ટર્પેન્ટાઇન : શંકુ આકાર(conifer)ના વર્ગનાં વૃક્ષો(દા.ત., પાઇન)માંથી ઝરતા રસ તથા લાકડાના બાષ્પનિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું સુવાસિત તેલ. લાકડાના માવાને સલ્ફેટ-વિધિથી ગરમ કરતાં જે રંગવિહીન અથવા પીળાશ પડતા રંગનું પ્રવાહી વધે તેમાંથી પણ તે મળે છે. ટર્પેન્ટાઇન ચક્રીય ટર્પિન્સનું મિશ્રણ છે. તેમાં મુખ્ય ઘટક α – પાઇનિન તથા થોડું β – પાઇનિન હોય છે. તે લગભગ 150° સે. તાપમાને ઊકળે છે અને તેની વિ. ઘનતા લગભગ 0.85થી 0.875 જેટલી હોય છે. રંગવિહીન પ્રવાહી, પાણીમાં અદ્રાવ્ય છે. ટર્પેન્ટાઇન મુખ્યત્વે ચાર રીતે ભેગું કરવામાં આવે છે : (i) ગુંદ-ટર્પેન્ટાઇન : પાઇનના રસસ્રાવનું બાષ્પનિસ્યંદન કરીને. રસસ્રાવમાં તેનું પ્રમાણ 25 %થી પણ ઓછું હોય છે; (ii) કાષ્ઠ-ટર્પેન્ટાઇન : શંકુ આકારના વર્ગનાં વૃક્ષોને જમીનમાં 10થી 15 વરસ દાટી રાખ્યાં બાદ તેનું દ્રાવક દ્વારા નિષ્કર્ષણ કરીને; (iii) ભંજક-નિસ્યંદિત ટર્પેન્ટાઇન : વૃક્ષોના ટુકડાનું ભંજક નિસ્યંદન કરીને તેમાંથી બાષ્પશીલ દ્રવ્યો એકઠાં કરવામાં આવે છે; (iv) સલ્ફેટ-ટર્પેન્ટાઇન : કાગળનો માવો બનાવવાના ઉદ્યોગમાંથી મળે છે. કાગળના માવાનો ચીકણો ભાગ રાસાયણિક રીતે અલગ કરી તેમાંથી ચીકાશ-દ્રવ્યો કાઢી નાખીને તેને શુદ્ધ કરવામાં આવે છે.
ટર્પેન્ટાઇન મુખ્યત્વે દ્રાવક તરીકે તથા રંગ-પ્રલેપ તેમજ વાર્નિશ માટે થિનર તરીકે વપરાય છે. વળી કપૂર, બૉર્નિયોલ, ટર્પિનિયોલ, ટર્પિન હાઇડ્રેટ વગેરે બનાવવા ટર્પેન્ટાઇન મધ્યસ્થી તરીકે વપરાય છે. આ ઉપરાંત તે લિથોગ્રાફીમાં તથા લાખ તરીકે અને મસાજ કરવાના મલમમાં ઉપયોગી છે. અગાઉ તે ફેફસાંના સોજામાં તથા શ્વાસનળીના સોજા અને ઉધરસ માટે પણ વપરાતું.
જ. પો. ત્રિવેદી