ટર્મિનાલિયા : દ્વિદળી વર્ગના કૉમ્બ્રિટેસી કુળની પર્ણપાતી વૃક્ષોની બનેલી મોટી પ્રજાતિ. તેનું કાષ્ઠમય આરોહી સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. તેની વિશ્વમાં લગભગ 135 જેટલી જાતિઓ થાય છે અને એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં 16 જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિની ભારતમાં થતી અગત્યની જાતિઓમાં Terminalia crenulata Reta (સાદડ); T arjuna (Roxb). Wight & Arn. (અર્જુન સાદડ); T. catappa, Linn. (દેશી બદામ); T. bellirica, Roxb, (બહેડાં); T. myriocarpa, Heurck & Muell-Arg. (પાનીસાજ); T. chebula, Retz. (હરડે) bialata stcud (સિલ્વર ગ્રે વૂડ), T. Roxb. ex fcm. (બં.હરિતકી) અને T. paniculata Roth(કિંજલ)નો સમાવેશ થાય છે. તેની કેટલીક જાતિઓ ઇમારતી કાષ્ઠ, ટૅનિન, ઔષધો અને ખાદ્ય બીજ માટે ખૂબ જાણીતી છે. ઘણીખરી જાતિઓના પર્ણતલપ્રદેશે એક યા બે સ્પષ્ટ ટપકાંવાળી ગ્રંથિ જોવા મળે છે. તેમનાં પર્ણો સાદાં મોટાં ચર્મિલ (coriaceous), અંડાકાર (ovate) કે દીર્ઘવૃત્તીય (elliptic) અને એકાંતરિક હોય છે. તે Antheraea mylitta (ટસર) પ્રકારના રેશમ કીટક માટે ઉત્તમ ખોરાક પૂરો પાડે છે.
સાદડ ઇમારતી લાકડા માટે આ પ્રજાતિની સૌથી અગત્યની જાતિ છે. તેનું રસકાષ્ઠ (sapwood) આછું પીળાશ પડતું સફેદ હોય છે. અંત:કાષ્ઠ (heartwood) આછા બદામીથી ઘેરા બદામી કે બદામી કાળા રંગનું હોય છે, જેમાં વધારે ઘેરા રંગના પટ્ટાઓના બનેલા લિસોટા હોય છે. તે ઘણું મજબૂત અને વજનદાર (વિશિષ્ટ ઘનત્વ 0.707 –0.94 : વજન 737–761 કિગ્રા./ ઘનમીટર) હોવાથી ઇમારતી ઉપયોગ તથા રેલવે-સ્લીપરો માટે તેની ઘણી માગ રહે છે. આ ઉપરાંત રેલવે-વૅગનની ફરસબંધીમાં પણ ઘણું ઉપયોગી છે. ટેલિફોન-થાંભલા, વીજળીવાહક થાંભલા, મોભ, બારીબારણાં વગેરેમાં પણ ઘણું ઉપયોગી છે. છાલમાંથી 18.7 % જેટલું ટૅનિન મળે છે. તેનો ચામડું કમાવવા માટે બાવળની અવેજીમાં ઉપયોગ થાય છે. તેના નિષ્કર્ષનો સુતરાઉ કે રેશમી કાપડ, શણના રેસા અને ઊન રંગવા માટે ઉપયોગ થાય છે. છાલના કૂચામાંથી ઑક્ઝેલિક ઍસિડ મેળવવામાં આવે છે.
અર્જુન સાદડનું રસકાષ્ઠ રતાશ પડતું સફેદ હોય છે અને અંત:કાષ્ઠ બદામીથી ઘેરા બદામી રંગનું હોય છે, જેમાં વધારે ઘેરા-કાળા રંગની રેખાઓ જોવા મળે છે. કાષ્ઠ ચમકીલું, ખૂબ સખત, ટકાઉ અને મધ્યમસરનું વજનદાર (વિશિષ્ટ ઘનત્વ 0.74; વજન 816–865 કિગ્રા./ ઘનમીટર) હોય છે. તેનો ઉપયોગ ખેતઓજારો, વીજળીના થાંભલા, બંદર-ધક્કા (getty) વગેરે માટે થાય છે.
છાલ ઉગ્ર (acrid) હોય છે અને તે સ્તંભક (styptic), બલ્ય (tonic), જ્વરશામક (febrifugal) અને અતિસારરોધી (anti-dysenteric) ગુણધર્મો ધરાવે છે. છાલનો પાઉડર અતિરક્તદાબ (hypertension) માટે ઉપયોગી છે.
બહેડાંનું કાષ્ઠ પીળાશ પડતું ભૂખરું હોય છે, જેમાં અંત:કાષ્ઠ જુદું પાડી શકાતું નથી. તેનું વિશિષ્ટ ઘનત્વ 0.60–0.77 અને વજન 593-769 કિગ્રા./ઘનમીટર છે. લાકડું ખાણટેકા, પેટીપટારા, હોડીઓ અને લાકડાનાં પીપ માટે ઉપયોગી છે. તેનું લાકડું સામાન્ય રીતે એટલું ટકાઉ નથી પરંતુ પાણીની અંદર તે સારું કામ આપે છે. તેનાં ફળમાંથી ટૅનિન તૈયાર થાય છે. જે ચર્મઉદ્યોગ તથા ઇતર ઉપયોગ માટે વપરાય છે. તેનાં બીજમાંથી અખાદ્ય તેલ પણ મળે છે, જે સાબુ માટે વાપરી શકાય છે.
દેશી બદામ (બહેડાનું વૃક્ષ) : તેનું રસકાષ્ઠ તરુણ વૃક્ષોમાં ભૂખરું હોય છે. અંત:કાષ્ઠ મોટાં વૃક્ષોમાં જુદું પાડી શકાતું નથી. તે ઈંટ જેવા લાલ કે બદામી લીલા રંગનું હોય છે. તે ચમકીલું, લીસું અને હલકાથી પ્રમાણસર ભારે વજન (વિશિષ્ટ ઘનત્વ 0.463–0.673; વજન 465–673 કિગ્રા./ઘનમીટર) ધરાવે છે. તેનું કાષ્ઠ મકાન-બાંધકામ, પૈડાના નકશીકામ અને સામાન્ય સુથારીકામમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ પ્લાય-બોર્ડ બનાવવામાં, તરાપો, વળીઓ વગેરેમાં થાય છે. લગભગ બદામ જેવા જ ગુણો ધરાવતાં મીંજ આપનારી આ જાતિનાં પર્ણો ઢોરના ચારા માટે ઉપયોગી હોવા ઉપરાંત ચામડીનાં દરદો માટે અકસીર ગણાય છે. છાલ તેમજ પર્ણોમાંથી મળતો રંગ પણ ઉપયોગી છે. પર્ણો રેશમકીટક માટે પણ ખોરાક પૂરો પાડે છે.
હરડે પણ આ જ પ્રજાતિની જાતિ છે. તેનાં ફળની છાલમાંથી સારું ટૅનિન મળે છે. તેનાં મૂળ, છાલ તથા લાકડામાંથી પણ ટૅનિન મળે છે. તેનાં મીંજમાંથી અખાદ્ય તેલ મળે છે તે પણ સાબુ-ઉદ્યોગ માટે ઉપયોગી છે. તેનાં ફળ રેચક (laxative), ક્ષુધાવર્ધક (stomachic), બલ્ય અને પરિવર્તક (alterative) ગુણધર્મો ધરાવે છે. ત્રિફળાની બનાવટમાં આમળાં અને બહેડાં સાથે તેનો ઉપયોગ થાય છે. ફળનો ગર દાંતના પેઢામાં થતા રક્તસ્રાવ અને ચાંદાંમાં દંતમંજન તરીકે ઉપયોગી છે. નેત્રશ્લેષ્મલાશોથ (conjunctivitis) કન્જંક્ટિવાઇટિસ અને તેના જેવા આંખના રોગોમાં પણ ત્રિફળા ઉપયોગી છે. છાલમાં મૂત્રલ (diuretic) અને હૃદ્-બલ્ય (cardiotonic) ગુણધર્મો હોય છે.
પાનીસાજ : ઘર બાંધકામ, વીજળીના થાંભલા, પેટીઓ તથા કાગળના માવા માટે તેમજ ટૅનિન માટે ઉપયોગી છે, જ્યારે કિંજલ સારી જાતનું ઇમારતી લાકડું, વહાણ માટેનું લાકડું કે જે આગ સામે સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે તે આપે છે. તે છાલ અને ફળમાંથી ટૅનિન આપે છે, જે ચર્મ-ઉદ્યોગ તેમજ રંગકામ માટે ઉપયોગી છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ