ટંકશાળ : દેશ માટે કાયદેસરના ચલણી સિક્કા પાડવાનું રાજ્ય હેઠળનું અધિકૃત તંત્ર. ધાતુઓના ગઠ્ઠાઓને પિગાળીને સળિયામાં ઢાળવા, સળિયાના સપાટ સમતલ પટ્ટા બનાવીને પછી પટ્ટીઓ બનાવવી, પટ્ટીઓમાંથી ચપટી ગોળાકાર ચકતીઓ કાપીને તેમનું વજન બંધબેસતું કરવું, ચકતીઓને તેજાબ વડે સાફ કરીને તેમની કિનારીઓ બનાવવી તથા યાંત્રિક પ્રહાર દ્વારા તેમની ઉપર છાપ ઉપસાવવી અને ત્યારપછી સિક્કાના વજનની ચકાસણી કરવી વગેરે વિવિધ તબક્કાઓવાળી પ્રક્રિયાઓ કરીને સિક્કા પાડવામાં આવે છે.

સૌથી પ્રાચીન ટંકશાળ ઈ. સ. પૂ. સાતમી સદીમાં ઘણું કરીને લીડિયનોએ શરૂ કરી હતી. આ સમય દરમિયાન ચીનમાં પણ આગવી પદ્ધતિથી સિક્કા પાડવામાં આવતા હતા. આ કળા ધીમે ધીમે ગ્રીસ, રોમ, ઈરાન અને ભારતમાં પ્રસરી. ભારતમાં મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ અને ચૌલુક્ય વંશ દ્વારા બહાર પાડવામાં આવેલા ચાંદીના અથવા તાંબાના સિક્કા વિવિધ સ્થળોએથી મળી આવેલા છે.

ગુજરાતમાં મૌર્ય રાજવીઓના અને ગ્રીક રાજવી મીનાન્ડરના  ઈ. સ. પૂ. બીજી સદીના સિક્કા; ક્ષત્રપ રાજવીઓના ઈશુ ખ્રિસ્તની બીજીથી ચોથી સદીના સિક્કા; ચંદ્રગુપ્ત, કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના ગરુડ ચિહનના સિક્કા; મૈત્રક રાજવીઓના આઠમી સદીના સિક્કા; ચૌલુક્ય (સોલંકી) વંશના સિદ્ધરાજ જયસિંહ અને કુપારપાળના અગિયારમી અને બારમી સદીના સિક્કા મળેલા છે.

ગુજરાતમાં સલ્તનત કાળ (1411–1573) દરમિયાન પાડવામાં આવેલા સિક્કા સોનું, ચાંદી, તાંબું અને બિલન(ચાંદીતાંબાની મિશ્રિત ધાતુ)માંથી બનાવવામાં આવતા હતા. સલ્તનત સમય દરમિયાન ગુજરાતમાં સાત ટંકશાળનાં નામ પ્રાપ્ત થાય છે, જેમાં અમદાવાદ, અહમદનગર (હિંમતનગર), મુસ્તફાબાદ (જૂનાગઢ), મુહમ્મદાબાદ (ચાંપાનેર), દીવ, બુરહાનપુર (તે સમયે ગુજરાતના સુલતાનોના આધિપત્ય હેઠળ) અને દોલતાબાદ(વડોદરા)ની ટંકશાળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ટંકશાળોમાં અમદાવાદની ટંકશાળ શાહી ટંકશાળ હતી.

મુઘલકાળ દરમિયાન અમદાવાદની ટંકશાળનું મહત્વ વિશેષ હતું. અકબરના સોના, ચાંદી તેમજ તાંબાના સિક્કાઓ અહીં પાડવામાં આવ્યા હતા.

જહાંગીરના સમયમાં અમદાવાદની ટંકશાળમાં પાડવામાં આવેલા સિક્કાઓમાં ચાંદીના સિક્કાની સંખ્યા વધારે મળે છે. શાહજહાંના સમયમાં પણ સોના, ચાંદી અને તાંબાના સિક્કા અમદાવાદની ટંકશાળમાં પાડવામાં આવતા હતા. જોકે શાહજહાંના સમયથી સૂરતની ટંકશાળ વિદેશવ્યાપારને લીધે વધારે કાર્યશીલ બની હતી.  ઔરંગઝેબે પણ મુખ્યત્વે ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા. ઔરંગઝેબ પછીના મુઘલ શાસકોના અમદાવાદના સિક્કા ઓછી સંખ્યામાં મળે છે.

અમદાવાદ અને સૂરત ઉપરાંત મુઘલ શાસન દરમિયાન પાટણ (અણહિલવાડ), માલપુર, ખંભાત, જૂનાગઢ, પ્રભાસપાટણ, જામનગર, જેતપુર, ભરૂચ, વડોદરા, ચાંપાનેર વગેરેમાં પણ થોડા-વધુ સમય પૂરતી ટંકશાળો હતી. કચ્છના જાડેજા રાજવીની પણ ભુજમાં ટંકશાળ હતી.

મુઘલ સત્તાના પતન પછી ભારતમાં દેશી રાજ્યો તથા બ્રિટિશ હિંદ સરકાર એમ બે સત્તાઓના સિક્કા ચલણમાં ફરવા લાગ્યા. તે મુજબ ગુજરાતમાં પણ વડોદરા, ખંભાત, ભાવનગર, પોરબંદર, નવાનગર અને કચ્છનાં દેશી રાજ્યોના સિક્કા બ્રિટિશ હિંદ સરકારના સિક્કાઓ સાથે પોતપોતાના રાજ્યમાં ચલણમાં હતા; પરંતુ ધીમે ધીમે હિંદ સરકારની સમજાવટથી દેશી રાજ્યોના સિક્કા ચલણમાંથી લુપ્ત થયા.

ભારતમાં રૂપિયા સાથે આના અને પાઈનું ચલણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1835માં શરૂ કર્યું. તેમાં રૂપિયાનો સિક્કો ચાંદીનો અને 180 ગ્રેન વજનનો હતો તથા તેના ઉપર વિલિયમ છઠ્ઠાની છાપ હતી. 1840માં વિક્ટોરિયા રાણીના નામના સોના અને ચાંદીના સિક્કા ચલણમાં  આવ્યા. તેમણે 1877માં હિંદની સમ્રાજ્ઞીનો ખિતાબ ધારણ કર્યો તેથી સિક્કા ઉપર ‘રાણી’ના બદલે ‘હિંદની સમ્રાજ્ઞી’ શબ્દો છાપવાનું શરૂ થયું. ત્યારપછી 1901માં એડવર્ડ સાતમા અને 1911માં જ્યૉર્જ પાંચમાના ચાંદીના સિક્કા શરૂ થયા. 1936ના અરસામાં એડવર્ડ આઠમા ગાદી ઉપર આવ્યા પણ તેમનો શાસનકાળ  અલ્પ સમયનો હતો તેથી તેમના નામના સિક્કા બહાર પડ્યા ન હતા. જ્યૉર્જ છઠ્ઠા, જોકે 1936માં ગાદી ઉપર આવ્યા, પરંતુ તેમના નામના ચાંદીના સિક્કા પ્રથમ વાર 1938માં બહાર પડ્યા. બીજા વિશ્વયુદ્ધના લીધે ચાંદીનો ભાવ વધવાથી 1940માં બહાર પડેલા સિક્કામાં ચાંદીનું પ્રમાણ ઘટાડીને 50 % કરવામાં આવ્યું અને અગાઉ બહાર પાડેલા ચાંદીના વધુ પ્રમાણવાળા સિક્કા ચલણમાંથી ક્રમશ: પાછા ખેંચી લેવાયા. 1945 પછી સિક્કામાં ચાંદીનો વપરાશ બિલકુલ બંધ થઈ ગયો. 1947માં ભારત સ્વતંત્ર થયા પછી બહાર પડેલા સિક્કા ઉપર બ્રિટિશ સમ્રાટના મુખવટાને બદલે સારનાથના સ્તંભ ઉપરનો સિંહોવાળો ટોચનો ભાગ છાપવાનું શરૂ થયું.

ભારતમાં નાણાંનો મુખ્ય એકમ રૂપિયો છે. એક રૂપિયાનો સિક્કો મુખ્ય એકમ તરીકે ચલણમાં છે. આ ઉપરાંત રૂપિયાથી વધારે મૂલ્યાંકનવાળા બે રૂપિયા, પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કા પણ ચલણમાં છે.

એપ્રિલ, 1957 અગાઉ રૂપિયાથી ગૌણ કિંમતના સિક્કામાં આઠ આના (અર્ધો રૂપિયો), ચાર આના (પા રૂપિયો), બે આના (રૂપિયાનો આઠમો ભાગ), એક આનો (રૂપિયાનો સોળમો ભાગ), ઢબુ (અર્ધો આનો/ (રૂપિયાનો બત્રીસમો ભાગ), અને પૈસો (પા આનો/રૂપિયાનો ચોસઠમો ભાગ) ચલણમાં હતા. પાઈ (પૈસાનો ત્રીજો ભાગ/રૂપિયાનો એકસોબાણુમો ભાગ) નામનો પણ એક સિક્કો હતો, પરંતુ તેનું અસ્તિત્વ લગભગ ભૂંસાઈ ગયું હતું. તા. 1–4–57થી ભારતીય ચલણનું દશાંશ પદ્ધતિમાં પરિવર્તન કરવાનો કાયદો અમલમાં આવ્યો તે મુજબ રૂપિયો મુખ્ય એકમ તરીકે ચાલુ રહ્યો. પરંતુ તેની કિંમત 100 પૈસા બરાબર ગણવામાં આવી અને ગૌણ કિંમતના સિક્કામાં પચાસ પૈસા, પચીસ પૈસા, દસ પૈસા, પાંચ પૈસા, બે પૈસા અને એક પૈસો ચલણમાં મૂકવાનું ઠરાવવામાં આવ્યું. શરૂઆતમાં આ પૈસાને નવા પૈસા તરીકે ઓળખવામાં આવતો હતો; પરંતુ સમય જતાં ‘નવા પૈસા’ શબ્દ સમૂહમાંથી ‘નવા’ શબ્દનો લોપ થયો. પૈસાનો સિક્કો પ્રથમ વાર માર્ચ, 1962માં બહાર પડ્યો અને દશાંશ-પદ્ધતિ મુજબનો રૂપિયાનો સિક્કો જુલાઈ, 1962માં બહાર પડ્યો. 1957થી 1964ના ગાળામાં મૂળ ગૌણ સિક્કા અને નવા ગૌણ સિક્કા એમ બંને પ્રકારના સિક્કા એકસાથે ચલણમાં હતા પરંતુ 1964 પછી ફક્ત દશાંશ-પદ્ધતિના ગૌણ સિક્કા ચલણમાં રહ્યા. 1965માં ત્રણ પૈસાનો સિક્કો બહાર પડ્યો અને થોડા સમય પછી વીસ પૈસાનો સિક્કો બહાર પડ્યો. ગૌણ કિંમતના સિક્કામાંથી ઓછી કિંમતના સિક્કા હવે વપરાશમાં નથી. કારણ કે સરકારે તેવા સિક્કાઓ ચલણ તરીકે રદ કર્યા છે.

ભારતમાં સ્વાતંત્ર્ય પછી સ્મારક-સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા છે. 1964માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના માનમાં એક રૂપિયા અને પચાસ પૈસાના સિક્કા તથા 1969માં મહાત્મા ગાંધીજીની જન્મ-શતાબ્દી પ્રસંગે દસ રૂપિયા, એક રૂપિયો, પચાસ પૈસા અને વીસ પૈસાના સિક્કા પાડવામાં આવ્યા. ત્યારપછી ‘વધુ અનાજ ઉગાડો’, ‘કુટુંબ-નિયોજન’, ‘બધાને માટે અન્ન’, ‘વિકાસ માટે બચાવો’, ‘સુખી બાળક રાષ્ટ્રનું ગૌરવ’, ‘ગ્રામીણ મહિલાઓની  ઉન્નતિ’, ‘વિશ્વ અન્ન દિન’, ‘બાબાસાહેબ આંબેડકર’, ‘ઇન્દિરા ગાંધી’ અને ‘રાજીવ ગાંધી’ના સ્મારક-સિક્કાઓ પણ બહાર પાડવામાં આવ્યા હતા.

ભારતમાં એક રૂપિયાનો સિક્કો અને ગૌણ કિંમતના સિક્કા નાણાં મંત્રાલય બહાર પાડે છે; પરંતુ સરકાર વતી તેનું વિસ્તરણ રિઝર્વ બૅંક સંભાળે છે. રૂપિયાથી વધુ કિંમતના બધા જ સિક્કા તૈયાર કરવાનું તથા તેનું વિસ્તરણ કરવાનું કામ રિઝર્વ બૅંક કરે છે. મુંબઈ, કૉલકાતા, હૈદરાબાદ અને નોઇડાની ટંકશાળો દેશની જરૂરિયાતના સિક્કાઓ તૈયાર કરે છે. વળી મુંબઈની ટંકશાળ સુરક્ષા વિભાગના તથા કૉલકાતા અને હૈદરાબાદની ટંકશાળો અન્ય સરકારી વિભાગોના મેડલો તૈયાર કરી આપે છે. આ ઉપરાંત મુંબઈની ટંકશાળ પરવાનાદાર વેપારીઓના સોનાનું શુદ્ધીકરણ કરીને લગડીઓ બનાવી આપે છે.

જયન્તિલાલ પો. જાની