ટંડન, પુરુષોત્તમદાસ (જ. 1 ઑગસ્ટ 1882, અલ્લાહાબાદ; અ. 1 જુલાઈ 1961) : રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, સ્વાતંત્ર્યસેનાની અને રાષ્ટ્રભાષા હિંદીના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમ વર્ગના ખત્રી કુટુંબમાં. પિતાનું નામ શાલિગ્રામ. પ્રાથમિક શિક્ષણ ઘેર લીધા બાદ માધ્યમિક શિક્ષણ અલ્લાહાબાદમાં. 1897માં તેમણે હાઈસ્કૂલની છેલ્લી પરીક્ષા આપી. મ્યૂર સેન્ટ્રલ મહાવિદ્યાલયમાંથી 1904માં ગ્રૅજ્યુએટ થયા બાદ તેઓ એલએલ.બી. તથા ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા. વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન રાષ્ટ્રીય ચળવળ સાથે સંકળાયેલા હોવાથી તેમને 1899માં એક વરસ માટે મ્યૂર કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

પુરુષોત્તમદાસ ટંડન
1906માં અલ્લાહાબાદના પ્રતિનિધિ તરીકે તેમને કૉંગ્રેસ સમિતિમાં સ્થાન મળ્યું હતું. 1908થી 14 દરમિયાન સર તેજબહાદુર સપ્રુ સાથે વકીલાતમાં જોડાયા. 1914માં મદનમોહન માલવિયાની ભલામણથી તે નાભા રાજ્યના કાયદામંત્રી બન્યા. હિંદી ભાષાના પ્રચારાર્થે તેમણે 1917માં નાભા રિયાસતની નોકરીનો ત્યાગ કર્યો.
1918માં ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે તેમણે કિસાનોનું સંગઠન ઊભું કર્યું. 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ-સમિતિના સભ્ય તરીકે તેમણે કામ કર્યું. 1920માં અસહકારની ચળવળમાં જોડાયા. 1921માં વકીલાત છોડીને તેમણે સત્યાગ્રહની ચળવળમાં ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો. 1923માં ગોરખપુર જિલ્લા કાગ્રેસના પ્રમુખ થયા અને તે જ વરસે પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધિવેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા. અસહકારની લડતમાં ઓટ આવતાં તેમણે 1923થી 29 દરમિયાન લાહોરમા પંજાબ નૅશનલ બૅંકના વહીવટી અધિકારી તરીકે નોકરી કરી; પણ 1929માં તેમણે કિસાન સભાની પ્રવૃત્તિ વ્યવસ્થિત કરી તેને વેગ આપ્યો. 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે તેમણે ઉત્તરપ્રદેશમાં નાકર આંદોલન ચલાવ્યું. તે માટે તેમને કેદની સજા થઈ. 1931માં કૉંગ્રેસના કરાંચી અધિવેશન વખતે કારોબારી સમિતિના સભ્ય બન્યા. 1932થી કિસાન સભા સંચાલિત લડતોમાં ભાગ લઈને અનેક વાર જેલવાસ વહોર્યો. 1937–38માં કૉંગ્રેસના શાસન દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશની વિધાનસભાના અધ્યક્ષ હતા. સપ્ટેમ્બર, 1939માં ઉત્તરપ્રદેશના પ્રધાનમંડળે પક્ષના આદેશ મુજબ રાજીનામું આપ્યું ત્યારે તેમણે પણ સ્પીકરના પદેથી રાજીનામું આપ્યું અને હિંદી ભાષાના પ્રચારકાર્યમાં લાગી ગયા. 1942માં ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન તેઓ સાતમી વખત જેલમાં ગયા. ખરાબ તબિયતને કારણે તેમને ભારત સરકારે બિનશરતે જેલમુક્ત કર્યા. જેલમુક્તિ બાદ તેઓ રાષ્ટ્રીય કૉંગ્રેસની પુનર્રચનામાં વ્યસ્ત થયા. 1948માં તેઓ ફરી વાર ઉત્તરપ્રદેશની વિધાનસભાના અધ્યક્ષ થયા.
1946માં તેઓ બંધારણસભાના સભ્ય બન્યા. 1950માં અખિલ ભારતીય કૉંગ્રેસના નાશિક અધિવેશનના પ્રમુખ ચૂંટાયા, પણ કારોબારીની રચના અંગે જવાહરલાલ નહેરુ સાથે મતભેદ પડતાં 1951માં તેમને પ્રમુખપદ છોડવું પડ્યું. 1952માં લોકસભાના અને 1956માં રાજસભાના તેઓ સભ્ય બન્યા. 1956 પછી નાદુરસ્ત તબિયતને કારણે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા.
સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી, હિંદી સાહિત્ય સંમેલન અને રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ હતો. તેઓ ઘણાં વરસો સુધી હિંદી ‘અભ્યુદય’ સામયિકના તંત્રી પણ હતા. ગાંધીજીએ તેમને ‘રાજર્ષિ’નું બિરુદ આપ્યું હતું. 1960માં રાષ્ટ્રપ્રમુખ બાબુ રાજેન્દ્રપ્રસાદના હસ્તે તેમને ‘ટંડન અભિનંદન ગ્રંથ’ અર્પણ કરવામાં આવ્યો હતો.
રાધાસ્વામી સંપ્રદાયની અસરને લીધે તેઓ જ્ઞાતિવાદ અને કોમવાદના સંકુચિત વિચારોથી મુક્ત હતા. તેઓ હિંદુ-મુસ્લિમ ઐક્યના હિમાયતી હતા. દેશના ભાગલાનો તેમણે વિરોધ કર્યો હતો. આ કારણે દેશની આઝાદીની ઉજવણીમાં પણ તેમણે ભાગ લીધો ન હતો. તેઓ ગૃહઉદ્યોગોને ઉત્તેજન આપવાના મતના હતા. ગ્રામીણ પ્રજાના શિક્ષણકાર્યમાં તેઓ ઊંડો રસ ધરાવતા હતા.
અભ્યાસક્રમોમાં ભારતીય સંસ્કૃતિના વારસાને સ્થાન આપવાના તથા માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાના તેઓ આગ્રહી હતા. પ્રાદેશિક ભાષાઓના વિકાસને પણ ઉત્તેજન આપવાની તેમણે હિમાયત કરી હતી.
તેમના ઉપર મદનમોહન માલવિયાજી તથા લાલા લાજપતરાયના વિચારોની અસર હતી. રાજકારણમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની નીતિના ટેકેદાર હતા. રાજેન્દ્રપ્રસાદ, જવાહરલાલ તથા ગોવિંદવલ્લભ પંત સાથે સહકાર્યકર તરીકે તેમણે નોંધપાત્ર કામ કર્યું હતું.
1961માં ભારત સરકારે તેમને દેશનો સર્વોચ્ચ ખિતાબ ‘ભારતરત્ન’ એનાયત કર્યો હતો.
શિવપ્રસાદ રાજગોર