ઝ્વાઇગ, સ્ટિફન (જ. 28 નવેમ્બર 1881, વિયેના; અ. 22 ફેબ્રુઆરી 1942, પેટ્રોપૉલિસ, રિયો દ જાનેરો નજીક) : ઑસ્ટ્રિયન લેખક. યહૂદી માતાપિતાને ત્યાં જન્મ. 1913માં સાલ્ઝબર્ગ ખાતે સ્થાયી થતાં પહેલાં તેમણે ઑસ્ટ્રિયા, ફ્રાન્સ તથા જર્મની ખાતે અભ્યાસ કર્યો. 1934માં નાઝીઓએ તેમને દેશનિકાલ કર્યા. પહેલાં તે 1934થી 40 ઇંગ્લૅન્ડ ખાતે રહ્યા અને બ્રિટિશ નાગરિકતા મેળવી. તેમને માનસશાસ્ત્ર તથા ફ્રૉઇડના સિદ્ધાંત તથા ઉપદેશમાં વિશેષ રસ હતો. તેમના પાત્રચિત્રણમાં ખૂબ જ ચોકસાઈ તથા ઊંડાણ જોવા મળે છે તે મુખ્યત્વે આ કારણે. સૌપ્રથમ તે પ્રકાશમાં આવ્યા કવિ અને (બેન જોન્સન વગેરેના) અનુવાદક તરીકે; પછી જાણીતા થયા ટૂંકી વાર્તાના લેખક (‘કૅલાઇડોસ્કોપ’, 1934) તરીકે અને છેલ્લે નવલકથાકાર (‘બિવેર ઑવ્ પિટી’, 1939 વગેરે) તરીકે નામના પામ્યા. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં તેમણે નિજી ઉન્મેષ દાખવ્યો. ‘ધ ટાઇડ ઑવ્ ફૉર્ચુન’(1940)માં પાંચ ઐતિહાસિક લઘુ શબ્દચિત્રો છે અને તેનાથી તેમને સારી ખ્યાતિ મળી. તેમની ટૂંકી વાર્તાઓમાં ‘કૉન્ફિલક્ટ્સ’ (1927) ઉલ્લેખનીય છે. ‘ધ રૉયલ ગેમ ઍન્ડ અધર સ્ટોરીઝ’ (1981) તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. આ સમગ્ર વૈવિધ્યપૂર્ણ સર્જનવિશેષમાં એકસમાન લાક્ષણિકતા તરી આવે છે; પાત્ર ચાહે કાલ્પનિક હો કે ઐતિહાસિક,પરંતુ એ તમામેતમામનું તેમણે જે ઊંડી મનોવૈજ્ઞાનિક સૂઝપૂર્વક અવગાહન અને અર્થઘટન કર્યું છે તે અનન્ય લેખાય છે.
ઇંગ્લૅન્ડથી તે અમેરિકા અને 1940માં છેવટે બ્રાઝિલ ગયા; બ્રાઝિલના નવા વાતાવરણમાં પણ જીવનમાં ઉત્તરોત્તર વધતાં જતાં ભગ્નતા, વિફલતા તથા એકાંતથી હતોત્સાહ બની, તેમણે તથા તેમનાં બીજી વારનાં પત્નીએ આત્મહત્યા કરી.
મહેશ ચોકસી