ટર્ફ : વિશિષ્ટ પ્રકારના ઘાસથી ખીચોખીચ છવાયેલ જમીન. એવી જમીન તૈયાર કરીને તેને ટાઇલ્સની માફક ટુકડા કાઢીને બીજી જગ્યાએ રોપી દેવામાં તે વપરાય છે.

બગીચામાં જે લૉન ઉગાડવામાં આવે છે તેને પણ ટર્ફ જ કહે છે. સારી ટર્ફ એ કહેવાય, કે જે જમીન  ઉપર પૂરેપૂરી પથરાઈ ગઈ હોય અને લીલીછમ, પોચી ગાલીચા જેવી તથા ઉઘાડા પગે ચાલતાં વાગે નહિ તેવી હોય.

બગીચામાં આવી લૉન–ટર્ફ ઉગાડવા માટે સારા પ્રમાણમાં સેન્દ્રિય ખાતર નાખવું જરૂરી હોય છે. જમીન બરોબર નિતારવાળી ન હોય તો બદલીને કે થોડા પ્રમાણમાં નદીનો કાંપ નાખવો જરૂરી છે. આની ઉપર બી છાંટીને કે બીજેથી ઘાસ લાવીને રોપીને લૉન કરી શકાય છે. રોપ્યા પછી એકબે માસમાં લૉન ભરાવા માંડે છે. પછી મશીનથી કાપતા રહેવાથી થોડા વખતમાં ઘાસ પૂરેપૂરું છવાઈ જાય છે. અથવા જ્યાં લૉન થઈ હોય ત્યાંથી ટાઇલની માફક 20 સેમી. × 20 સેમી. કદના તથા 15 સેમી. જાડાઈના પાટ (slab) કાઢી લાવી જ્યાં ટર્ફ કરવાની હોય ત્યાં વ્યવસ્થિત રોપી દેવાય છે. જરૂર પડે તો તેના પર હલકું રોલર ફેરવવામાં આવે છે.

સામાન્ય રીતે ઉનાળામાં દરરોજ અને શિયાળામાં એકાંતરે દિવસે પૂરતા પ્રમાણમાં – સામાન્ય રીતે દર ચોરસ મીટરે 7થી 8 લિટર–પાણી આપવું પડે છે. વખતોવખત નીંદણ કઢાય છે. લૉનમોવર મશીન 10થી 15 દિવસે ફેરવવાથી ટર્ફ મુલાયમ ગાલીચા જેવું દેખાય છે.

આ તો થઈ સામાન્ય બગીચાની લૉનની વાત. પણ ટર્ફમાં તો આ ઉપરાંત જ્યાં એનો ખાસ ઉપયોગ પણ કરવાનો હોય તે જગ્યા પણ આવી જાય; જેમ કે ક્રિકેટ-પિચ કે ગ્રાઉન્ડ, ગૉલ્ફ, ટેનિસ, ફૂટબૉલ વગેરે માટે લીલુંછમ એકસરખું ઘાસ ઉગાડવામાં આવે છે. તે ખાસ કાળજી માગી લે છે. આ માટે પોણાથી એક મીટર નીચે પાણી નીતરી જાય તે માટે વીસેક સેમી.નો રોડાં, કોલસાની ભૂકી વગેરેનો થર કરી એની ઉપર નદીનો કાંપ વગેરે પૂરવામાં આવે છે અને તે રીતે ટર્ફ ઉગાડાય છે. ઉપયોગ, આબોહવા, બજેટ વગેરેને લક્ષમાં રાખીને ટર્ફ ઉગાડવાની પદ્ધતિમાં જુદા જુદા ફેરફારો કરવાના રહે છે. ક્રિકેટની ટર્ફ-પિચ માત્ર નિષ્ણાતો બનાવી શકે છે. દૂર્વા અને તેની જુદી જુદી જાતો અથવા વિશિષ્ટ પ્રકારનું ઘાસ ટર્ફિંગ માટે વપરાય છે.

ટર્ફ માટે બર્મુડા ઘાસ (Cynodon Dactylon – ધરો), બેન્ટ ઘાસ (Agrostis stolonifera var. palustris), કાર્પેટ ઘાસ (Axonopus affitinis), ફેસ્ક્યુ (Festuca rubra), રાયઘાસ (Lolium perenne, L. multiflorum),  Stenotaphrum અને Zoysiaનો ઉપયોગ થાય છે.

મ. ઝ. શાહ