ટંકશાળ (ક્રિયાપદ્ધતિ)

March, 2024

ટંકશાળ (ક્રિયાપદ્ધતિ) : ધાતુના સિક્કા પાડવાની જુદી જુદી પદ્ધતિઓ. ભારતમાં મુખ્યત્વે ત્રણ-ચાર પદ્ધતિઓ પ્રયોજાઈ હતી. સહુથી પ્રાચીન સિક્કા બિંબટંક-આહતપદ્ધતિ (Punch market technique)થી પડેલા હતા. સાંચામાં ઢાળેલા (Cast) સિક્કાઓમાં એકબિંબ આહત (Single-die-struck) અને બેવડા ટંક-આહત (Duble die-struch) સિક્કાની ક્રિયાપદ્ધતિ પ્રચલિત થઈ હતી. મધ્યકાલીન ગ્રંથ ‘આઈને અકબરી’માં સૌપ્રથમ વાર વિસ્તારથી ટંકશાળ ક્રિયાપદ્ધતિનું વિવરણ મળે છે. એમાં ધાતુની શુદ્ધિ, સિક્કાનાં નામ, તોલ વગેરે વિશેની માહિતી ઉપરાંત શુદ્ધ ધાતુ કરી તેમાં જરૂરિયાત મુજબ બીજી ધાતુ ઉમેરવાની, ધાતુઓનું મિશ્રણ કરી તેની લગડી બનાવવી, પછી નિયત તોલના એમાંથી ટુકડા કાપી તેને તપાવી બંને બાજુ અડી(die)ની છાપ, એરણ પર હથોડો ટીપીને ઉપસાવવામાં આવતી.

 યંત્રકલાનો વિકાસ થતાં સિક્કા પાડવાની ક્રિયાપદ્ધતિ પૂર્ણ વિકાસ પામી. ધાતુને ખાણમાંથી મિલમાં મોકલી ત્યાં તેને દળી નાખી, રસાયણો વડે તેમાંનો કચરો તથા ભેદ કાઢી નાખી તેને શુદ્ધ કરવામાં આવે છે. તે પછી તેનાં ચોસલાં બનાવી તેને ટંકશાળમાં મોકલવામાં આવે છે. ત્યાં તેને ફરીથી ગાળી એમાં કઠણાશ આપવા માટે જરૂરી પ્રમાણમાં અન્ય ધાતુ મેળવવામાં આવે છે. ચાંદીના સિક્કામાં 165 ગ્રેન ચાંદીએ 115 ગ્રેન તાંબું, નિકલના સિક્કામાં 75 ટકા તાંબુ અને તાંબાના સિક્કામાં ચાર ટકા કલાઈ અને એક ટકો જસત એકરસ કરી, તેને ઠારી તેમાંથી જોઈતી જાડાઈની પાટો બનાવવામાં આવે છે. પછી તેને પ્રેસમાં મોકલવામાં આવે છે. ત્યાં એક એવું યંત્ર હોય છે જે ફરવા માંડે એટલે ધાતુનો પાટો ફીડિંગ રોલ વડે અંદર સરકતો જાય છે અને કટરો વડે તેમાંથી સિક્કાના નિયત આકારના અને નિયત કદના ટુકડા કપાતા જાય છે. યંત્રમાં તે તે પ્રકારના સિક્કાની બંને બાજુ છાપની અડી (die) હોય છે તેની વચ્ચે પેલા કકડાને દબાવવામાં આવે છે અને તરત જ ત્રીસ ટનનો ભારે હથોડો પટકાવવામાં આવે છે ને એની બંને બાજુ પર છાપ પડી જાય છે. તે છાપ પડેલ સિક્કા એક પછી એક નીચે પડે છે. આમ સિક્કા તૈયાર થાય છે. પ્રેસમાંથી બધા પ્રકારના સિક્કા તે તે આકારમાં એક સરખા કદના બહાર પડે છે. એને માપવાનું યંત્ર મિલિમીટરનો 800મો ભાગ માપી શકે એટલું સૂક્ષ્મ હોય છે. તૈયાર થયેલા સિક્કાઓને એક પછી એક તોલવામાં આવે છે. જેના તોલમાં સહેજ પણ વધઘટ જણાય તો તે સિક્કાને રદ કરી ગાળી નાખવામાં આવે છે. પછી પોલાદની એક મોટી છાટ ઉપર દરેક સિક્કાને પછાડી તેનો અવાજ તપાસાય છે. જેનો અવાજ ખોખરો લાગે તેને પાછો ગાળી નાખવા માટે રદ કરવામાં આવે છે.

 

પ્રવીણચંદ્ર પરીખ