ઝ્યૂસ : પ્રાચીન ગ્રીક લોકોનો મુખ્ય દેવ. તે બહુ શરૂઆતના આક્રમણકારો દ્વારા બહારથી ગ્રીસમાં પ્રસ્થાપિત થયો હતો. ઝ્યૂસને સંસ્કૃતમાં દ્યૌ અને લૅટિનમાં જ્યુપિટર તરીકે ઓળખવામાં આવે છે. તે અંતરિક્ષ અને મેઘગર્જનાના દેવ તરીકે જાણીતો છે. પ્રાચીન ગ્રીસમાં તેનાં મુખ્ય મંદિરો ડોડોના, ઑલિમ્પિયા અને નેમિયામાં આવેલાં હતાં. બધાં ગ્રીક દેવ-દેવીઓમાં તેનું સ્થાન સર્વોચ્ચ ગણાતું. ગ્રીક લોકોમાં એવી માન્યતા હતી કે ઝ્યૂસ મનુષ્યની વર્તણૂક પર ચાંપતી નજર રાખે છે અને પાપીઓને ખરાબ ઋતુ કે વાવાઝોડું મોકલીને સજા કરે છે.

ઝ્યૂસને ટાઇટનો(સ્વર્ગ અને પૃથ્વીના પુત્રો)ના રાજા ક્રોનસના સૌથી નાના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્રોનસને તેના પુત્ર દ્વારા જ પદભ્રષ્ટ કરવામાં આવશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તેથી ક્રોનસ તેના પુત્રને તે જન્મે તે સાથે જ ગળી જતો. પરંતુ તેની પત્ની રિયાએ ઝ્યૂસને જન્મ આપ્યા પછી તેને સ્થાને કપડામાં પથ્થરને વીંટાળીને મૂક્યો, જે ક્રોનસ ગળી ગયો, જ્યારે બાળક ઝ્યૂસને ક્રીટ ટાપુ પર મોકલવામાં આવ્યો. ક્રીટમાં તેને અમલથિયા નામની વનદેવી(અથવા એક બકરી)એ ઉછેર્યો. ઝ્યૂસ મોટો થતાં તેના ભાઈઓ હેડીઝ અને પૉસાઇડોનની મદદથી તેણે ટાઇટનોને હરાવ્યા અને ક્રોનસને પદભ્રષ્ટ કર્યો. સમગ્ર બ્રહ્માંડને ત્રણ ભાઈઓ વચ્ચે વહેંચી નાખ્યું. તે મુજબ ઝ્યૂસને આકાશ, હેડીઝને પાતાળ અને પૉસાઇડોનને સમુદ્ર મળ્યાં. સ્વર્ગના રાજવી તરીકે ઝ્યૂસે જાયન્ટો(જિયા અને યુરેનસના પુત્રો)ને હરાવીને દેવતાઓને વિજયી બનાવ્યા. ગ્રીક કવિ હોમર મુજબ સ્વર્ગ ગ્રીસના સૌથી ઊંચા પર્વત ઑલિમ્પસની ટોચે આવેલું હતું.

ઝ્યૂસ સાથે ઘણી પ્રણયકથાઓ જોડાયેલી છે. આ પ્રકારના સંબંધોને કારણે તેની પત્ની હીરા સાથે તેને સતત ઘર્ષણ રહેતું હતું. આવા પ્રકારની દંતકથાઓ દ્વારા ગ્રીસના ઉત્તરીય પ્રદેશ અને ગ્રીક સંસ્કૃતિ અગાઉના ભૂમધ્ય વિસ્તારમાં પ્રવર્તતી વિવિધ દેવદેવીઓ અંગેની માન્યતાઓ વચ્ચે થતાં સંલયનનો ખ્યાલ આવે છે. આ પ્રણયકથામાં ઝ્યુસને વિવિધ સ્વરૂપો ધારણ કરતો નિરૂપવામાં આવે છે. હીરા સાથે સંબંધ બાંધવા કોકિલનું, લીડા સાથેના સંબંધોમાં હંસનું અને યુરોપાનું હરણ કરવા તે આખલાનું સ્વરૂપ ધારણ કરે છે. તેનાં બાળકોમાં ટાઇટન પત્ની લીટોથી જોડિયા એપૉલો અને આર્ટેમિસ, સ્પાર્ટાની લીડા દ્વારા હેલન અને ડાયોસ્ક્યુરી,દિમિતર દેવીથી થયેલી પુત્રી પર્સેફની, દેવી સિમેલથી ડાયોનિસસ અને પોતાના જ મસ્તકમાંથી એથીનાનો જન્મ થયો હોવાનું દંતકથાઓમાં વર્ણવેલું છે, જેમાં ઘણી દેવીઓ અને માનવસ્ત્રીથી થયેલાં તેનાં બાળકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગ્રીક નગરરાજ્યોમાં ઝ્યૂસને દેવાધિદેવ ગણવામાં આવતો હોવા છતાં એથીના તથા હીરો જેવી સ્થાનિક દેવી કે દેવતાઓની તુલનામાં તેનું મહત્વ ઓછું હતું. ઍથેન્સમાં ઈશુ પૂર્વેની છઠ્ઠી સદી સુધી તેનું મંદિર ન હતું. એપિરસમાં આવેલા ડોડોના ખાતે ભવિષ્યવાણીના પ્રાચીન સ્થાનનો મુખ્ય દેવ ઝ્યૂસ હતો. ઉપરાંત ઑલિમ્પિયામાં આવેલી ઝ્યૂસની વેદી પાસે પણ ભવિષ્યવાણીની ઘોષણા કરાતી. લીબિયામાં સીવાના રણદ્વીપમાં ઝ્યૂસને ઇજિપ્તના દેવ આમન તરીકે ઓળખવામાં આવે છે.

ખૂબ પ્રાચીન કાળથી ઝ્યૂસને ન્યાયના દેવ તરીકે અને નગરો, ઘરસંપત્તિ કે યાચકોના રક્ષક તરીકે ગણવામાં આવતો હતો. ગ્રીક કરુણાંતિકાઓના સર્જક ઇસ્કિલસે તેને ઈરા કે વિધાતા તરીકે અને સ્ટૉઇક ચિંતકોએ તેને અગ્નિ તરીકે ઓળખાવ્યો છે. ગ્રીક કળામાં ઝ્યૂસને ભવ્ય પ્રતિભા અને શરીરસૌષ્ઠવ ધરાવતા દાઢીધારી મહાપુરુષ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. વજ્ર અને ગરુડ તેનાં મુખ્ય પ્રતીકો હતાં.

પશ્ચિમ ગ્રીસમાં ઑલિમ્પિયામાં વિશ્વવિખ્યાત ગ્રીક શિલ્પી ફિડિયાસ દ્વારા ઈ. સ. પૂ. 430માં તૈયાર કરવામાં આવેલી અને ઝ્યૂસના મંદિરમાં મુકાયેલી સુવર્ણ અને હાથીદાંત જડેલી તેની મૂર્તિ પ્રાચીન દુનિયાની સાત અજાયબીઓમાંની એક ગણાતી હતી. આ મૂર્તિ 12 મી. ઊંચી હતી. ફિડિયાસને આ મૂર્તિ બનાવતાં આઠ વર્ષ લાગ્યાં હતાં. ઈ. સ. 426માં ઝ્યૂસનું મંદિર નષ્ટ થયું તેની સાથે અથવા 50 વર્ષ પછી તેની મૂર્તિ પણ નષ્ટ થઈ હોવાનું મનાય છે.

ર. લ. રાવળ