સંસ્કૃતિની અસર જોવા મળે છે. ગલીઓ સાંકડી, મકાનો ઊંચાં અને તેની બારીઓ એવી રીતે ગોઠવવામાં આવેલી છે કે ત્યાંથી પસાર થતાં ઘરમાં શું થાય છે તે જાણી કે જોઈ શકાય નહિ.

શહેરમાં આવેલ ગૉથિક દેવળ મહત્વનું સ્મારક છે જેનો મિનારો 90 મી. ઊંચો છે અને તેનું ખ્રિસ્તી દેવળ સુંદર ચિત્રો અને શિલ્પોથી સુશોભિત છે. પ્રખ્યાત ચિત્રકાર અલ ગ્રેકો (1501–1614) ટલીડોમાં રહેતા હતા. હવે તેમના નિવાસને તેમનાં ચિત્રોના સંગ્રહાલય તરીકે ફેરવવામાં આવ્યું છે.

ટલીડોમાં ઉદ્યોગો બહુ વિકસ્યા નથી. શહેરની આસપાસના વિસ્તારમાં ખેતી અને ઘેટાંઉછેર મહત્વની પ્રવૃત્તિ છે.

મધ્યયુગથી જ અહીં પોલાદ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે. ટલીડોના પોલાદની બનેલી તલવારો ખૂબ મશહૂર હતી. આજે પણ પોલાદની ચીજવસ્તુઓ અને કાપડ-ઉદ્યોગ માટે આ શહેર પ્રખ્યાત છે.

712માં મૂર જાતિના અરબ શાસકોએ તેના પર કબજો કર્યો તથા આ નગરને તેમના તે પ્રદેશના લશ્કરનું મુખ્ય મથક બનાવ્યું. લિયોન અને કૅસ્ટાઇલના રાજા આલ્ફોન્સો છઠ્ઠાએ 1085માં તેના પર કબજો કર્યો અને તેને પોતાની રાજધાની બનાવી જે પાછળથી ફિલિપ બીજાએ 1561માં મૅડ્રિડમાં ખસેડી. ત્યારપછી તેની પડતી શરૂ થઈ હતી. એક જમાનામાં આ નગર સ્પેનનું મહત્વનું વ્યાપારી અને રાજકીય મથક ગણાતું, હવે તે માત્ર પર્યટનસ્થળ તરીકે મહત્વ ધરાવે છે.

નિયતિ મિસ્ત્રી