ટબેબુઇયા : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલ બિગ્નોનિયેસી કુળની Tecoma સાથે સામ્ય દર્શાવતી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં તેની સાતેક જાતિઓ નોંધાયેલી છે. કેટલીક જાતિઓને તેનાં સુંદર ગુલાબી, સોનેરી-પીળાં કે વાદળી પુષ્પોના સમૂહો માટે શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. તે સદાહરિત વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે.
T. pentaphylla (Linn) Hemslc. syn. Tecoma pentaphylla, Juss (Pink Tecoma, salvador pink trumpet) મધ્યમ કદનું વૃક્ષ છે અને પુષ્પો માટે ઉગાડાય છે. પુષ્પનિર્માણ સમયે તે પર્ણવિહીન બને છે અને ગુલાબી રંગનાં સુંદર પુષ્પોનાં અગ્રસ્થ ઝૂમખાંને કારણે વૃક્ષની શોભા વધી જાય છે. તે 3થી 5 પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણો ધરાવે છે. પર્ણિકાઓ અંડાકાર અને લાંબી હોય છે. પ્રાવર ફળો 13થી 28 સેમી. લાંબાં અને ચપટાં હોય છે.
તેનું કાષ્ઠ આછા પીળાથી માંડી ભૂખરા બદામી રંગનું અને ખૂબ સખત હોય છે. તે બાહ્ય ર્દષ્ટિએ ઓક સાથે સામ્ય ધરાવે છે. તેનું સંશોષણ (seasoning) સારી રીતે થતું હોવા છતાં તે ભૂમિના સંપર્કમાં હોય તો ખૂબ ટકાઉ હોતું નથી, કારણ કે તેના પર કીટકો આક્રમણ કરી શકે છે. તેના કાષ્ઠને વેપારી ર્દષ્ટિએ વેસ્ટ ઇન્ડિયન બૉક્સવૂડ કહે છે.
તેનો બૉક્સવૂડની અવેજીમાં, ફર્નિચર, મકાન-બાંધકામ, વૅગન, હલેસાં અને વિવિધ ઓજારોના હાથા વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે.
તેની છાલ મૂત્રલ (diuretic), જ્વરરોધી (antipyretic) અને વિષહર (alexiteric) ગુણધર્મો માટે જાણીતી છે. ફળ પણ મૂત્રલ અને તેની છાલ સંમોહક (hypnotic) હોય છે.
T. serratifolia(vahl) Nichols. syn. Tecoma serratifolia, G. Don. 9.0 મીટરથી વધારે ઊંચું વૃક્ષ છે. તે ઘણી વાર આધારમૂળ (buttress roots) ધરાવે છે. પુષ્પો ચકચકિત પીળાં અને સમશિખ મંજરી (corymb) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેનાં બીજ સપક્ષ (winged) હોય છે.
તેનું કાષ્ઠ સખત અને ટકાઉ હોય છે. તે ઝડપથી સુકાય છે અને તેનું સંશોષણ સહેલાઈથી થાય છે. પુલ, રેલવે સ્લીપરો, લાકડી, ઓજારોના હાથા, કમાનો, મકાનબાંધકામ વગેરેમાં તેનું કાષ્ઠ ઉપયોગી છે.
તેની અન્ય જાતિઓ T. chrysantha, Nichols, T. donell-smithi, Rose; T. pallida, Miers, T. rosea Dc. syn. Tecoma spectabilis, Planch. and Linden. ભારતીય ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે.
મ. ઝ. શાહ