ટફ (tuff) : જ્વાળામુખી–પ્રસ્ફુટન દ્વારા સીધેસીધી ઉદભવેલી, ઘણુંખરું 4 મિમી.થી નાના કદવાળા ટુકડાઓથી બનેલી, પરંતુ જમાવટ પામેલી જ્વાળામુખી ભસ્મ. મોટાભાગના ટુકડાઓ, કણિકાઓથી, સ્ફટિકો કે ખડકોના સૂક્ષ્મ વિભાજનથી બનેલા હોય છે, તેમ છતાં કેટલુંક દ્રવ્ય પ્રવાહી લાવાના પરપોટા રૂપે નીકળી ઝડપથી ઠરી જઈ, જ્વાળામુખી કાચના રૂપમાં જમાવટ પામતું હોય છે. ઊંડાઈએથી નીકળતો મૅગ્મા તો ઊંચા દબાણ હેઠળ હોય છે, પણ જ્વાળામુખી-કંઠ સુધી આવતાં સુધીમાં દબાણ ઓછું થઈ જતું હોય છે, તેથી વિસ્ફોટ વખતે વાયુઓ ઝડપથી મુક્ત થઈ  ઊડી જવાથી લાવાનાં ટીપાં વિસ્ફોટ પામીને અનેક ઝીણા કણોમાં ફેરવાઈ જતાં હોય છે. આમ વિસ્તરણની અને કાચમાં ઘનીભવન થવાની બંને ક્રિયા સાથોસાથ બનતી હોય છે. તેથી કોટરયુક્ત જથ્થા તૂટીફૂટીને સૂક્ષ્મ કણિકાઓના વિપુલ જથ્થામાં ફેરવાઈ જાય છે. આ પ્રકારનો જ્વાળામુખીજન્ય જથ્થો ભસ્મ રૂપે જમાવટ પામે ત્યારે તે ટફ તરીકે ઓળખાય છે. કણકદ મોટું હોય તો તેને લેપિલી ટફ, જ્વાળામુખી બ્રેક્સિયા અને ઍગ્લોમરેટ કહેવાય છે.

સ્થૂળ અને વજનદાર ટુકડાઓ જ્વાળામુખી-કંઠની આજુબાજુ  એકત્ર થતા હોય છે. સૂક્ષ્મ ભસ્મ પવન દ્વારા ઊડતી રહીને સેંકડો, હજારો કિલોમીટરના વિસ્તારમાં ફેલાય છે. ક્રમે ક્રમે મહાસાગરના જળમાં પડીને ઓછાવત્તા પ્રમાણમાં શેલ, રેતીખડક, ચૂનાખડક જેવા નિક્ષેપો સાથે જામતી જાય છે. જો આ ભસ્મ ખુલ્લા, સૂકા ભૂમિવિસ્તારો પર પડે તો વરસાદ કે નદીજળ દ્વારા ઝડપથી ધોવાઈ જઈ, અન્ય સ્થાનાંતરિત થતા જતા શિલાચૂર્ણ જથ્થામાં સામેલ થઈને છેવટે મહાસાગરજળમાં સ્તરબદ્ધ નિક્ષેપ જમાવટ પામે છે. આ પ્રકારની જમાવટ મિશ્ર (hybrid) ટફ તરીકે ઓળખાય છે.

પ્રસ્ફુટિત થતી જ્વાળામુખી-પેદાશના બંધારણ મુજબ રહોયોલાઇટ-ટફ, ટ્રૅકાઇટ-ટફ કે એન્ડેસાઇટ-ટફ બનાવે છે; કાચથી બનેલી હોય તો કાચિક (vitric) ટફ, સ્ફટિકોથી બનેલી હોય તો સ્ફટિકમય (crystalline) ટફ અને ખડક-ટુકડાઓથી બનેલી હોય તો પાષાણ(lithic)-ટફ નામ અપાય છે  આ પ્રકારભેદ ક્રમિક કક્ષા પ્રમાણે પાડેલા છે.

(1) કાચમય ટફ પ્રવાહી લાવાના વિસ્ફોટજન્ય પ્રસ્ફુટનની પેદાશ હોય છે. કાચ ખૂબ જ કોટરયુક્ત હોય તો અનિયમિત ટુકડાઓ કે કણિકાઓવાળો હોય છે. તેની સપાટીઓ અંતર્ગોળ હોય છે, જે તૂટેલા, ભાંગેલા વાયુપરપોટાની દીવાલો હોવાનું સૂચવે છે. ટુકડાઓ, થોડા મોટા બન્યા હોય, એવા ને એવા જ હોય અને કોટરો  અસંખ્ય હોય તો તે પ્યુમિસ કહેવાય છે. કાચ બિનપરિવર્તિત હોય તો સ્વચ્છ, રંગવિહીન હોય છે અથવા ક્યારેક કાળી મૅગ્નેટાઇટ રજથી આચ્છાદિત હોય છે. જો તે બેસાલ્ટિક કાચ હોય તો રંગ પીળો કે કથ્થાઈ હોય છે, પણ તે ભાગ્યે જ બને છે.

કાચિક ટફ સામાન્ય રીતે તો વિસ્ફોટક પ્રસ્ફુટનોની લાક્ષણિકતા ગણાય છે, તે જ્વાળામુખી-સ્રોતથી ઘણા અંતરે મળે છે. મહદંશે તો ર્હાયોલાઇટ બંધારણવાળા હોય છે, પરંતુ ક્યારેક તે ડેસાઇટ, ઍન્ડેસાઇટ કે ટ્રૅકાઇટ બંધારણવાળા પણ હોય છે અને ભાગ્યે જ બેસાલ્ટિક હોય છે.

જ્યારે વાયુઓના વધુ પ્રમાણવાળો સ્નિગ્ધ લાવા વિસ્ફોટ સહિત પ્રસ્ફુટન પામે ત્યારે સૂક્ષ્મ કણોથી બનેલાં, ગરમ, ઘટ્ટ, પ્રદીપ્ત વાયુવાદળો ઉદભવે છે. તે ‘ન્યૂએસ આર્ડેન્ટ્સ’ કહેવાય છે. તે જ્વાળામુખી-શંકુઓની કિનારી પરથી નીકળી ત્યાં છંટકાવ કરે છે. વળી, લાવા સહિત તે શંકુના ઢોળાવો પર પ્રપાત (avalanche) રૂપે ધસી પડે છે. આ ઘટના દરમિયાન તેમાં રહેલી બાષ્પ અને વાયુઓ મુક્ત થઈ ઊડી જાય છે, જે કાચમય દ્રવ્ય રૂપે ઠરીને ફરીથી નીચે પડે છે, પડવાથી ચપટા બને છે, પ્રત્યેક કાચકણ જોડાઈ જાય છે, એટલે કે તે સંશ્લેષિત થઈ જાય છે, જે સંશ્લેષિત ટફ (welded tuff) અથવા ઇગ્નિમ્બ્રાઇટ કહેવાય છે. (જુઓ ઇગ્નિમ્બ્રાઇટ.)

(2) સ્ફટિકમય ટફ લાવાના વિસ્ફોટક પ્રસ્ફુટનની પેદાશ ગણાય છે, જેમાં ઘણા સ્ફટિકો અગાઉથી થયેલા હોય તે નીકળી આવે છે ને પડે છે. વિસ્ફોટથી અને પડવાથી તે તૂટી જાય છે, આ ઉપરાંત ઘણાખરા, તેમનાં પાતળાં કાચમય પડ-આવરણ જાળવી પણ રાખે છે. તેમના પર સ્નિગ્ધ લાવાનું આવરણ પણ ચડી જતું હોય છે, પરંતુ જો લાવા તરલ હોય તો શરૂઆતનો ચોંટેલો લાવા પ્રસ્ફુટન દરમિયાન ઊડતી વખતે લુછાઈ જાય છે. સ્ફટિકમય ટફના જથ્થાનો મોટો ભાગ સ્ફટિકોથી જ બનેલો હોય છે, પરંતુ બધા સ્ફટિકોનો તૂટેલો જથ્થો ભેગો થવાથી અને જમાવટ પામવાથી ખડક જેવું સ્વરૂપ પકડે છે.

(3) પાષાણ-ટફ મોટેભાગે તો જ્વાળામુખી પ્રસ્ફુટન દરમિયાન ઘન ખડકોના તૂટી પડવાથી બનેલા કોણાકાર ટુકડાઓથી બનેલો હોય છે. તેમનો માતૃસ્રોત ત્યાં જ અગાઉ જામેલા લાવાપ્રવાહોથી બનેલા ખડકો અને જ્વાળામુખી પેદાશો હોય છે, જે નવાં થતાં જતાં પ્રસ્ફુટનો દ્વારા વિભાજિત થઈ ફરીથી જામે છે. વિસ્ફોટ દરમિયાન ક્યારેક અંત:કૃત કે જળકૃત કે વિકૃત ખડકો જો તેમાં મિશ્ર થયા હોય તો તેમના ટુકડા પણ હોય છે. લાવા જે જૂના ખડકોમાં થઈને નીકળ્યો હોય તે ખડકોના તૂટેલા ટુકડાઓ તેમાં સંકળાતા હોય છે.

જ્વાળામુખી ટફ અને ભસ્મ ખૂબ જ પરિવર્તનશીલ હોય છે. કાચમય દ્રવ્ય સામાન્ય રીતે તો વિકાચીકરણ પામે છે અથવા સિલિકા અને ફેલ્સ્પારના અતિ સૂક્ષ્મદાણાદાર સમૂહોમાં સ્ફટિકીકરણ પામી શકે છે. રહાયોલાઇટ કાચ મૃદખનિજો(મોટેભાગે મોન્ટમોરિલોનાઇટ)માં પરિવર્તન થઈને બેન્ટોનાઇટ બનાવે છે. કથ્થાઈ બેસાલ્ટિક કાચ, જો બન્યો હોય તો, તે જ્યારે પાણી સાથે જોડાય ત્યારે પીળા પેલેગોનાઇટમાં પરિવર્તન પામે છે. અહીં સ્ફટિકોની ટફસ્વરૂપમાં તૂટવાની ક્રિયા મોટા ભાગના અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ઘટકોના જેવી હોય છે.

જ્વાળામુખી ટફ
(અ) રહાયોલાઇટ બંધારણવાળો કાચિક ટફ : રજકણ પરિવેષ્ટિત દ્રવ્યમાં કાચકણિકાઓ, (આ) સંશ્લેષિત ટફ : વિરૂપ અને ચપટી બનેલી કાચકણિકાઓ, (ઇ) સ્ફટિકમય ટફ, (ઈ) પાષાણ-ટફ.

ગિરીશભાઈ પંડ્યા